સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને કમલમ્ ખાતે યોજાશે એક દિવસની કાર્યકારિણી
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ગત રવિવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં નવીદિલ્હી ખાતે યોજાઈ હતી. દરમિયાન આગામી 17મી નવેમ્બરના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને કમલમ્ ખાતે સવારે 10 થી 4:30 દરમિયાન પ્રદેશ ભાજપની કાર્યકારિણી યોજાશે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ગુજરાતમાંથી ભા.જ.પા. મુખ્ય કાર્યાલય કમલમ્ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, સાંસદ રમીલાબેન બારા જોડાયા હતા. આગામી 17 નવેમ્બરના રોજ સવારે 10:00 થી સાંજે 04:30 સુધી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભા.જ.પા. કાર્યકારીણી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.
દેશમાં કોરોનાને કારણે સ્વર્ગસ્થ થયેલા સૌને બેઠકના પ્રારંભે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં શોક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ શોક પ્રસ્તાવમાં મહારોગચાળાને કારણે અકાળે અવસાન પામનાર તમામ વરિષ્ઠ નેતાઓ, વરિષ્ઠ નાગરિકો, રોહિત સરદાના જેવા વરિષ્ઠ પત્રકારોથી લઇને પુનિત રાજકુમાર સુધીના સૌનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોરોના કાળમાં દેશનું સમર્થ નેતૃત્વ કરવા બદલ, દેશમાં કોરોના વિરોધી રસી તૈયાર કરવા માટે પ્રેરણા આપવા બદલ તથા દુનિયાના સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ હેઠળ 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા.
પક્ષના આગામી કાર્યક્રમમાં 8 લાખ બૂથ પર બૂથ સમિતિની રચનાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બાકીનાં બૂથ પર સમિતિની રચનાનું કાર્ય 25 ડિસેમ્બર, 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે. પેજ પ્રમુખ બનાવવાની કામગીરી પણ 6 એપ્રિલ, 2022 સુધીમાં પૂર્ણ થશે.
બૂથો પર વડાપ્રધાનના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત સાંભળવાના કાર્યક્રમોનો પ્રયાસ પ્રશંસનીય છે. મે 2022 સુધી દેશના પ્રત્યેક બૂથ પર પાર્ટી કાર્યકરો તથા બૂથના વિશિષ્ટ લોકોની સાથે મળીને મન કી બાત કાર્યક્રમ સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવશે.
બેઠકમાં પાંચ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીની પણ ચર્ચા થઈ અને એ માટેની તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો કે ભાજપ હજુ પણ વધુ તેજસ્વી, ઓજસ્વી અને વિજયી બનીને આગળ આવશે.
આપણે હવે હર ઘર દસ્તક કાર્યક્રમ સફળ બનાવવાનો છે. આ કામગીરીમાં ભારતીય જનતા પાર્ટીના 10 લાખ આરોગ્ય સ્વયંસેવકો સહયોગ આપશે.
તાજેતરમાં પૂર્ણ થયેલી પેટાચૂંટણીઓ અંગે પણ કારોબારીમાં ચર્ચા થઈ હતી. તેલંગાણામાં પક્ષને મળેલી ભવ્ય જીત, તમિલનાડુમાં પંચાયત ચૂંટણીમાં ભાજપની સુધરેલું પ્રદર્શન, આસામ-બિહાર તથા મધ્યપ્રદેશમાં ભાજપનું ભવ્ય પ્રદર્શન તેમજ પડકારો છતાં હરિયાણાની એલાનાબાદ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના મતમાં લગભગ 10 ટકાનો વધારો થયો તે ધ્યાનમાં લેવામાં આવ્યું.
બેઠકમાં તમામ 36 પ્રદેશના કારોબારી સભ્યો, મુખ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન, પ્રદેશ અધ્યક્ષ ઑનલાઇન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. બેઠકમાં મણિપુરના મુખ્યપ્રધાન એન બીરેનસિંહ, ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, ઉત્તરાખંડના મુખ્યપ્રદાન પુષ્કરસિંહ ધામી તથા પંજાબના પ્રદેશ અધ્યક્ષ અશ્વની શર્માએ પણ સંબોધન કર્યું હતું.
બેઠકમાં કોરાના વિરોધી ભારતની લડાઈ, આર્થિક સુધારા તથા પર્યાવરણ સંબંધે ભારતની પ્રભાવક ભૂમિકા સંદર્ભે ચાર પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.