સરકારના પ્રયાસો, લોકોની જાગૃતતા અને આંશિક લોકડાઉનથી કોરોનાની તીવ્રતા ઘટી
દેશમાં કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે કોરોનાને નાથવા સરકાર, તંત્ર ડોકટર્સ, મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ સહિત સૌ કોઈ પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં સરકાર દ્વારા રાજયમાં કોરોનાની ચેઈન તોડવા કડક નિયમો લાદવામાં આવ્યા છે. તથા ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા અનેક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાને હરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોનાની બીજી લહેર અતિ ગંભીર હોવાથી હવે લોકો જાગૃત થઈ ગયા છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડ લાઈન નિયમોનું લોકો પાલન કરતા થયા છે. માસ્ક પહેરવું સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું, સેનેટાઈઝ કરવું વગેરેનું સ્વૈચ્છિક રીતે પાલન કરી રહ્યા છે. ત્યારે અબતક દ્વારા ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યુ મુહિમ શરૂ કરવામાં આવી છે. જેનો સમાજ શ્રેષ્ઠીઓ સંસ્થાઓ આગેવાનો આ મુહીમ આગળ ધપાવવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે.
કોરોનાના દર્દીની સાથે સાથે કુટુંબોને પણ ટીફીન સેવા પુરૂ પાડતું જૈન ભુવન
શશીકાંતભાઈએ જણાવ્યું હતું કે… જૈન ભુવન ખાતે 1984થી ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં અમે ફક્ત 1 રૂપિયાના દરે જરૂરિયાત મંદ લોકોને જમવાનું પહોંચાડીએ છીએ. જેમાં 248 લોકો ટિકિન સેવાનો લાભ લઇ રહ્યા છે. કોઈ પણ જૈન વ્યક્તિ અહીં આવે તો તેને ટિફિનની ના પાડતા નથી. 70 જેટલા શારીરિક કે માનસિક રીતે ડિસેબલ છે. તેમને ઘરે ટિફિન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરોના દર્દી હોય તો તમને પણ ટિફિન પહોંચાડવામાં આવે છે. દાતાઓનો પણ ખુબ સહયોગ અમને મળે છે. કોરોના કાળમાં અને લોકડાઉન જેવી સ્થિતિમાં પણ અમારી આ સેવા ચાલુ હતી. અને રહેશે. લોકડાઉનમાં પણ સરકારી તંત્ર અને અધિકારીઓનો પણ અમને પૂરતો સહયોગ મળ્યો છે. અમને કે અમારા સ્ટાફને ક્યારે પણ ખોટી રિતે હેરાન કરવામાં આવ્યા નથી. હાલ કોરોનાની કપરી સ્થિતીમાં અમારો અડધો સ્ટાફ છે છતાં પૂરે પુરા ટિફિન સુચારુ રીતે પહોંચાડવાની કામગીરી ચાલેજ છે. રસોડામાં રસોઈ બનાવવા માટે 6 બહેનો આવતી હતી જે અત્યારે ફક્ત 1 જ બહેન આવે છે જે રસોઈ બનાવે છે. અને અન્ય કામ માટે 7 જેટલા લોકો આવતા હતા તમાંથી પણ હાલ 3 જેટલા લોકો જ આવે છે. કોરોનાના કપરા કાળમાં લોકોને સંદેશો આપીશ કે સરકારની ગાઈડ લાઈનનું પાલન કરે. અને દવા હોય કે જીવન જરૂરીનો કોઈ વસ્તુ તેનો ખોટો સંગ્રહ ન કરે જેટલી જરૂર હોય તેટલીજ રાખે.
