ભાજપે થીમ સોન્ગ લોન્ચ કરી ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. તેવામાં ભાજપના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાઈ ગયા બાદ હવે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારના અભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે. આ સંદર્ભે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો લોગો તથા થીમ સોન્ગનું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે લોન્ચિંગ કર્યું હતું. આ વખતે ભાજપે ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ સુત્ર આપ્યું છે.
ભાજપના ચૂંટણી પ્રચારનું થીમ સોન્ગ અને લોગો લોન્ચ પ્રસંગે સીઆર પાટીલે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા સતત ભાજપની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી યોજનાઓનો વિરોધ થતો આવ્યો છે. કોંગ્રેસે દેશના રાજ્યોમાં તેમજ ખાસ કરીને ગુજરાતમાં ખુબ મોટાં વિરોધ પેદાં કરીને ગુજરાતના વિકાસની યાત્રા અટકાવવાની કોશિશ કરી હતી. પરંતુ ભાજપ મક્કમ રહ્યું હતું.
આ ઉપરાંત પાટીલે કહ્યું કે, શ્રી રામ મંદિરના નિર્માણને અટકાવવાનું, નર્મદા યોજના અટકાવવાનું, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રિવરફ્રન્ટ, કાંકરિયા લેક ફ્રન્ટ, એસવીપી હોસ્પિટલ, બીઆરટીએસ, સુજલામ સુફલામ યોજનાના, ત્રિપલ તલાક, કોરોના કાળમાં સરકારની કામગીરીનાં વિરોધનું પાપ કોંગ્રેસે કર્યું હતું. પણ ભાજપ મક્કમ રહી હતી. મોદી વિરોધમાં કોંગ્રેસનું નેતૃત્વ આંધળું થઈ ગયું છે. રાષ્ટ્ર સુરક્ષાનો વિરોધ કરીને દેશનાં જવાનો અને નાગિરકોનો વિરોધ કરે છે. આ વિરોધમાં પણ ભાજપ મક્કમ રહ્યું છે.
ભાજપના ચુંટણી પ્રચારનું થીમ સોન્ગ અને લોગોના લોન્ચીંગ પ્રસંગે વિકાસલક્ષી અને પ્રજાલક્ષી યોજનાઓ અંગે વિગતો આપવામાં આવી હતી. આ ઉપરાંત વિરોધપક્ષોની ઝાટકણી પણ કાઢવામાં આવી હતી.