ખેડુતોનું બંધનું આહવાન, મિશ્ર પ્રતિસાદ: ગુજરાત ખુલ્લું

ખેડૂત સંગઠનોએ દેશવ્યાપી બંધનું એલાન કર્યું હતું જેમાં અનેકવિધ રાજકીય પક્ષોએ સમર્થન જાહેર કર્યું હતું પરંતુ ગુજરાતમાં કૃષિઆંદોલનનો ચહેરો કોણ તે બાબતે બાજી પલટાવી દીધી હતી. કોઈપણ વિપક્ષો એ આંદોલનનું બીડું નહીં ઝડપતાં ગુજરાતમાં બંધના આહવાનને પ્રજાએ ઝાકારો આપ્યો હતો. વિપક્ષોએ ટેકો તો જાહેર કર્યો પરંતુ ખરા અર્થમાં ગુજરાતમાં આંદોલનનો ચહેરો કોણ તે પ્રશ્ર્ન વિપક્ષો સમજી શકી નહીં. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ સહિતના પક્ષો ગુજરાતમાં બંધનું સમર્થન કરી રહ્યા હતાં પરંતુ કોઈ પક્ષે એક જુટ થઈ પ્રજા સમક્ષ જવાની તસદી લીધી નહીં તેના પરિણામે ગુજરાતમાં બંધની અસર નહિંવત જોવા મળી હતી.

નવા કૃષિ વિધેયકના વિરોધમાં પંજાબથી જે બ્યુગલ વાગ્યું હતું, હાલ તે યુદ્ધના મંડાણ કરતું રણશીંગુ બની ચુક્યું છે. ૮મી ડિસેમ્બરના રોજ દેશવ્યાપી બંધનું એલાન ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે દેશભરના વિપક્ષોએ પણ બંધને ટેકો જાહેર કર્યો છે. જેની સામે પોલીસ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી બળજબરીથી બંધનું પાલન કરાવનારા વ્યક્તિઓ પર લાલ આંખ કરી છે. દેશના અનેક રાજ્યોમાં કલમ ૧૪૪ પણ લાગુ કરી દેવામાં આવી છે. આંદોલન કરનારા ખેડૂતોએ અનેકવાર કેન્દ્ર સરકાર સાથે બેઠક કરવા છતાં કોઈ સમાધાન નહીં નીકળતા અંતે આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હીની સરહદે કૃષિ વિધેયકના વિરોધમાં આંદોલન કરી રહ્યાં છે.

ખેડૂતો નવા કૃષિ વિધેયકનો વિરોધ કરી રહ્યાં છે, ખેડૂતોનું કહેવું છે કે, કૃષિ કાયદો અમલી બનતા ખેડૂતો પાયમાલ બની જશે. મોટા કોર્પોરેટ ખેડૂતોને લૂંટી જશે. ફોરવર્ડ ટ્રેડીંગ અને કોન્ટ્રાકટ ફાર્મિંગ ખેડૂતોનું અહીત કરશે તેમજ ટેકાના ભાવ ખેડૂતોને મળશે નહીં જેથી ખેડૂતોની દશા દુર્દશામાં ફેરવાઈ જશે. ઉપરોકત તમામ બાબતોએ ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિલ્હીને ચોતરફથી ઘેરી બેઠા છે. તેવા સમયે દેશવ્યાપી બંધ કરવાની શું જરૂરીયાત પડી તે પણ એક મોટો સવાલ છે. શું ખેડૂત આંદોલનની આડમાં વિપક્ષો રાજકીય રોટલા શેકી રહ્યાં છે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. ખેડૂતોએ પ્રાથમિક તબકકેથી જ કોઈને હેરાનગતિ ન થાય તેમજ કોઈપણ પ્રકારની હિંસા ન થાય તે ઉક્તિ સાથે આંદોલન શાંતિપૂર્ણ રીતે કરી રહ્યાં છે. ત્યારે દેશભરમાં બંધનું એલાન આપ્યા બાદ અનેક જગ્યાએ હિંસાત્મક દેખાવો શરૂ થતાં તમામ હિંસાત્મક પ્રવૃતિઓની પાછળ જવાબદાર કોણ તે સવાલ પણ ઉઠ્યો છે.

