- છેલ્લા છ મહિનામાં સ્નિફર ડોગ્સની ટીમે સફળતાપૂર્વક આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીએન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં મેળવી સફળતા તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની વચ્ચે સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધ્યો
- ‘બીના’ ડોગે ભાવનગર ખાતે લોહીના ડાઘની સ્મેલથી મર્ડરના ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કર્યા
- ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.1.07 કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કર્યો
- બળાત્કારના એક ગુનામાં ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તાલિમબદ્ધ ડોગ્સ અને ડોગ હેન્ડલર સહિત કુશળ ટીમની પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના ‘નાર્કોટીક્સ ડોગ્સ’ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એન.ડી.પી.એસના બે કેસ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તા.૨૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મિઠાઇની વચ્ચે આખી સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. જ્યારે તા.૧૪મી ઓક્ટોબર-2024ના રોજ ‘કેપ્ટો’ ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો શોધી આપ્યો હતો.
બીજી તરફ જ્યારે ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર 6 ગુનાઓમાં ‘ટ્રેકર ડોગ્સ’ એ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે. તા.14મી ઓક્ટોબર-2024ના રોજ ‘બીના’ ડોગને ભાવનગર ખાતે હત્યાના બનાવ સ્થળેથી મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા. જ્યારે તા.14મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.૧.૦૭ કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કરાવ્યો હતો.
સુરત ગ્રામ્ય વિસ્તારના એક બળાત્કારના ગુનામાં તા. ૯મી ઓક્ટોબરે-2024ના રોજ ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી. તા.10મી સપ્ટેમ્બર-2024ના રોજ પોરબંદરમાં ગેસ કટરથી પવનચક્કીને રૂ.1.10 લાખનું નુક્શાન કરનાર આરોપીને ‘રેમ્બો’ ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. તેવી જ રીતે તા.6ઓગસ્ટ-2024ના રોજ પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને ‘વેલ્ટર’ ડોગે આર્ટીકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડીટેક્ટ કરવામાં મદદ કરી હતી. તા.17મી મે-2024ના રોજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને ‘ગીગલી’ ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઇ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધી અને ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી.
આમ, છ મહિનામાં ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સની મદદથી 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે.