દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.13 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના એમઓયુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે ઉર્જા, તેલ અને ગેસ, રસાયણો અને અન્ય ક્ષેત્રોમાં 58 કંપનીઓ સાથે 7.17 ટ્રિલિયન ભારતીય રૂપિયા 86.07 બિલિયન ના પ્રારંભિક રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, એમ બુધવારે જણાવ્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા જ વિકાસલક્ષી કરારો પર હસ્તાક્ષર થયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય 10 થી 12 જાન્યુઆરી દરમિયાન રાજ્યની રાજધાની ગાંધીનગરમાં યોજાનારી દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા આ કરારો પર હસ્તાક્ષર કરી રહ્યું છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે ૫૮ જેટલા એમઓયુ ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા 3.70 લાખ થી વધુની રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક નવતર અભિગમ અપનાવીને આ વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે દર સપ્તાહે પ્રતિ બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને મંત્રીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગો સાથે એમઓયુ કરવાનો ઉપક્રમ રાજ્ય સરકારે હાથ ધરેલો છે.
અત્યાર સુધીમાં આમ કુલ ૧૭ કડીમાં સમગ્રતયા વિવિધ ૨૩૪ એમોયું કરવામાં આવ્યા છે. તેના દ્વારા સંભવિત ૧૦,૩૧,૨૫૦ કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ અને ૧૨,૮૯,૦૭૮ થી વધુ રોજગારી સર્જનની તકો ઊભી થવાનો અંદાજ છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ એમઓયુ જે સેક્ટરમાં સંભવિત રોકાણો માટે થયા છે, તેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
બુધવારે તા. ૩ જાન્યુઆરીએ એમઓયુ એક્ષચેન્જની ૧૭મી સાપ્તાહિક સિરિઝમાં જે ૫૮ એમઓયુ થયા છે, તેમાં ૨ હજાર કરોડ રૂપિયાથી ઓછી રકમના રોકાણો માટેના ૨૧, ૨ હજારથી ૫ હજાર કરોડ રૂપિયા સુધીના રોકાણો માટેના ૧૨, પાંચથી ૧૦ હજાર કરોડ રૂપિયાના રોકાણો માટેના ૮ તથા ૧૦ હજાર કરોડ રૂપિયાથી વધુના રોકાણો માટેના ૧૭ એમઓયુ હતા.