સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વડાપ્રધાન મોદી કરતા પણ ૧૦ વર્ષ આગળ! ૨૦૧૩થી જીમનાસ્ટીકનાં પ્લેયરો માટેનાં ગાદલા, જમ્પીંગ પાટીયા, જુડો મેટ સહિતની સામગ્રીઓ ધુળ ખાય છે: યુનિવર્સિટીનો રમત-ગમતનો વિભાગ ધણીધોરી વગરનો
રાજય સરકાર દ્વારા ખેલે ગુજરાતનાં સુત્ર હેઠળ રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં રમતવીરો તૈયાર કરવા માટે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે જોકે સમયાંતરે રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સ્પોર્ટસ કોમ્પ્લેકસનાં વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે ત્યારે વર્ષ ૨૦૧૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂપિયા દોઢ કરોડનાં ખર્ચે જીમનાસ્ટીક માટેનાં ગાદલા, જમ્પ પાટીયા સહિતની સામગ્રીઓ ખરીદવામાં આવી હતી જોકે સૌરાષ્ટ્રમાં જીમનાસ્ટીકનાં કોઈપણ પ્લેયર ન હોય યુનિવર્સિટી વડાપ્રધાન મોદી કરતા પણ આગળ ચાલતી હોય તેમ ૨૦૨૩માં જીમનાસ્ટીકનાં ખેલાડીઓ આવવાનાં હોય તેમ અગાઉથી ૧૦ વર્ષ પૂર્વે જીમનાસ્ટીકનાં સાધનો ખરીદી લીધા છે.
મળતી માહિતી મુજબ રાજય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે-તે સમયે બેડમીન્ટન સહિતનાં ગ્રાઉન્ડ બનાવવા માટે રૂા.૩ કરોડની ગ્રાન્ટ આપી હતી જોકે આ ઈન્ડોર સ્ટેડિયમની જાળવણી રાખવા અને સાધનોનો પુરતો ઉપયોગ થાય તે માટે યુનિવર્સિટીનાં રમત-ગમત વિભાગ ધણીધોરી વગરનો હોય તેવું સાબિત થઈ રહ્યું છે. ઈન્ડોર સ્ટેડિયમમાં જીમનાસ્ટીકનાં સાધનો વર્ષોથી સડી રહ્યા છે જેમાં રૂા.૧.૫૦ લાખનું ટ્રેડનું બિલ, ૪૦ થી ૫૦ જેટલી રૂા.૩ લાખની કિંમતની જીમનાસ્ટીક મેટ, ૭૦ થી વધુ દોઢ કરોડનાં જમ્પીંગ પાટીયા, ૬ લાખનાં ખર્ચની જુડો મેટ, રૂા.૨ લાખની કિંમતનાં ડબલ બાર સહિતનાં સાધનો વર્ષોથી ધુળ ખાઈ રહ્યા છે. આ ઉપરાંત બેડમીન્ટનનાં સીન્થેટીક કોટમાં પણ ગાબડા પડી ગયા છે આ માટે તાજેતરમાં રૂા.૫૫ લાખની યુનિવર્સિટીને ગ્રાન્ટ મળી છે જોકે હજુ સુધી આ ગ્રાન્ટનો કોઈ યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો નથી.
આ ઉપરાંત જીમનાસ્ટીકનાં તમામ સાધનો ઈન્ડોર સ્ટેડિયમમાં વર્ષોથી ધુળ ખાતા હોય જેથી આ તમામ સાધનો સડી ગયા છે જેનો સદઉપયોગ થાય તેમ પણ લાગતું નથી અને જયાં જીમનાસ્ટીકનાં સાધનો રાખવામાં આવ્યા છે ત્યાં બાવા બાજી ગયા છે અને સાધનો બાવાનાં લીધે સડી રહ્યા છે. કરોડોનો ખર્ચ કરી યુનિવર્સિટીમાં કરોડોનાં ખર્ચે બનેલા વિવિધ ગ્રાઉન્ડો જે જીમનાસ્ટીકનાં સાધનોની જેમ જ ધુળ ખાઈ રહ્યા છે તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઉપરાંત યુનિવર્સિટીનાં એથ્લેટીકસ, ફુટબોલ, હોકી, બાસ્કેટ બોલ, સ્વીમીંગપુલ સહિતની રમતો માટે મોટી ગ્રાન્ટ મળે છે છતાં છેલ્લા પાંચ થી છ વર્ષ દરમિયાન એક પણ કોચ નિમાયા નથી અને હાલ તાત્કાલિકપણે કોચની નિમણુક થાય તેમજ જે જીમનાસ્ટીકનાં સાધનો છે તેનો ઉપયોગ શરૂ થાય અને જીમનાસ્ટીક રમતને પ્રોત્સાહન મળે તે માટે યુનિવર્સિટી પહેલ કરે તેવી લોક માંગ ઉઠી છે.