મુડી રોકાણકારોને કોઈ તકલીફ ન પડે અને સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કલેકટરોને દર મહિને સમીક્ષા બેઠકના સરકારના નિર્દેશ
ભારતનો વેપાર-વ્યવહાર સદીઓથી વિશ્ર્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. દેશની વેપાર વ્યવસ્થાની આ ખ્યાતિના મુળમાં આજથી નહીં આદીકાળથી ગુજરાત કેન્દ્ર સ્થાને હતું. અત્યારે ભલે મુંબઈને દેશનું આર્થિક પાટનગર કેપીટલ ગણવામાં આવતું હોય પરંતુ ગુજરાત આર્થિક એન્જીન તરીકે આજે પણ દેશના વેપાર-વિકાસને આગળને આગળ લઈ જાય છે. ગુજરાતની હવામાં જ ધંધો છે. કોઈપણ કાળમાં કોઈપણ પરિસ્થિતિમાં ગુજરાત અને ગુજરાતી ધંધો કરી લે અને આ ધંધો પણ ‘વસુધેવ કુટુમ્બકમની ભાવનાથી, સર્વ જન હિતાય, સર્વ જન સુખાય’ના અભિગમથી કરવામાં આવે છે. ગુજરાત અને ગુજરાતી પૈસા કમાઈ છે. ક્યારેય લૂંટના નથી. દરેક યુગમાં ગુજરાતનો વેપાર સાહસ, અને નીતિ મતાની સાથે સાથે વિકાસનો પર્યાય બની રહ્યો છે. ગુજરાતનો વેપાર અને વેપારીઓ દુનિયાના તમામ ખુણા સુધી માત્ર પહોંચ્યા જ નથી પરંતુ નામ કમાવીને ગુજરાતને ‘ગ્લોબલ સ્ટેટ’ બનાવવામાં સફળ રહ્યાં છે.
રાજ્યમાં 75 પ્રોજેકટમાં 12 થી 18 મહિનામાં ઉત્પાદન શરૂ થઈ જશે અને
19000થી વધુ લોકોને મળશે રોજગારી
ગુજરાતની હવામાં જ ધંધો છે. વેપાર અને વેપારીઓના ઈતિહાસમાં નાનજી કાલીદાસ મહેતાથી લઈને કોર્પોરેટ જાયન્ટ ધીરૂભાઈ અંબાણી, રતન ટાટા અને ગુગલના સુંદર પિચાઈ સુધીની ફહેરીસ્તના મુળ ગુજરાતની ધરતી સાથે જ જોડાયા છે. અત્યારે કોરોનાના વાયરામાં સમગ્ર વિશ્ર્વની આર્થિક પ્રવૃતિ મંદ પડી અટકી પડી છે ત્યારે ગુજરાત સરકારના સાહસે તમામની આંખોમાં ચમક લાવી દીધી છે. કોરોનાના બીજા વાયરામાં અર્થતંત્રની નબળાઈ અને દેશમાં હજારો નાગરિકો કોરોનાના ખપ્પરમાં હોમાયા છે તેવા સંજોગોમાં દેશ માટે આર્થિક એન્જીન બની રહેલા ગુજરાતની રાજ્ય સરકારે એપ્રીલ મહિનામાં જ 7400 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરીની મહોર આપી દીધી છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના અભિગમ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા રાજ્યમાં 75 જેટલી રોકાણ દરખાસ્તોને મંજૂરીની મહોર આપી 12 થી 18 મહિનાના સમયગાળા દરમિયાન જ 19000થી વધુને રોજગારી અને 7400 કરોડ રૂપિયાના રોકાણ ગુજરાતને ખાતે કરી લીધા છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ, ખાણ વિભાગના ઈન્ચાર્જ મનોજ દાસે માહિતી આપી હતી કે, કોરોના કાળમાં એપ્રીલ મહિનામાં ઔદ્યોગીક જગતે એક આશાસ્પદ વિકાસનો પરચો આપ્યો હતો. ગુજરાત સરકારે કેટલીક ખ્યાતનામ કંપનીઓને દહેજ, હલોલ સહિતની જીઆઈડીસીમાં 75 જેટલી કંપનીઓને કુલ 642 હેકટર ઉદ્યોગીક હેતુ માટે જમીનની ફાળવણી કરી છે. તેમાં જીંદાલ સ્પેશ્યાલીટી કેમીકલ, મરીનો ઈન્ડસ્ટ્રીઝ, એવબોલ નોનવોમન્સ, ટ્રોયેકા, ફાર્માસ્યુટીકલ, કોરોમોડેલ ઈન્ટર નેશનલ, બીસીએમ શ્રીરામ, ભારત રસાયણ, આરતી કેમીકલ, ટ્રાન્સપેક સાયલોક્સ, સુમીટોમા કેમીકલ સહિતની કંપનીઓને નવા સાહસ માટે મંજૂરી આપી દીધી છે.
હેલ્થકેર અને કેમીકલને લઈ 75થી વધુ કંપનીઓને મંજૂરી
કોરોના કટોકટીમાં એક તરફ આર્થિક મંદીની બુમરેંગ બોલી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં એક જ એપ્રીલ મહિનામાં 7400 કરોડ રૂપિયાનું મુડી રોકાણ આવ્યું છે. જેમાંથી 6900 કરોડ રૂપિયાના રોકાણથી 19000 લોકોને સીધી જ રોજગારી મળશે. રાજ્ય સરકારે નવી કંપનીઓના સાહસોને પણ મંજૂરી આપી છે. જેમાં હાઈગ્રેડ સ્ટીલ 12ના ઉત્પાદન માટે કચ્છમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ થકી 1000 લોકોની રોજગારી ઉભી થશે. રાજ્યમાં આવા 42 પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી છે. દરેક કંપની 10 કરોડથી લઈને 50 કરોડ રૂપિયાના પ્રોજેકટ હાથ પર લેશે. આવી કંપનીઓ દ્વારા કુલ 945 કરોડ રૂપિયાનું સીધુ રોકાણ થશે. રાજ્યમાં 4366 કરોડ રૂપિયાના રોકાણ માટે અરજીઓ આવી છે. 50 કરોડથી વધુના રોકાણવાળી કંપનીઓના પ્રોજેકટોમાં 100 કરોડ વાળા 11 પ્રોજેકટોને દહેજ, હાલોલ, ભરૂચના સીખા જીઆઈડીસીમાં જમીનનું પણ સંપાદન કરી દેવામાં આવ્યું છે અને 12 થી 18 મહિનામાં ઉત્પાદન પણ શરૂ થઈ જશે.
ચાલુ મહિનાના અંત સુધીમાં વધુ 2 પ્રોજેકટના 9000 કરોડ રૂપિયાના એમઓયુ માટેની તૈયારી ચાલી રહી છે. સરકાર દ્વારા તમામ જિલ્લા કલેકટરોને રોકાણકારોને પડતી મુશ્કેલી અને મદદરૂપ થવા દર મહિને સમીક્ષા બેઠકોના નિર્દેશ આપ્યા છે. એક તરફ આર્થિક કટોકટીના ડાકલા વાગી રહ્યાં છે તો બીજી તરફ ગુજરાતમાં સેંકડો કરોડ રૂપિયાના રોકાણ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આ જ ગુજરાતની ખરી તાસીર છે.