રાજકોટ જિલ્લામાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વંદે ગુજરાત વિકાસ રથ યાત્રાનો શુભારંભ: જિલ્લામાં 125 લાખના ખર્ચે 15માં નાણાપંચ સ્વભંડોળ હસ્તકના 40 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને 95 લાખના 36 વિકાસ કામોનું લોકાર્પણ
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી છેલ્લાં 20 વર્ષના વિકાસની ગાથાને રજૂ કરતાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જે અન્વયે રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને ફ્લેગઓફ આપીને વિકાસ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે નાની બાળાઓ દ્વારા “વંદે ગુજરાત વિકાસ રથ”ને કુમકુમ તિલક કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસની ગાથા વર્ણવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ લીધેલા ક્રાંતિકારી નિર્ણયોને કારણે ગુજરાત સિદ્ધિઓના શિખરે પહોંચ્યું છે. એક સમયે ટેન્કર રાજ હતું પરંતુ આજે નલ સે જલ યોજનાના કારણે પીવાનું પાણી ઘરના દ્વારે પહોંચ્યું છે.જળ સંગ્રહ ક્ષેત્રે કરેલી અદભુત પ્રગતિ અંગે માહિતી આપતાં મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીની ઉમદા નિર્ણય શક્તિને કારણે આજે સૌની યોજનાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચ્યું છે. પહેલાં ગણ્યા ગાંઠ્યા ચેકડેમો હતા જ્યારે આજે 1 લાખથી વધુ ચેકડેમો છે.
20 વર્ષના વિશ્વાસ સાથે શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ સહિતના દરેક ક્ષેત્રે જનતાનો સર્વાંગી વિકાસ સાધ્યો છે.જનતાની સુખાકારી માટે આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહત્વની સાબિત થશે. નાગરિકોને 20 વર્ષમાં કરેલા વિકાસ કામોની જાણકારી આપવામાં આવશે સાથે ઘર આંગણે વિવિધ યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમ મંત્રીએ રાધવજીભાઇએ જણાવ્યું હતું.
આ તકે કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમજ ઔષધિય છોડ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા પ્રાસંગીક પ્રવચન અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. વધુમાં બેડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નર ધીમંત કુમાર વ્યાસ, નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એન.આર. ધાધલ, અગ્રણી મનીષભાઈ ચાંગેલા, એ.પી.એમ.સી.નાં વાઇસ ચેરમેન વસંતભાઇ ગઢીયા, નિયામક સહિતના મહાનુભાવો, આમંત્રીતો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.