નવા કૃષિ કાયદાની ‘જમાવટ’ કરવા ગુજરાત રૂ.૧૦,૦૦૦ કરોડ ઠાલવશે
કૃષિ અને કૃષિકારને સધ્ધર બનાવવા કૃષિ પેદાશોની મહત્તમ નિકાસ અને આંતર માળખાકીય સુવિધાઓ થકી ખેડૂતની આવક બમણી કરવા સરકારની કવાયત
ખેડ, ખેતર ને પાણી… લાવે સમૃધ્ધિ તાણી… કૃષિ પ્રધાન અર્થ વ્યવસ્થામાં ખેતી અને ખેડૂતની સધ્ધરતા અનિવાર્ય છે. ભારતને કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવે છે પરંતુ દેશની કુલ કૃષિ પ્રવૃતિઓમાં ૮૦ ટકાથી વધુ ખેતી સંપૂર્ણપણે મોસમ આધારિત હોવાથી ખેતી અને ખેડૂતની આવક મિશ્રીત રહેતી નથી. ખેડૂતોની લાખ મહેનત છતાં દાયકામાં બે-ત્રણ વર્ષ અતિ વૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિને લઈને ખેડૂતોને બિયારણ જેટલું પણ વળતર મળતું નથી. એવા સંજોગોમાં કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે નવા ત્રણ કૃષિ કાયદાના માધ્યમથી કૃષિ ક્ષેત્રની કાયાપલટ માટે પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે કૃષિ કાયદાને લઈને મડાગાંઠ ઉભી થઈ છે અને કેન્દ્ર સરકાર ૩ કાયદાઓ સામે વિરોધનો સામનો કરી રહી છે તેવા સંજોગોમાં ગુજરાત સરકારે કોન્ટ્રાકટ ફાર્મિંગ, એફપીઓ, વેલ્યુ એડિશન, સ્ટાર્ટઅપને લઈ ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર બનવા તરફ મક્કમ રીતે આગળ વધી રહી છે.
કૃષિ પ્રધાન ભારતમાં ગુજરાતનું કૃષિ ક્ષેત્ર આગળ પડતું માનવામાં આવે છે. ગુજરાત અર્થતંત્રનું ગ્રોથ એન્જીન ગણવામાં આવે છે. ગુજરાત હરિત ક્રાંતિના આવિષ્કારમાં બીજા નંબરે આવે છે અને ૯.૬ ટકાના દરે કૃષિ વિકાસ સાધી રહ્યું છે. ગુજરાતમાં કૃષિ લાયક જમીનો, પુરતુ માનવશ્રમ અને ભારતના પશ્ર્ચિમી સાગર કાંઠે આવેલા આ રાજ્યમાં કૃષિની અનુકુળતા સવિશેષ રહેલી છે. ગુજરાતમાં કુદરતી સંશાધનો, ખેતીનો અનુભવ, ખેતી અને ખેતીની પધ્ધતિ અને અનુકુળ વાતાવરણના કારણે ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે.
પરંપરાગત ખેતીમાં માહેર ગુજરાતના ખેડૂતોના અનુભવોને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓ ચાલી રહી છે અને રાજ્યમાં સૌથી વધુ કોન્ટ્રાકટ ફાર્મિંગની શકયતા રહેલી છે.
રાજ્યમાં બાજરો, મગફળી, કપાસ, ઘઉં, મકાઈ, રાયડો, તલ, ચણા, વટાણા અને શેરડીની ખેતી સાથે સાથે બાગાયત પાકોમાં પણ ગુજરાતનું સારૂ યોગદાન છે. અહીં કેરી, કેળા, જામફળ, ચીકુ, ટમેટા, બટેટા, ડુંગળી, લસણ, ઈસબગુલ જેવી વિવિધ પ્રકારની ખેતી થાય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે થઈ રહેલા પ્રયાસોનો સવિશેષ લાભ ગુજરાતને મળશે.
