સ્વાઇન ફ્લૂના કેસોમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, કુલ ૫૪૩૪ કેસો નોંધાયા
– ૨૪ કલાકમાં રાજ્યમાં સ્વાઇન ફલૂના ૧૭૨ કેસો નોંધાયા
– સ્વાઇન ફ્લૂથી વધુ સાતનાં મોત, મૃત્યુઆંક ૩૫૯, રાજ્ય આરોગ્ય વિભાગ મૃત્યુઆંક ઓછો દેખાડે છે
ગુજરાતમાં સ્વાઇન ફલૂ બે મહિના બાદ પણ કાબૂ બહાર છે. દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે છતાય રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છેકે,ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં ઘટાડો થયો છે. હકીકતમાં ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ ૫૪૩૪ કેસો નોંધાયા છે.
સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો સાથે અત્યાર સુધી મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે હતુ પણ જે રીતે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વકર્યો છે. રોજના અંદાજે ૧૦૦થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે પરિણામે અત્યાર સુધીમાં કુલ ૫૪૩૪ કેસો નોંધાયા છે. આમ, ગુજરાત સ્વાઇન ફ્લૂના કેસોમાં હવે પ્રથમ ક્રમે રહ્યુ છે. આમ, ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કાબૂમાં છે તેવા સરકારના દાવાનો પરપોટો ફુટયો છે. મહારાષ્ટ્રમાં ૪૬૨૭,ગોવામાં ૩૦૨૯ ,કર્ણાટકમાં ૨૯૫૬ અને કેરાલામાં ૧૩૭૪ કેસો નોંધાયા છે.
આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂને કારણે સાત દર્દીઓના મોત નિપજ્યા છે. અમદાવાદમાં બે દર્દીઓના મરણ થયાં હતાં. સાબરકાંઠામાં બે, તલોદમાં બે અને મહેસાણામાં ૨ વર્ષની બાળકીનુ સ્વાઇન ફ્લૂને કારણ મૃત્યુ થયું હતું. અમદાવાદમાં ૪૨ નવા કેસો નોંધાયા હતાં જયારે ગુજરાતભરમાં એક દિવસમાં વધુ ૧૭૨ કેસો નોંધાયા હતાં. રાજ્ય આરોગ્ય વિભાગ સ્વાઇન ફ્લૂ કાબૂમાં છે તેવો દેખાડો કરવા મૃત્યુઆંક ઓછો જાહેર કરી રહી છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક વધીને ૩૫૯ થયો છે. આમ, રાજ્યમાં મેળા,સરકારી કાર્યક્રમો યોજીને સરકાર ખુદ જ ભીડ એકત્ર કરી રહી છે છતાંયે સ્વાઇન ફ્લૂના કેસો ઘટી રહ્યાં છે તેવુ રટણ રટી રહી છે.