ફરી એકવાર ગુજરાતમાં કોંગ્રેસનો નાલેસીભર્યો પરાજય થયો છે. ગત વિધાનસભા, લોકસભા, કોર્પોરેશન અને છેલ્લે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો દાટ વળી ગયો હોય એવા પરિણામ આવ્યા છે. ચારેય બાજુ જાણે ભાજપના જ વિજય પતાકા લહેરાતા હોય એમ એક પછી એક ચૂંટણીમાં ભાજપનું શાસન સ્થાપિત થઇ ગયું છે. આવી સ્થિતિ તો જ્યારે વડાપ્રધાન મોદી ખુદ ગુજરાતમાં હતા ત્યારે પણ ન હોય એવી સ્થિતિ સર્જાઇ છે. હાર થયા બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતાએ રાજીનામું આપી દીધું. જો કે આ વખતે હાઇકમાન્ડે રાજીનામું સ્વાકારી લીધું છે. માર્ચના અંત સુધીમાં કોંગ્રેસના નવા ગુજરાત અધ્યક્ષ જાહેર કરી દેવામાં આવશે.

એક પછી એક ચૂંટણીમાં જીત મળ્યા બાદ પણ ભાજપે બેવડી તાકાતથી લડાઇ લડી અને તેનું પરિણામ બધાની સામે છે. જ્યારે સામા પક્ષે ગુજરાતમાં મુખ્ય વિપક્ષ રીતે સ્થાપિત થયેલી કોંગ્રેસ એક પછી એક ચૂંટણીમાં હાર મળ્યા બાદ નબળી પડતી ગઇ. છેલ્લે કોર્પોરેશનની ચૂંટણી બાદ અનેક શહેર કોંગ્રેસ પ્રમુખને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તો શું વાત કરવી.

આંતરિક જુથવાદ જવાબદાર ?

સામાન્ય રીતે ચૂંટણીમાં પરાજય બાદ કોઇ નેતા દ્વારા EVM પર હારનું કળશ ઢોળવામાં આવતું હતું. પરંતુ હાલ કોંગ્રેસની સ્થિતિ એવી થઇ ગઇ કે તેઓએ જાહેરમાં સ્વીકાર્યું કે અમને આંતરિક જૂથવાદ જ નડ્યો છે. જૂથવાદ એટલી હદે વધી ગયો કે ચૂંટણીમાં નિરસ કાર્યકરો માત્ર સબંધને કારણે મહેનત કરતા હતા, ન કે પાર્ટીને જીતાડવા માટે. આ વાતનો ફાયદો ભાજપે પ્લાનિંગ સાથે ઉઠાવ્યો અને એક પછી એક કદાવર નેતાઓને પોતાની તરફે વિવિધ સ્કીમ અંતર્ગત કરી લીધા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત થવા પાછળ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નેતૃત્વના ખુબ જ વખાણ થયા. પરંતુ કોંગ્રેસમાં ઉલ્ટી ગંગા જોવા મળી, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાએ કોઇપણ પગલાઓ કે જુસ્સો ન જોવા મળ્યો જેનું પરિણામ જગજાહેર છે.

છેલ્લે ગુજરાતમાં આંદોલન થકી જાણીતા બનેલા હાર્દિક પટેલને પોતાના પક્ષમાં મોટું સ્થાન આપી ફરી બેઠું થશે એવી આશા સેવી હતી પરંતુ એ આશા પણ ઠગારી નિવડી. ગુજરાત કોંગ્રેસને દાજ્યા પર ડામ આપવાનું કામ કર્યું આમ આદમી પાર્ટીએ. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રવેશને કારણે કોંગ્રેસનું ધ્યાન ભંગ થયું અને તેઓ અવઢવમાં મૂકાયા ગયા કે ભાજપ વિરુદ્ધ રણનીતિ બનાવવી કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ. તો એવી પણ ચર્ચાએ જોર પકડ્યું કે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જીત અપાવવા પાછળ પાટીદાર વોટ બેંક નિર્ણાયક સાબિત થઇ છે. તો હાર્દિક પટેલનો કોંગ્રેસને કેટલો ફાયદો મળ્યો એ ગણિત હાઇકમાન્ડે ફરીથી ગણવા પડશે. હાલ તો ગુજરાતમાં કોંગ્રેસના બંને નેતાઓ પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે જે હાઇકમાન્ડે સ્વાકારી પણ લીધું છે ત્યારે જોવું એ રહ્યું કે આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા કોના માથે કારભાર સોંપાશે. નવા પ્રદેશ અધ્યક્ષ જે કોઇપણ હોય પરંતુ તેણે ગ્રાઉન્ડ લેવલે કોંગ્રેસને એક કરવાનું કામ પહેલા કરવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.