આગામી લોકસભાની ચૂટણીઓમાં મોદી સરકારને પછાડવા કલકત્તામાં ભારતનાં ૨૨ ભાવિ વડાપ્રધાનો હાથ મિલાવી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી માદરે વતન ગુજરાતમાં આગામી એકાદ દાયકામાં પાંચેક લાખ કરોડ રૂપિયાના મુડીરોકાણ માટે ૨૨ દેશોના બિઝનેસમેનો સાથે એમઓયુ કરીને હાથ મિલાવી રહ્યા હતા. આ બન્ને ઘટનામાં વિકાસનું સપનું કોણ સાકાર કરી શકે તે સમજી શકાય છે.
દોઢ દાયકા પહેલા મુખ્યપ્રધાન મોદીનાં માર્કેટિંગ પ્લાનનાં ભાગ રૂપે ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાતના નામે દ્વિવાર્ષિક બિઝનેસ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાલ-૨૦૧૯માં નવમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું સમાપન થયું છે. માનીએ છીએ કે વાઇબ્રન્ટ ગુજરાતમાં થતા એમઓયુનાં આંકડા અંગે ઘણીવાર ટીકા થાય છે, કદાચ આટલા મુડીરોકાણ આવતા નહી હોય પણ બિઝનેસનો સિધ્ધાંત એવું કહે છે કે માર્કેટિંગનો પહેલો હેતુ લીડ જનરેટ કરવાનો એટલે કે લોકોને તમારી પ્રોડક્ટથી માહિતગાર કરીને તેમને તે ખરીદવા માટે તૈયાર કરવાનો છે. જનરેટ થયેલી દરેક લીડ સેલમાં ક્ધવર્ટ ન પણ થાય. જો આ સિધ્ધાંતને સાચો માનીએ તો વાઇબ્રન્ટ પાછળના ખર્ચ અને એમઓયુનાં આંકડા અંગે ટીકા કરવાનો કોઇ અર્થ નથી.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા જોઇએ તો નવમી વાઇબ્રન્ટ સમિટમાં ૨૮૦૦૦ થી વધારે એમઓયુ થયા છે, જોકે સરકાર ત્રણેય દિવસની કુલ રકમ કહેવાનું ટાળે છે પણ પ્રથમ દિવસે રિલાયન્સનાં ત્રણ લાખ કરોડ, અદાણીનાં ૫૫૦૦૦ કરોડ, બિરલાનાં ૧૫૦૦૦ કરોડ રૂપિયા મળીને કુલ ૪.૨૫ લાખ કરોડનાં એમઓયુ થઇ ગયા હતા. આ આંકડો બીજા દિવસનાં અંતે કુલ ૪.૬૨ લાખ કરોડનો જણાવાયો હતો. આ વખતે ૨૧૦૮૯ એમઓયુ સાથે એમએસએમઈ સેક્ટર પ્રથમ સ્થાને રહ્યું હોવાનું જણાવાય છે.
સરકારી આંકડા પ્રમાણે વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૯માં કુલ ૪૦,૦૦૦ થી વધારે લોકોએ ભાગ લીધો. જેમાં ૧૩૫ દેશોના ૩૦૦૦ થી વધારેપ્રતિનીધીઓનો પણ સમાવેશ થાય છે. ૨૦ જેટલા દેશોનાં મીનીસ્ટરોના ડેલીગેશન પણ ભારત આવીને રોકાણની તકો જોઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા વિજય રૂપાણીએ આશરે ૧૨૫ જેટલા સીઈઓ સાથે મિટીંગ કરી છે જે આગામી દિવસોમાં રાજ્યમાં મુડીરોકાણનાં માર્ગ તૈયાર કરશે.આ વખતે આશરે એકાદ લાખ કરોડ રૂપિયાના ખઘઞ તો માત્ર વીજ ઉત્પાદન ક્ષેત્રે થયા છે જેમાં ગુજરાતમાં હાઇટેક સોલર એનર્જી પાર્ક શરૂ કરવા ઘણી કંપની તૈયાર થઇ છે. અદાણી ગ્રુપ જ ૩૦,૦૦૦ કરોડનાં ખર્ચે સોલાર પાર્ક સ્થાપવા તૈયાર થઇ છે.
સુઝુકી મોટર્સ પોતાના ગુજરાત પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારીને ૭,૫૦,૦૦૦ યુનિટની કરવા તૈયાર થઇ છે. આમ તો અગાઉની સમિટોનાં એમઓયુનાં આંકડાની ટીકાઓ થઇ હતી. તેથી સરકારે આ વખતે એમઓયુ કરતા ટ્રેડ શો નો પ્રચાર કરવાની રણનીતિ બનાવી હતી. આ વખતે આવા ટ્રેડ શો દ્વારા જ ૧૫૦૦૦ કરોડનાં ખઘઞ થયા હોવાનો દાવો કરાયો છે.સમિટ દરમિયાન ઓઇલ-ગેસ સેક્ટરમાં ૫૪૮, એગ્રો તથા ફૂડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં ૪૦૮, જ્યારે મિનરલ આધારીત ઉદ્યોગોના ૯૭૭ એમઓયુ થયા છે. આ તમામ કરારો એવા સંકેત આપે છે કે જો અમલ થાય તો રાજયમાં નવી ૨૧ લાખ જેટલી નોકરીની તકો ઉભી થશે.
એમએસએમઈ સેક્ટરનાં કરારોમાં નાના ઉદ્યોગોને મોટા પ્રોજેક્ટનાં પેટા કોન્ટ્રેકટ આપવા માટેનાં ઘણા એમઓયુ છે. ખાસ કરીને ચીનની ટીસીગશાન ગ્રુપની કંપની ધોલેરા એસઆઈઆર ખાતે ૨૧૦૦૦ કરોડના ખર્ચે સ્ટીલ પ્લાન્ટ નાખવા તૈયાર થઇ છે. આ ઉપરાંત એસ્સાર ગ્રુપે ૭૪૮૫ કરોડ રુપિયાના રોકાણ સાથે હજીરામાં પોર્ટ આધારિત સ્માર્ટ સીટી અને એલએનજી ટર્મીનલ સ્થાપવાની જાહેરાત કરી છે.આ ઉપરાંત અદાણી જુથે પણ મુંદ્રામાં કોરી ક્રીક ખાતે જેટ્ટી અને રો-રો ફેરી સર્વિસ તૈયાર કરવાની જાહેરાત કરી છે.
આંકડા બોલે છે કે કુલ જો પાંચેક લાખ કરોડના એમઓયુ થયા હોય તો તેમાંથી અંબાણી, અદાણી, એસ્સાર, ટાટા તથા બિરલાનાં જ ચારેક લાખ કરોડ થાય છે. જે વિરોધીઓને બોલવાનો મોકો આપશે કે તો બાકીનાં દેશોનાં રોકાણકારો અને પ્રતિનિધી મંડળો ખાલી ફરવા માટે જ આવ્યા હતા.?