ગુજરાતની ખમીરવંતી પ્રજા ધારે એટલે કોરોના મહામારી પર
સંપૂર્ણ વિજય મેળવી લેવા સક્ષમ: ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ
ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ સંજભાઈ હીરાણીએ કહ્યું હતું કે, આ સમયમાં જે રીતે મહામારી ફાટી નીકળ્યો છે તેવા સમયે સૌએ એક થઈને યથાયોગ્ય એકબીજાને મદદ કરીને જ આગળ વધવાનું છે. ગુજરાતનો ઇતિહાસ છે કે, જયારે જયારે ગુજરાતની ખમીરવંતી પ્રજાએ મન મક્કમ કરી એક થઈને કોઈ નિર્ણય કર્યો છે, ત્યારે આપણે સફળ થયા છીએ. હાલ ગુજરાતની પ્રજાએ નીર્ધાર કરી લીધો છે કે, હવે કોઈ પણ સંજોગોમાં બિનજરૂરી આપણે ઘરની બહાર તો નહીં જ નીકળીએ ત્યારે જોઈ શકાય છે કે, છેલ્લા એક સપ્તાહથી સંક્રમણ ઘટ્યું છે, રિકવરી રેટ વધ્યો છે અને મને ખાતરી છે કે, ટૂંક સમયમાં આપણે આ મહામારી પર સંપૂર્ણપણે વિજય મેળવી લઈશું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ સમયગાળામાં સેવાભાવી સંસ્થાઓ ડગલે ને પગલે તંત્ર સાથે ઉભી રહી છે. કોઈ પણ પ્રકારની સેવા માટે સંસ્થાઓએ પાછીપાની નથી કરી અને તે જ આપણી ખાસિયત છે કે, આપતિના સમયે સૌ એક તાંતણે બંધાઈને કાર્યરત થયાં છીએ ત્યારે મને ચોક્કસ એવું લાગે છે કે, ગુજરાતની ખમીરવંતી પ્રજા જાગી છે તો કોરોના ભાગશે જ. ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટ ખાતે તબીબ તરીકે ફરજ બજાવતા
ડો. હર્ષા મૂંગરાએ કહ્યું હતું કે, હાલ અમારા ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાઓ અપાઈ રહી છે. એમ્બ્યુલન્સથી માંડીને લોકોને જેવી જરૂરિયાત હોય તે બધી સેવા પૂરી પાડી છે. હું અહી તબીબ તરીકે ફરજ બજાવું છું ત્યારે છેલ્લા એક સપ્તાહમાં અમારી ઓપીડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ટૂંક સમયમાં આપણે આ મહામારી પર વિજય મેળવીશું તેવી મને ખાતરી છે.
પ્રાણવાયુના અભાવે દર્દીના મોતથી ઓક્સિજન સેવાનો વિચાર આવ્યો: શ્રીજી સમાજ સેવા ગ્રુપ
કોરોનાની મહામારીએ કહેર વરસાવ્યો છે અને ઘર દીઠ બધા લોકોને કોરોના ભરખી ગયો છે ત્યારે શ્રીજી સમાજ સેવા ગ્રુપના અશ્વિનભાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલાજ કોરોના અમારા ગ્રુપના એક ભાઈના પત્નીને થયો હતો અને તેમને ઓક્સિજનની તકલીફ વધી ગઈ હતી ને કોઈ પણ જગ્યાએ તેની ઉપલબ્ધી ન હતી જેથી પ્રાણવાયુના અભાવે તેમનું મોત નીપજ્યું હતું જેથી બીજાને ઓક્સિજનના અભાવે મોતનેના ભેટવું પડે તે માટે અમે લોકોએ શ્રીજી સમાજ સેવા ગ્રુપ શરુ કર્યું જેમાં અલંગથી ઓક્સિજનના બાટલા ભરીને અહીં લોકોને માત્ર રિફિલિંગ ચાર્જ લઈને લોકોને તુરંત જ બાટલો રીફીલ કરી આપીએ છીએ.અમારા ગ્રુપને શરૂ કર્યું તેને 10 દિવસ થયા છે અને અમે 80 જેવા લોકોને મદદ પહોંચાડી છે અને વધુ થશે તેટલી મદદ પહોચાડીશુ અને 2 દિવસથી કેસોમાં ઘટાડો હોવાથી લોકો ઓછા આવી રહ્યા છે અને તે જોઈ મન પ્રફુલ્લિત થઇ છે કે સ્થિતિ સુધરી છે ને થોડા દિવસોમાં ગુજરાત માંથી કોરોના ભાગી જશે અને સાથે મળી કહેશુ “ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું”
