• વિશ્વમાં એક દિવસમાં 250 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે, ભારતમાં રોજ 60 કરોડ લીટર અર્થાત વિશ્વમાં જેટલું દૂધનું ઉત્પાદન થાય છે તેના 24.64 ટકા દૂધનું ઉત્પાદન ભારત કરે છેઅબતક, અમદાવાદ

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1લી, જૂને વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરાય છે. જેનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો અને દૂધના પૌષ્ટિક મૂલ્યો વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે. વિશ્વ દૂધ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રની સહસંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા 1લી, જૂન 2001માં કરવામાં આવી હતી અને ખાદ્ય-કૃષિ સંગઠનની સ્થાપના 16મી, ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી. જેમાં હાલમાં કુલ 195 સભ્ય દેશો સામેલ છે. વિશ્વમાં એક દિવસમાં 250 કરોડ લીટર દૂધનું ઉત્પાદન થાય છે., જેમાં ભારતમાં રોજ 60 કરોડ લીટર અર્થાત વિશ્વમાં જેટલું દૂધનું ઉત્પાદન થાય છે. તેના 24.64 ટકા દૂધનું ઉત્પાદન ભારતમાં થાય છે અને એમાં પણ ભારતના એક રાજ્ય તરીકે ગુજરાતમાં રોજનું 319 લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. જેના કારણે ગુજરાતના ગામડા સ્વાવલંબી બન્યાં છે. નાબાર્ડના છેલ્લા અહેવાલ મુજબ દેશમાં વર્ષ 2022-23માં કુલ 23,05,77,000 ટન દૂધનું ઉત્પાદન થયું હતું. જેની સામે દેશમાં પ્રથમ ક્રમે ઉત્તરપ્રદેશમાં 3,62,42,000 ટન દૂધનું ઉત્પાદન થયું હતું. જ્યારે બીજા ક્રમે રાજસ્થાનમાં 3,33,07000 ટન, ત્રીજા નંબરે મધ્યપ્રદેશમાં 2,01,22000 ટન, ચોથા નંબરે ગુજરાતમાં 1,72,81,000 ટન દૂધનું ઉત્પાદન થયું હતું. ગુજરાતમાં વર્ષ 2018-19માં 1,44,94000 ટન દૂધનું ઉત્પાદન થયું હતું. જેમાં 2022-23 સુધીના 5 વર્ષમાં 27,88,000 ટનનો વધારો થયો છે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં જે કુલ દૂધનું ઉત્પાદન થાય છે. તેના અનુસંધાને ભારતમાં માથાદીઠ દૂધની સરેરાશ પ્રાપ્યતા 459 ગ્રામ જેટલી છે. જે ગુજરાતમાં માથાદીઠ 670 ગ્રામ જેટલી છે. દેશમાં સૌથી વધુ માથાદીઠ દૂધની પ્રાપ્યતા પંજાબમાં 1283 ગ્રામ, બીજા નંબરે રાજસ્થાનમાં 1138 ગ્રામ, ત્યારબાદ ત્રીજા ક્રમે હરિયાણામાં 1098 ગ્રામ, ચોથા નંબરે આંધ્રપ્રદેશમાં 799 અને પાંચમા ક્રમે ગુજરાતમાં 670 ગ્રામ જેટલી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.