2036ના ઓલમ્પિકની યજમાની માટે અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ : બે કમિટીઓની પહેલી બેઠક મળી, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ ચર્ચા કરી
ગુજરાત હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગી ગયું છે. ગુજરાતના આંગણે હવે ઓલિમ્પિક રમાશે. ત્યારે ગુજરાતમાં આ માટે આલિશાન તૈયારીઓ આરંભી દેવાઈ છે. ઓલિમ્પિક 2036 માટે એસપીવને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. એટલુ જ નહિ, અહી ત્રણ હજાર મકાનોનું ભવ્ય ગામ બનશે.
ગુજરાતમાં 2036 ના ઓલિમ્પિક માટે તૈયારીઓ આરંભી દેવાઈ છે. આ માટે ગુજરાત અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે. ગુજરાત સરકારે ઓલિમ્પિક ગેમ્સ માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે એસપીવીની સ્થાપના કરી છે. જેની જાહેરાત ગુરુવારે કરવામાં આવી છે. ઓલિમ્પિકના આયોજન માટે રચાયેલી બે કમિટીઓને પહેલી બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.
જે મુજબ, ઓલિમ્પક 2036 ના આયોજન માટે એસપીવીને ગોલિમ્પિક નામ આપવામાં આવ્યું છે. અર્થાત ગુજરાત ઓલિમ્પિક પ્લાનિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. આ શબ્દ સાથે ગુજરાત વૈશ્વિક સ્તરે સ્પોર્ટસ એક્ટિવિટી કરશે.
ગોલિમ્પિક અંતર્ગત અમદાવાદમાં 3 હજાર મકાનોનું એક ગામ ઉભું કરવામાં આવશે. જે મોટેરા પાસે તૈયાર થશે. કુલ 236 એકરમાં આ ગામ બનીને તૈયાર થશે. મીટિંગમાં સ્પોર્ટસ એન્ક્લેવનો માસ્ટર પ્લાન પણ રજૂ કરાયો હતો. સાથે જ ગોલિમ્પિક એસપીવીનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. હવે પછી આ દ્વારા જ ઓલિમ્પિક ગેમ્સના આયોજન અને અમલીકરણ થશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લઈ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટસ એન્ક્લેવના માસ્ટર પ્લાનનું બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જે ઓલિમ્પિકની તમામ રમતોનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. મોટેરા ખાતે તૈયાર થનારા આ એન્ક્લેવમાં અંદાજે 4600 રૂપિયા કરોડનો ખર્ચો થશે. જ્યાં 93 લાખ ચોરસ ફૂટમાં 20 જેટલી સ્પોર્ટસનું આયોજન થઈ શકે તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.
પાંચથી છ નવા ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમ બનશે
છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારે મણીપુર-ગોધાવી ગામમાં ચૂપચાપ સર્વે કરાવ્યા પછી ત્યાં ઔડાએ નવા ડેવલપમેન્ટ પ્લાન સ્વીકારવાનું અચાનક જ બંધ કરી દીધું છે જે સંકેત આપે છે કે સરકાર મક્કમપણે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા આગળ વધી રહી છે. આ બંને ગામમાં અંદાજે ત્રણસો એકર જમીન પર પાંચથી છ નવા ઓલિમ્પિક કક્ષાના સ્ટેડિયમ બનશે. જેમાં પોલો ગ્રાઉન્ડ, હોકી સ્ટેડિયમ, ફૂટબોલ સ્ટેડિયમ, સ્કેટીંગ રીંગ તેમજ પેરાઓલિમ્પિક માટે વિશેષ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે. અગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ અને કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુર ભારતની વર્ષ 2036માં ઓલિમ્પિકમાં દાવેદારી તેમજ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઓલિમ્પિક વિલેજ બનાવવા અંગેનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
મેટ્રો ટ્રેન દોડશે ઓલિમ્પિક વિલેજમાં
ઓલિમ્પિક વિલેજને અમદાવાદના ખૂણે-ખૂણાથી જોડવા માટે મેટ્રો ટ્રેનને ગોધાવી-મણીપુર સુધી દોડાવવાની યોજના થઈ રહી છે. થલતેજ સુધી રોજ-બરોજ દોડતી મેટ્રો ટ્રેનને શીલજ સર્કલથી આગળ લઈ જઈને ગોધાવી સુધીનો નવો રૂટ તૈયાર કરવામાં આવશે. જેના પરિણામે ઓલિમ્પિક માણવા આવી રહેલા સહેલાણીઓ એરપોર્ટ અને કાલુપૂર રેલવે સ્ટેશનથી સીધા ઓલિમ્પિક વિલેજ સુધી સડસડાટ પહોંચી જશે.
સર્વિસ એપાર્ટમેન્ટ્સ અને કોચીંગ સેન્ટર બનશે
દુનિયાભરમાંથી અમદાવાદ આવી રહેલા ખેલાડીઓ અને કોચને આરામદાયક સુવિધા આપવા તેમજ પ્રેક્ટિસ કરવા માટે અંદાજે 5000 જેટલા રૂમ તેમજ કોચીંગ સેન્ટર પણ બનાવવાનું આયોજન છે. ઓલિમ્પિક વિલેજમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની માળખાગત સુવિધા આપવા હાલ ઊંડાણપૂર્વક અભ્યાસ ચાલી રહ્યો છે.