ગુજરાતની ખેતીને વધુ સમૃધ્ધ બનાવવા રાજ્યની વિજયભાઈ રૂપાણી સરકારે નવા કૃષિ કાયદાની જમાવટ કરવા અને ગુજરાતના કૃષિ ક્ષેત્રને સારી રીતે વિકસાવવા માટે રૂા.૧૦,૦૦૦ કરોડનું ફંડ ઉભુ કરી ગુજરાતમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ, એફપીઓ, વેલ્યુ એડિશન, સ્ટાર્ટઅપને લઈ ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહેવા સજ્જ બન્યું છે.
રાજ્ય સરકારના આધારભૂત સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે ખેડૂત ઉત્પાદન સંસ્થાઓ, એફપીઓના માધ્યમથી રાજ્યમાં કોન્ટ્રાકટ ફાર્મિંગને પ્રોત્સાહન આપીને કૃષિ ક્ષેત્રના નવસર્જન માટે ખાસ ભંડોળ ઉભુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા કોન્ટ્રાકટ ફાર્મિંગ, સુવિધા કેન્દ્રો ઉભા કરી ખેડૂતોને માહિતગાર કરવા માટે સલાહ કેન્દ્રોથી લઈને આંતર માળખાકીય સુવિધાઓની જાણકારી અને કોન્ટ્રાકટ ફાર્મિંગ આધુનિક વિશ્ર્વમાં આવનાર દિવસની માંગ હોવાની સમજણ આપીને કોન્ટ્રાકટ ફાર્મિંગ તરફ ખેડૂતોને વાળવા માટે આયોજન કરી રહી છે.
સરકારી સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને તેમની જણસની મહત્તમ નિકાસ થાય અને ખેડૂતોની આવક વધે તે માટેનો માહોલ ઉભો કરવા માંગે છે. સરકારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું આ ભંડોળ ખાસ કરીને કૃષિ અને ખાસ કરીને ખેડૂતો માટે નાશવંત જણસની સલામતી માટે સલામત સંગ્રહ સુવિધા કૃષિ જણસનું ઉત્પાદન થાય ત્યારથી લઈને ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા ઉપરાંત દરેક પેદાશનું મુલ્યવર્ધીત પરિવર્તન કરવાની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરવામાંા આવ્યું છે. દા.ત. ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો કપાસ, મગફળી જેવા રોકડીયા પાકોનું મુલ્યવર્ધન કરીને કપાસમાંથી કાપડ બને ત્યાં સુધીની વ્યવસ્થા ઘર આંગણે ઉભી કરવી, મગફળીની વિવિધ વાનગીઓ બનાવવી, તેનું વિતરણ કરવું અને ખેડૂતો પોતાની પેદાશ અલગ અલગ રૂપમાં બનાવી તેનો વિકાસ કરી ગ્રાહકો સુધી સીધા જ વેંચાણ કરી શકે તેવી વ્યવસ્થા માટે મીની એગ્રીકલ્ચર એસ્ટેટ, એગ્રીકલ્ચર કલ્સ્ટર અને કૃષિ પેદાશોને લગતા કારખાનાના સ્ટાર્ટઅપ માટે આ ભંડોળ વાપરશે. ખેડૂતો પોતાની પેદાશ અને ઉપજનું અલગ અલગ રૂપમાં રૂપાંતર કરી શકે, નવી વસ્ત બનાવે અને તેનું વેંચાણ કરી આવક વધારી શકે તે માટે સરકારે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ફંડ ઉભુ કરવાનું આયોજન કર્યું છે.