જ્યાં એકબાજુ ખેડૂતો અને રાજકીય પક્ષો બંધનું આહવાન આપી રહ્યાં છે ત્યારે બીજીબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સવાલ પુછયો છે કે, વિકાસ માટે પરિવર્તન જરૂરી છે કે કેમ ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક આગ્રા ખાતેના મેટ્રો રેલ પ્રોજેકટનું વિડીયો કોન્ફરન્સ મારફત લોન્ચીંગ કરી રહ્યાં હતા તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિકાસ માટે અમુક પરિવર્તનો કરવા ખુબ જરૂરી હોય છે. દાયકાઓથી ચાલતા આવતા નિયમો અમુક સમયે વિકાસવાદમાં ‘ભારણ’ સમાન સાબીત થતાં હોય છે. અમે વિકાસવાદમાં માનીએ છીએ. જેને ધ્યાને રાખીને જ કૃષિ વિધેયકને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વડાપ્રધાનના સંબોધનમાં સીધી રીતે કોઈપણ જગ્યાએ કૃષિ આંદોલન કે કૃષિ વિધેયકની ચર્ચા કરાઈ ન હતી પરંતુ પરોક્ષ રીતે વડાપ્રધાને કહ્યું હતું કે, વિકાસ માટે નિયમો અને પરિવર્તનો જરૂરી છે. નવી સવલતો ઉભી કરવા માટે નવા નિયમો બનાવવા પણ જરૂરી છે. આપણે નવું ભારત બનાવવા તત્પર છીએ પરંતુ આદિકાળના નિયમો સાથે નવું ભારત બનાવી શકાશે નહીં. હું જોઈ શકું છું કે, આદિકાળના નિયમો હાલના તબક્કે ભારણરૂપ સાબીત થઈ રહ્યાં છે. વિકાસવાદ માટે સતત પરિવર્તન જરૂરી છે.

ભારત બંધ મુદ્દે કેન્દ્ર સરકારે તમામ રાજ્યો સરકારો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને સુરક્ષાના મુદ્દે માર્ગદર્શીકા મોકલી છે. જેમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોનાકાળમાં લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય નહીં, દેશ જોખમમાં મુકાય નહીં જેથી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે માટે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસીત પ્રદેશનું એડમિનીસ્ટ્રેશન્સ કટીબદ્ધ રહે. કોઈપણ જગ્યાએ હિંસાત્મક પ્રદર્શન ન થાય તે માટે પોલીસને વધુ કડક બનાવી જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

રાજધાની દિલ્હી ચારેકોરથી ઘેરાઈ ચૂકી છે. કારણ કે દિલ્હીને જોડનારા નેશનલ હાઈવે પર હાલમાં ખેડૂતો બેઠા છે, હરિયાણા, પંજાબ, હિમાચલ અને કાશ્મીરથી આવતા વાહનો થોડા દિવસ પહેલા હાઈ-વે પર ૨૪ કલાક ફરતા જોવા મળતા હતા હવે બોર્ડરથી ૨૦ કિ.મી. દૂર મુર્થલ સુધી ટ્રેકટર ટ્રોલીની લાઈનો લાગી છે. આમ તો આ વૈકલ્પીક માર્ગ છે પરંતુ ટ્રાફિકજામ અને અંતર વધવાના કારણે યાત્રાનો સમય પણ વધી રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે પાંચ તબક્કાની બેઠક પછી પણ નવા કૃષિ કાયદાને પાછો ખેંચવાની વાત બની નથી પરંતુ ખેડૂતો પોતાના માંગ પર અડગ છે. આથી આજે ભારત બંધનું એલાન અપાયું છે. આ દરમિયાન ખેડૂતોએ એમ્બ્યુલન્સ અને લગ્નના વાહનોને છુટ આપી છે.

બીજીબાજુ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માર્ગદર્શીકા જાહેર કરી રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશોને કહ્યું છે કે, બંધ દરમિયાન કાયદો અને શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે. બંધને કોંગ્રેસ સહિત ૨૪ પક્ષો અને ૧૦ ટ્રેડ યુનિયને ટેકો આપ્યો છે. દેશના સૌથી મોટા બજાર આઝાદપુર સહિત દિલ્હીના તમામ બજારો આજે બંધ રહી હતી. ટીએમસી ખેડૂતો સાથે છે પરંતુ બંધને ટેકો આપ્યો નથી. બંધ અમારી નીતિ વિરુધ્ધ છે તેવું તૃણમુલ કોંગ્રેસના સાંસદ સોગતરાયે કહ્યું છે. આ ઉપરાંત કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસો. બંધમાં સામેલ નહીં થાય. ભારત કિસાન યુનિયનના પ્રમુખ રાકેશ ટીકાયતે કહ્યું હતું કે, તેઓ સામાન્ય લોકો માટે સમસ્યા ઉભી કરવા માંગતા નથી. આથી સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી ભારત બંધ અને ચક્કાજામ કરવામાં આવશે. હરીયાણાના કર્મચારી સંગઠનો પણ બંધમાં સામેલ થશે તેવું રવિવારે તમામ સંગઠનોએ જણાવ્યું હતું.

ખેડૂતોએ કરેલી બંધની જાહેરાતને હાલ સુધી ૮ રાજ્યોએ સમર્થન આપ્યું છે. જેમાં દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઝારકંડ, છત્તીસગઢ, તેલંગણા, કેરળ અને મહારાષ્ટ્ર સરકારનો સમાવેશ થાય છે. પં.બંગાળની મુખ્યમંત્રીએ ખેડૂતોને સમર્થન આપ્યું છે પરંતુ ભારત બંધને સમર્થન આપ્યું નથી.

બેન્કિંગ યુનિયન તેમજ ટ્રેડ યુનિયને બંધના એલાનને ટેકો આપ્યો છે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પલોઈઝ એસો.એ કહ્યું છે કે, કેન્દ્ર સરકારે આગળ આવીને ખેડૂતોની તમામ માંગો અંગે રસ દાખવી સમસ્યાનું નિરાકરણ કાઢવું જરૂરી છે. ઉપરાંત ટ્રેડ યુનિયનોએ કૃષિ આંદોલનને ટેકો જાહેર કર્યો છે જેમાં ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, હિન્દ મજદૂર સભા, સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન, ઓલ ઈન્ડિયા યુનાઈટેડ યુનિયન સેન્ટર અને ટ્રેડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટરનો સમાવેશ થાય છે.

જે રીતે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેના પરિણામે મોટાભાગના લોકોમાં મુખ્ય ગડમથલ જોવા મળી હતી કે ટ્રાન્સપોર્ટ સેવા કાર્યરત રહેશે કેમ ? જેના જવાબમાં હાલના તબક્કે સ્પષ્ટ કહી શકાય કે, ઓલ ઈન્ડિયા ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ સર્વિસ એસો. દ્વારા બંધને ટેકો આપવામાં આવ્યો નથી જેથી દેશભરમાં પૈંડાઓ થંભશે નહીં, જીવન જરૂરીયાતની તમામ વસ્તુ સરળતાથી મળી રહેશે.

વિકાસ માટે ફેરફારો લાવવા જરૂરી?: પીએમ મોદી

modi

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગ્રા ખાતે મેટ્રો રેલ પ્રોજેકટનું વીડિયો કોન્ફરન્સથી ખાતમુહૂર્ત કરી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાને પરોક્ષ રીતે સવાલ પુછતા કહ્યું હતું કે, વિકાસ માટે નવા નિયમો અને પરિવર્તનો લાવવા જરૂરી છે કે નહીં. મારા મત મુજબ નવી સુવિધા અને સવલતો માટે પરિવર્તન હરહંમેશ જરૂરી હોય છે. કેન્દ્ર સરકાર બીનસ્વાર્થી ભાવથી નવા પરિવર્તનો લાવી રહી છે. મારૂ સ્પષ્ટપણે માનવું છે કે, નવા ભારતનું નિર્માણ જૂના નિયમો સાથે કરી શકાય નહીં. વડાપ્રધાનનો સીધો સંકેત કૃષિ કાયદા અને ખેડૂત આંદોલન પર હતું. વડાપ્રધાને કહ્યું હતું કે, આપણે સૌ નવા ભારતના નિર્માણની વાત કરતા હોઈએ છીએ. પણ જ્યારે નવા ભારતના નિર્માણ માટે કોઈ નિર્ણય કરવામાં આવે તો તેનો વિરોધ શા માટે ? અમે નવા ભારતના નિર્માણ માટે કટીબદ્ધ છીએ. તેના માટે સુધારા-વધારા-ફેરફાર-પરિવર્તન કરવા અતિ જરૂરી છે. જે કેન્દ્ર સરકાર હાલના તબક્કે કરી રહી છે. જેમાં સમગ્ર દેશવાસીઓએ સમર્થન આપવું જરૂરી છે. કોઈપણ નવી શરૂઆત થાય ત્યારે વિરોધ નહીં પરંતુ સમર્થન આપવાનું હોય છે. અમે સતત દેશવાસીઓને નવી સવલત આપવા માટે પણ કટીબદ્ધ છીએ અને તેના માટે જ નિયમોમાં પરિવર્તન કરતા હોઈએ છીએ.

