- ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતે 7.3 બિલિયન ડોલરનું એફડીઆઇ પ્રાપ્ત કરી દિલ્હી, કર્ણાટકને પાછળ છોડ્યાં
- ગુજરાતે ગત વર્ષની સરખામણીએ 2.6 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત કર્યું, જે દેશમાં સૌથી વધુ
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં આ વર્ષે પ્રત્યક્ષ વિદેશી રોકાણ પ્રવાહમાં દેશમાં સૌથી વધારે ગ્રોથ જોવા મળ્યો છે.
ગત નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલા 4.7 બિલિયન એફડીઆઇ પ્રવાહની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે 55 ટકાના વધારા સાથે 2.6 બિલિયન વધુ એફડીઆઇ પ્રાપ્ત કર્યું છે. આમ, ગુજરાતે નાણાકીય વર્ષ 2024માં 7.3 બિલિયન નવું એફડીઆઇ પ્રાપ્ત કરીને, કર્ણાટક અને દિલ્હીને આ બાબતે પાછળ છોડી દીધા છે અને એફડીઆઇ પ્રવાહમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઘણા ઉદ્યોગ-અનુકૂળ નિર્ણયો અને નીતિઓનો અમલ કર્યો છે, જેનું પરિણામ એ છે કે ગુજરાતે સતત ત્રણ નાણાકીય વર્ષ (2022, 2023, 2024)માં અનુક્રમે 2.7, 4.7 અને 7.3 બિલિયનનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવીને ઉત્તરોતર વૃદ્ધિ નોંધાવી છે.
ગુજરાતને સતત પ્રાપ્ત થનાર એફડીઆઇના પ્રવાહ અંગે, ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુનિશ્ર્ચિત કરી રહ્યા છે કે રાજ્યમાં રોકાણ અને વ્યવસાય માટે અત્યાધુનિક ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીના વિશેષ પ્રયાસોને કારણે, ગુજરાતે સેમિક્ધડક્ટર જેવા મોટા ક્ષેત્રોમાં પણ મોટું રોકાણ પ્રાપ્ત કર્યું છે.”
એફડીઆઇ પ્રવાહમાં દેશના ટોચના 5 રાજ્ય
નાણાકીય વર્ષ 2024માં કુલ 15.1 બિલિયન ડોલરના એફડીઆઇના પ્રવાહ સાથે મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ ગુજરાત 7.3 બિલિયન સાથે બીજા ક્રમે છે. કર્ણાટક, દિલ્હી અને તેલંગાણા અનુક્રમે 6.6 બિલિયન, 6.5 બિલિયન અને 3 બિલિયનના એફડીઆઇના પ્રવાહ સાથે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે.
ગુજરાતમાં સતત એફડીઆઇ પ્રવાહની વૃધ્ધિના કારણો
ગુજરાતમાં એફડીઆઇના પ્રવાહમાં વૃદ્ધિના મુખ્ય કારણોમાં અત્યાધુનિક ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સમાવેશ થાય છે. ક્લસ્ટર-આધારિત ઔદ્યોગિક વસાહતો જેમ કે ગીફ્ટ સિટી, સાણંદ જીઆઇડીસી, ધોલેરા એસઆઇઆર (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન), અને માંડલ બેચરાજી એસઆઇઆર પણ એફડીઆઇના પ્રવાહમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કારણે જ નાણાકીય વર્ષ 2024માં ગુજરાતે સેમિક્ધડક્ટર સેક્ટર જેવા મોટા પ્રોજેક્ટ્સમાં પણ મોટાપાયે રોકાણ પ્રાપ્ત કર્યું છે.
તે સિવાય, છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ એનર્જી, સેમિક્ધડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ પોલિસી જેવી ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓના અસરકારક અમલીકરણના લીધે પણ એફડીઆઇનો પ્રવાહ વધ્યો છે. ઉદ્યોગોને નવા પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ આર્થિક પ્રોત્સાહનો, જમીનની ફાળવણીમાં સરળતા અને પારદર્શિતા અને ખર્ચ ઘટાડવાના પ્રયાસોએ પણ ગુજરાતમાં એફડીઆઇના પ્રવાહને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમે પણ રાજ્યમાં રોકાણ આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી આઝાદીના અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ સમિટ પણ ઘણી સફળ રહી છે.