આંતરરાષ્ટ્રીય સરહદના કારણે કચ્છ પંથકમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
પોલીસે ભુજ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસિએશન સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનાઓ પાઠવી
જમ્મુ-કાશ્મીર પર સરહદી વિસ્તારમાં ડ્રોન મળી આવ્યા બાદ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ પંથકમાં પણ હવે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેના કારણે પોલીસે કચ્છ જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જેના માટે કચ્છ-ભુજના ફોટોગ્રાફ્રર સાથે પોલીસે મિટિંગ યોજી જરૂરી સૂચનાઓ પાઠવી હતી.
કચ્છ સરહદી રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મયુર પાટીલ સૂચના અને માર્ગદર્શન મુજબ ભુજ પોલીસ દ્વારા ગઈ કાલે પોલીસ ભવન ખાતે શહેરી વિસ્તારોમાં રહેતા ડ્રોન કેમેરા સંચાલકોને કલેકટર દ્વારા જાહેર કરવામાં આવેલા ડ્રોન શૂટિંગ કરવા અંગેના જાહેરનામાની સમજ કરવા તેમજ જમ્મુ-કાશ્મીરમાં થયેલા ડ્રોન હુમલાના બનાવ ન બને તે માટે તમામે તકેદારી રાખવા બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના અનુસંધાને પોલીસ અને ભુજ ફોટોગ્રાફર એસોસિએશનની પોલીસ ભવન ખાતે મિટિંગ મળી હતી. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ડ્રોન સંચાલકો અને ફોટોગ્રાફરને કલેકટરના ડ્રોન પરના જાહેરનામાં અંગેની સમજણ આપી ડ્રોન ઉડાડવા પર પરમિશન લેવી ફરજીયાત હોવાનું પણ સૂચન કરી જાહેરનામાની નકલ આપી તેની બહોળી પ્રસિદ્ધિ કરવા પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ મિટિંગમાં ભુજ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ યત્રભુજ ધામી અને ભુજ શહેરી વિસ્તારોના ડ્રોન સંચાલક સાથે ભુજ નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સહિતના ઉચ્ચ અધિકારી પણ હાજર રહ્યા હતા.