માનવીની સલામતીની ખેવના રાખી રસી ઉતાવળે બનાવી પણ પશુઓની ચિંતા કરવામાં ક્યાક થાય છે ચૂક
કોરોનામાં સંપડાયેલ માનવીઓ માટે તાબડતોડ રસી બનાવવામાં આવી હવે સમગ્ર વિશ્ર્વમાં લમ્પીનો ખતરો પશુઓ ઉપર ઉભો થયો છે ત્યારે રસી માટે જોઇએ તેટલી તકેદારી રાખવામાં આવતી નથી અને પશુઓ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે.
માણસને કોરોના વાઇરસે હેરાન કર્યા ત્યારે આખું વિશ્વ સફાળું બેઠું થયું હતું. લોકડાઉનના અભૂતપર્વ નિર્ણય હેઠળ આઠ અબજ માણસોને ઘેર બેસાડી દેવામાં આવ્યા હતા. પછી અકલ્પનીય ગતિએ વેક્સિન એટલે રસી વિકસાવવામાં આવી. એટલી જ ત્વરાથી એનું જંગી ઉત્પાદન થવા માંડ્યું.
જે વૈશ્વિક રોગચાળો કદાચ દસેક વરસની કસોટી લાવ્યો હતો એનું નિવારણ લગભગ બે વરસમાં એટલું તો કરી જ દેવામાં આવ્યું કે વિશ્વ ફરી દોડતું થઈ ગયું. માણસ માટે આટલી કાળજી લેનારા મતલબી માણસોને એક પ્રશ્ન: આવી દરકાર પશુઓની કેમ નથી કરાતી? આ પ્રશ્ન એટલે કે આજે દેશમાં અને બીજા અનેક દેશોમાં પણ લમ્પી વાઇરસે અભૂતપૂર્વ કટોકટી સર્જી છે. આ વાઇરસ માણસોને ભારે નથી પડી રહ્યો એટલે એના પ્રત્યે ઉદાસીનતા દર્શાવાઈ રહી છે. દેશનું પશુધન ટપોટપ મૃત્યુમુખે ધકેલાઈ રહ્યું છે પણ નીંભર માણસ, આળસુ સરકાર અને બેદરકાર અધિકારીઓના પેટનું જાણે પાણી હલી રહ્યું નથી.
આ કેવી રીતે ચલાવી લેવાય? માત્ર બે રાજ્ય, ગુજરાત અને રાજસ્થાનમાં આ વાઇરસે ફેલાવેલા ભયંકર રોગચાળામાં, હજારો પશુઓ ઓલરેડી મૃત્યુ પામી ચૂક્યાં છે. આ આંકડો થોડા દિવસ પૂર્વેનો છે. પછીના આંકડા આવવાના બાકી છે. પોતાની દુનિયામાં રાચતા માણસો કદાચ જાણતા જ નથી કે લમ્પી વાઇરસ છે શું. એમના માટે અમુક વિગતો જણાવવી યથાસ્થાને રહેશે. લમ્પી વાઇરસનો રોગ પશુની ત્વચા પર વાર કરે છે. કેપ્રિપોક્સવાઇરસ તરીકે ઓળખાતા આ વાઇરસનું આક્રમણ નિશ્ચિત જીવાણુ, માખીઓ, દૂષિત પાણી તથા ખોરાકથી થાય છે. જીવાણુ પશુનું રક્ત ચૂસી લે છે. પશુની ત્વચા પર થતા આક્રમણને લીધે બીમારી લમ્પી સ્કિન ડિસીઝ કે એલએસડી તરીકે ઓળખાય છે. સમાન લક્ષણવાળાં પશુઓ, છોડો વગેરેનો એક વર્ગ જિનસ કહેવાય છે.
એ વર્ગમાંથી આવતા આ વાઇરસે હાલમાં હાહાકાર મચાવ્યો છે. પશુને આ બીમારી વળગે ત્યારે જણાતાં લક્ષણોની વાત કરીએ. બીમાર પશુમાં સખત તાવ, આંખ અને નાકમાંથી વધુ પડતું પાણી અને ચીકણો પદાર્થ ઝરવો, રાળ ઝરવી, આખા શરીર પર ચાઠાં થવાં, વજન ઘટી જવું, દૂઝણા પશુની દૈનિક દૂધની માત્રા ઓછી થવી અને ખોરાક ખાવામાં તકલીફ થવી, વગેરે લક્ષણો સામાન્યપણે જોવા મળે છે. પાછલા દાયકાની વાત કરીએ તો મિડલ ઇસ્ટ, અમુક યુરોપિયન અને એશિયન દેશોમાં લમ્પીએ માથું ઊંચક્યું હતું. હાલમાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને બાંગલાદેશ અને આસપાસા ઘણા દેશોમાં લમ્પી પશુઓના જીવ લઈ રહ્યું છે.
2020 સુધીમાં આ બીમારીએ ભારત સહિત સાતેક દેશોમાં ઉપાડો લેવાની શરૂઆત કરી દીધી હતી છતાં, આશ્ચર્ય એ કે એની દરકાર કરવામાં આવી નહીં. હવે બીમારી તાઇવાન, ચીન, નેપાળ, ભુતાન, વિએતનામ, હોંગ કોંગ અને અન્ય દેશોમાં પશુઓ માટે જીવલેણ બની છે. એકંદરે વાત કરીએ તો દક્ષિણ અને દક્ષિણપૂર્વીય એશિયાના 23 દેશોમાં લમ્પી પ્રસરી ચૂક્યો છે. વિચાર એ પણ કરવા જેવો છે કે શાને લીધે આ બીમારી આટલી ઝડપભેર આખા દેશમાં ફેલાઈને પશુઓ માટે મરણતોલ ફટકો બની.
એક અંદાજ મુજબ એ આપણા દેશ સુધી પાકિસ્તાનની વાટે પહોંચ્યો છે. બીજો અંદાજ છે કે ભારત અને બાંગલાદેશ તથા નેપાળ વચ્ચે થતો પશુવહેવાર એમાં નિમિત્ત બન્યો હોઈ શકે છે. સત્તાવાર રીતે ઓછો અને ગેરકાયદે ધોરણે વધુ એવો પશુવહેવાર ભારત અને આ દેશો વચ્ચે પ્રવર્તે છે.
એક દેશનાં પશુ બીજા દેશમાં પહોંચે એ સાથે બીમારી પ્રવાસ કરે છે. બીજું કારણ છે દેશમાં તેજ ગતિએ વધી રહેલી રખડતાં પશુઓની સંખ્યા. સત્તાવાર પશુ જનસંખ્યામાં સ્પષ્ટ થયું છે કે દેશનાં 20 રાજ્યોમાં રખડતાં પશુઓની સંખ્યા છેલ્લા દાયકામાં ખાસ્સી વધી છે. માનવીએ પશુ પડતાં મૂકીને સાધનો અને ટેક્નોલોજી અપનાવ્યાં એટલે એને પશુઓની પરવા રહી નથી. જે બળદ ક્યારેક ખેતરોમાં જોતરાવાને લીધે, કે પછી માનવ અને ચીજોના વહન માટે વાહનોમાં લાગતાં હતાં.