આંદોલનનું મંચ રાજકારણીઓનું મંચ નહીં બનવા દઈએ: ખેડૂતો

ખેડૂતો દ્વારા દેશભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો નવા કૃષિ વિધેયકોને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. હાલ ખેડૂતોના બંધના એલાનમાં અનેક વિપક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. જો કે, ખેડૂતોને ચિંતા છે કે, તેમના આંદોલનને રાજકીય રંગ ન આપી દેવાય જેથી સોમવારે ખેડૂત સંગઠનોએ સત્તાવાર રીતે કહ્યું હતું કે, અમે અમારા મંચ પર કોઈપણ નેતાઓને સ્થાન આપીશું નહીં. અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા માંગીએ છીએ. ખેડૂતો સમગ્ર દિવસ દરમિયાન બંધ પાળવા સાથે ફકત ૪ કલાક માટે જ ચક્કાજામ કરશે તેવું ક્રાંતિકારી કિશાન યુનિયનના પ્રમુખ દર્શન પાલે કહ્યું હતું. બંધ મુદ્દે ક્રિતી કિશાન યુનિયનના પ્રેસીડેન્ટ નિર્ભયસિંઘ ધુળીકેએ એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, અમારૂ આંદોલન ફકત પંજાબ કે હરિયાણા પુરતું જ નથી સમગ્ર વિશ્ર્વમાંથી અગ્રણીઓ અમારૂ સમર્થન કરી રહ્યાં છે જેમાં કેનેડાના વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. જે રીતે કૃષિ સંગઠનોએ તેમના મંચ પર કોઈ રાજકીય અગ્રણીઓને સ્થાન નહીં આપવાનું જણાવ્યું છે તે બાદ તમામ વિપક્ષો વ્યક્તિગત રીતે પ્રદર્શનમાં જોડાશે જેમાં હૈદરાબાદની તેલંગણા રાષ્ટ્ર સમીતી ધરણા અને રસ્તા રોકો આંદોલનમાં ભાગરૂપ બનશે. જ્યારે શિવસેના,

એનસીપી અને કોંગ્રેસની આગેવાનીવાળી મહારાષ્ટ્રમાં માર્કેટીંગ યાર્ડો બંધ રાખવામાં આવશે. જ્યારે બસ, ઓટો અને ટેકસી તેમજ દુકાનો રાબેતા મુજબ કાર્યરત રહેશે. પંશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર આંદોલનના સમર્થનમાં છે પરંતુ તેઓ કોઈપણ પ્રકારનું બંધ પાડશે નહીં. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ વિપક્ષોએ વ્યક્તિગતરૂપે વિરોધ નોંધાવવાનું ચાલુ કર્યું છે.

ફક્ત સરકાર નહીં વિપક્ષો માટે પણ અગ્નિપરીક્ષાની ઘડી

ભારત બંધના એલાનને અનેકવિધ રાજકીય પક્ષો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૮ રાજ્ય સરકારોએ બંધને ટેકો જાહેર કર્યો છે. જેમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળનો સમાવેશ થાય છે તે ઉપરાંત રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો શિવસેના, કોંગ્રેસ, ડીએમકે, કમલ હશનની એમએનએમ, આરજેડી, બસપા, સમાજવાદી પાર્ટી, એનસીપી, આમ આદમી પાર્ટી, ગુપકાર અલાઈન્સ, લેફટ, ટીઆરએસ, એમડીએમકે, એનસી, પીડીપી સહિતના વિપક્ષોએ બંધને ટેકો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, એનડીએનો સાથી પક્ષ રાષ્ટ્રીય લોક તાંત્રીક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે પણ બંધના એલાનને સમર્થન આપ્યું છે. સંજય રાઉતે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, શિવસેના ખેડૂતોના આંદોલનના સમર્થનમાં છે. તેમજ બંધનું સમર્થન પણ શિવસેના કરી રહી છે. શિવસેના દ્વારા બંધના આહવાનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, ખેડૂત આંદોલનને રાજકીય પક્ષો સમર્થન આપી રહ્યાં છે. પરંતુ આ ઘડી વિપક્ષો માટે પણ પરીક્ષાની ઘડી સાબીત થઈ શકે છે. જેનું મુખ્ય કારણ એ છે કે, હરહંમેશ માટે રાજકીય પક્ષ વિરોધ કરી શકવા સક્ષમ હોય છે પરંતુ ક્યારેય રાજ્ય સરકાર વિરોધ કરી શકતી નથી. પરંતુ કોંગ્રેસ અથવા અન્ય પક્ષ શાસીત રાજ્ય સરકારો વિરોધ પ્રદર્શનમાં સાથે ઉભી છે. વિરોધ પક્ષો દ્વારા બંધને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજધર્મની ગરીમા નહીં જળવાઈ તે બાબત પણ સ્પષ્ટ છે.

એકબાજુ દેશભરના ખેડૂતોની વાત છે અને બીજી બાજુ રાજધર્મ છે ત્યારે વિપક્ષોએ બન્નેનું સંતુલન જાળવવું જરૂરી છે. ઉલ્લેખનીય બાબત છે કે, બંગાળમાં મમતા સરકારે કૃષિ આંદોલનનું સમર્થન કર્યું છે પરંતુ બંધના આહવાનનો સ્વીકાર કર્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.