સેવાભાવી સંસ્થાઓએ તંત્ર સાથે ખંભેથી ખંભો મિલાવી લોકોને મદદ કરી: આશીર્વાદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ
આશીર્વાદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ વિઠલાણીએ કહ્યું હતું કે, જે રીતે અગાઉના દિવસઓમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું હતું. તે સમયગાળા દરમિયાન તંત્ર લોકોની સેવા કરી રહ્યું હતું પરંતુ આવી મહામારીમાં તંત્ર એકલા હાથે પહોંચી શકે નહીં. તેવા સમયે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અનેકવિધ સેવાભાવી સંસ્થાઓ લોકોની વહારે આવી હતી. હોસ્પિટલમાં બેડ થી માંડી ઓક્સિજન સહિતની સહાયો સેવાભાવી સંસ્થાઓએ આ સમયગાળા દરમિયાન વિનામૂલ્યે આપી છે. હું જો આશીર્વાદ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની વાત કરું તો અમે સંક્રમણની પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ લોકોને એક-એક મહિનાની અનાજની કીટનું વિતરણ કરીએ છીએ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓના પરિજનોને એક અથવા બીજી રીતે મદદ રૂપ થવાની કોશિશ કરીએ છીએ. સાથોસાથ હાલ રાત્રી કર્ફ્યુ હોય તેના કારણે રાત્રિના સમયમાં વાહન મળતા નથી ત્યારે કોઈ પણ વ્યક્તિ અમને ફોન કરે તો અમે પોતે અમારી ગાડીઓમાં તેમને વિનામૂલ્યે હોસ્પિટલ સુધી પહોંચાડી દઇએ છીએ. તો ચોક્કસ કહી શકાય કે સેવાભાવી સંસ્થાઓએ તંત્ર સાથે ખભે-ખભા મિલાવીને કામ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે છેલ્લા અઠવાડિયા દિવસથી જે રીતે રિજવારી રેટ વધી છે અને સામે પોઝિટિવ રેટ ઘટ્યો છે તેના પરથી ચોક્કસ એવું લાગી રહ્યું છે કે, ’ગુજરાત જાગ્યું, કોરોના ભાગ્યું’.
કોરોનાનાં દર્દીઓને ઘરે ઘરે જઇ નાગરિક શરાફી મંડળીએ પ્રાણવાયુ પૂરો પાડ્યો
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામરીમાં સરકાર તમામ રીતે કામો કરે છે. અત્યારે સૌથી મોટી ડિમાન્ડ હોય તો એ ઓક્સિજનની છે. જેને પહોંચો વળવા અમારી સંસ્થા દ્વારા કોઈ પણ દર્દીને ડોકટરની સલાહ મુજબ કોઈપણ ચાર્જ વગર ઓક્સિજન સેવા આપવામાં આવે છે. ખાસ તો ઘરે સારવાર લેતા દર્દીઓને ઓક્સિજન બોટલ પહોંચાડીએ છીએ. સેવા શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં 126 દર્દીઓને ઓક્સિજન સેવા પૂરી પાડવામાં આવી છે. ઓક્સિજનની માગમાં વધારો થયો હોય તેવું અમને લાગી રહ્યું છે. જેને જોતા અમારા દ્વારા અમારા વાહનમાં શિહોરથી ઓક્સિજન રિફીલિંગ કરાવી છી લોકોને સંદેશ આપીશ કે આ કપરો કાળ પણ જતો રહેશે. આપડે ફક્ત સાવચેતી અને હિંમત રાખવાની જરૂર છે.