ગુજરાતની વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા કોન્ટ્રાકટ ફાર્મિંગ, એફપીઓ, વેલ્યુ એડિશન, સ્ટાર્ટઅપ માટે સાનુકુળ વાતાવરણ ઉભુ કરવા માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું આ ફંડ વર્તમાન લઘુતમ ટેકાના ભાવની બાંહેધરી અને ખેડૂતો અને સરકાર વચ્ચે વિકાસ માટે ભાગીદારી થાય તે માટે વાપરવાનું આયોજન કર્યું છે. સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસમાં રહેલી તકોનો વિસ્તૃત અભ્યાસ શરૂ કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પારીત કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટર પોતાનો પ્રથમ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, કૃષિ બીલ ૨૦૨૦ એ કૃષિ ક્ષેત્રના નવસર્જન માટે એક ઐતિહાસિક નિર્ણય બની રહેશે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શનિવારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજી કૃષિ અને કૃષિકારના વિકાસ માટેની ચર્ચા અને કિસાન કલ્યાણ નીધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંગે ચર્ચા કરી હતી. ગુજરાતના કૃષિ ક્ષેત્રના સવિશેષ વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતિબધ્ધતા દાખવી સરકારની યોજનાઓનો રાજ્યમાં મહત્તમ લાભ મળે, ખેડૂતોની આવક વૃદ્ધિ અને નિશ્ર્ચિત આવકમાં વધારો થાય તેવા માહોલની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. વિજયભાઈ રૂપાણી સરકારના કૃષિ ક્ષેત્રના નિકાસના આ પ્રયાસોને લઈને ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર બનવા પગલા ભરી ચૂક્યુ છે.
ખેડ, ખેતર ને પાણી, લાવે સમૃધ્ધિ તાણી…
ગુજરાતના ખેડૂતોનો ખેતીનો પેઢીઓ જૂના અનુભવને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રાજ્યમાં જમીન સુધારણા, ખેતીની માપણી અને સિંચાઈ સુવિધાઓની સરળ ઉપલબ્ધીથી ગુજરાતનો ખેડૂત સધ્ધર બને તેવા પ્રયાસોની સારી સફળતા મળી રહી છે.
નાશવંત વસ્તુઓની ટકાવારી ઘટશે
કૃષિ પ્રધાન ભારતમાં મબલખ અન્ન ઉત્પાદન થાય છે પણ નાશવંત જણસની ટકાવારી ૩૩ ટકા છે. ખેડૂતોનો માલ વેંચાયા પહેલા ૩૩ ટકા બગડી જાય છે. વિકસીત દેશોમાં આ ટકાવારી માંડ ૧ થી ૨ ટકા હોય છે. કોલ્ડ સ્ટોરેજ ગોડાઉન અને ફૂડ સ્ટોરેજ ચેઈન ઉભી કરી નાશવંત જણસની ટકાવારી ઘટાડવામાં આવે તો ખેડૂતો માલામાલ થઈ જાય.
ખેડૂતોને આધુનિક ખેત પધ્ધતિથી તાલીમબદ્ધ કરવા માટે કવાયત
ગુજરાતમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓ ચાલે છે. ખેડૂતોએ તબક્કાવાર રોજે રોજની હવામાન સ્થિતિ, ખાતર, બિયારણની જાણકારી અને આધુનિક કૃષિ ટેકનોલોજીથી સતત માહિતગાર કરવામાં આવે છે. જેનાથી ગ્રામ્ય ખેડૂતો વધુ કાબેલ ખેતીકાર બની રહ્યાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કૃષિ વિકાસના વ્યક્તિગત હિમાયતી
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યના ખેડૂત અને ખેતીના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે મળી મુખ્યમંત્રીએ કૃષિ ક્ષેત્રના વિકાસ અને આવશ્યક પગલાઓની વિસ્તૃત ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ ત્રણેય કૃષિ કાયદાને દેશની કાયાપલટનું નિમીત ગણાવીને કૃષિ કાયદાના વિજયભાઈ અમલીકરણથી ખેતી અને ખેડૂત બન્ને સધ્ધર થશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
ખેત પેદાશોનું મુલ્યવર્ધન વેંચાણ
ગુજરાતમાં મબલખ કૃષિ આવક થાય છે. પરંતુ ખેડૂતોને મહેનતનું વળતર મળતું નથી. હવે નવી ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રના કાયાપલટથી ખેડૂત પોતાનો માલનું સ્વરૂપ બદલાવી નવી વસ્તુઓ બનાવી તેના વેંચાણ થકી વધુ આવક મેળવે તે માટે સરકારે પ્રતિબદ્ધ બનીને આંતર માળખાકીય સુવિધાઓ અને નવા ઉદ્યોગોના સ્ટાર્ટઅપ માટે કમરકસી છે.