- ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ 24 થી 26 ડિસેમ્બર સુધી કચ્છનો અભ્યાસ પ્રવાસ કરશે
- શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે
- ત્રણ દિવસ સુધી કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે
ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી તારીખ 24 થી તારીખ 26 ડિસેમ્બર 2024 દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે. તેમજ અંદાજ સમિતિના સભ્યોનો અભ્યાસ પ્રવાસ તારીખ 24 ડિસેમ્બર 2024ના દિવસે ગાંધીનગરથી શરૂ થશે. ત્યારબાદ ગાંધીનગરથી કચ્છના ધોળાવીરા વિશ્વ ધરોહર સ્થળ અને મ્યુઝીયમની મુલાકાત કરી કાળો ડુંગર -રોડ ટુ હેવન- જવા રવાના થશે, આ સાથોસાથ પ્રવાસના પ્રથમ દિવસે દતાત્રેય મંદિર, ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રાત્રિ રોકાણ કરશે.
અભ્યાસ પ્રવાસના બીજા દિવસે તારીખ 25 ડિસેમ્બર 2024ના રોજ અંદાજ સમિતિના સભ્યો સફેદ રણ જવા માટે રવાના થશે, ત્યાં જઈને સનરાઈઝ નિહાળશે, ત્યારબાદ પ્રવાસીઓના આશ્રય સ્થાનની મુલાકાત લઈને માતાના મઢ જવા રવાના થશે, તેમજ નારાયણ સરોવર અને કોટેશ્વરનો પ્રવાસ કરશે.
જ્યારે અભ્યાસ પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે તારીખ 26 ડિસેમ્બર 2024 ના રોજ અંદાજ સમિતિના સભ્યો ભૂજ જવા રવાના થશે, ત્યાં તેઓ સુરલભીટ હેડ વર્કસ સાઈટની મુલાકાત અને સ્મૃતિવનની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ અંજાર ખાતે આવેલ જેસલ-તોરલની સમાધિની મુલાકાત લેશે. તેમજ તારીખ 26 ડિસેમ્બરના દિવસે પ્રવાસ પૂર્ણ કરી ગાંધીનગર પરત રવાના થશે. તેમ ગુજરાત વિધાનસભા સચિવાલય ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.