ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું
ગાંધીનગર, 9 સપ્ટેમ્બર: સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા ઊર્જા ટ્રાન્ઝિશનને સુગમ બનાવવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવા માટે અત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. ભારતમાં વર્ષ 2030 સુધીમાં 500 GW બિનઅશ્મિભૂત ઇંધણ આધારિત ક્ષમતા સુધી પહોંચવા અને સ્થાપિત ક્ષમતાના સંદર્ભમાં રિન્યુએબલ એનર્જી આધારિત ક્ષમતાનો હિસ્સો ઓછામાં ઓછો 50 ટકા સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત આ વિઝનને પ્રાપ્ત કરવાની દિશામાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સોલાર રૂફટોપ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિત, વિવિધ પ્રકલ્પો અત્યારે રાજ્યમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને વેગ આપી રહ્યા છે. આ ચોમાસાની સિઝનમાં સચરાચર મેઘથી જ્યારે ગુજરાત તરબતર છે ત્યારે પાણીની ભરપૂર આવકના લીધે ગુજરાતના ડેમ છલકાઇ રહ્યા છે. તેના પરિણામે હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી પણ રેકોર્ડ વીજ ઉત્પાદનમાં થઇ રહ્યું છે. ગુજરાતના જાણીતા એવા ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી, ઓગસ્ટ 2024માં 1067.3 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન થયું છે. જુલાઇમાં વીજ ઉત્પાદન 308.7 મિલિયન યુનિટ હતું.
ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MU પાર
ગુજરાતમાં પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર ડેમમાં ઓગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું છે. સરદાર સરોવર (RBPH) અને સરદાર સરોવર (CHPH)માંથી ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન 891 MU થયું છે. રાજ્યના અન્ય હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી પણ નોંધપાત્ર વધારા સાથે વીજ ઉત્પાદન થયું છે.
હાઇડ્રો પ્લાન્ટમાં વીજ ઉત્પાદન
હાઇડ્રો પ્લાન્ટ જુલાઈ-24 ઓગસ્ટ-24
ઉકાઈ 0 143.1
ઉકાઈ મિની 0.6 1.9
કડાણા 20.6 30.9
સરદાર સરોવર – RBPH 251.2 757.1
સરદાર સરોવર – CHPH 36.2 134.3
કુલ ઉત્પાદન (મિલિયન યુનિટમાં) 308.7 1067.3
2019થી 2024 સુધીમાં રાજ્યનું સરેરાશ હાઇડ્રો પાવર ઉત્પાદન 4600 MU
ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 4600 MU જેટલું ઉત્પાદન જોવા મળ્યું છે. વર્ષ 2022-23માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 6170.456 MU રહ્યું હતું, જે વર્ષ 2021-22ના 2629.059 MUની સરખામણીએ 134 ટકા વધુ છે. વર્ષ 2023-24માં રાજ્યનું કુલ હાઇડ્રો પાવર ઉત્પાદન 4584.932 MU રહ્યું છે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટિ અને લાંબા ગાળાના આયોજનોને લીધે જ ગુજરાત આજે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં ક્લાયમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરવામાં આવી હતી, તેને લીધે સ્થિરતા-ટકાઉપણું, ઊર્જા સંક્રાંતિ અને નેટ-ઝીરો લક્ષ્યો હાંસલ કરવા સક્ષમ પગલાં લઈ શકાયા છે. રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના વિકાસ માટે પ્રોત્સાહનો પ્રદાન કરતી નવીનીકરણીય ઊર્જા અંગેની નીતિઓ બહાર પાડનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.