ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ મહિલા અધ્યક્ષ નિમાબેનને અભિનંદન પાઠવતા ધાનાણી
વિધાનસભાગૃહમાં શૈક્ષણિક વર્ષ-2021-22માં તમામ ખાનગી શાળા-કોલેજોની સંપૂર્ણ ફી માફ કરવા કોંગ્રેસની માંગ
કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂા.4 લાખનું વળતર આપવાના પ્રસ્તાવમાં સંમત ન થતાં કોંગ્રેસ લાલઘુમ
વિધાનસભા ગૃહમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ તેઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, અધ્યક્ષના માર્ગદર્શન તળે મહિલા અને બાળકલ્યાણ સમિતિની રચના કરવાની માંગણી સાથે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન મગફળીના ટેકાના ભાવો અંગેના પ્રશ્નની ચર્ચામાં પેટા પ્રશ્ન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાને ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું દેખાડયું હતું પરંતુ ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓના કારણે ખેડૂતોની આવક બમણી થવાના બદલે અડધી થઈ ગઈ છે. સરકારના નિષ્ફળ શાસનના કારણે રાજ્ય અને દેશમાં મોંઘવારી સતત વધીને ચાર ગણી થઈ જવા પામી છે. ત્યારે ખેડૂતને તેની ઉપજના પોષણક્ષમ ભાવો મળતા નથી અને ખેડૂતોનું દેવું દિન-પ્રતિદિન વધતું જાય છે.
ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપના સતત 25 વર્ષના શાસનમાં ગાંધી અને સરદારનું ગુજરાત આજે ડ્રગ માફીયા, વ્યાંકવાદીઓ અને મિલ્કત માફીયાની સીન્ડીકેટમાં ફસાઈ ગયું છે. આ સીન્ડીકેટને ગુજરાતના દરિયાકાંઠે સેઈફ લેન્ડીંગ સ્પેસ કોણ આપી રહ્યું છે ? તેવો સવાલ કરતાં જણાવ્યું હતું કે, ભારતના આઝાદીના ઈતિહાસમાં રૂ. 21 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ અદાણી પોર્ટમાં ભાજપ સરકારની મીઠી નજર તળે ઉતર્યું છે ત્યારે સરકારે શરમ કરવી જોઈએ.
કોરોના મહામારીમાં થયેલા 3 લાખથી વધુ મૃતકોને વિધાનસભા ગૃહમાં સામુહિક શ્રદ્ધાંજલિ આપવા અને કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને નિયમોનુસાર રૂ.4 લાખનું વળતર મળે તેવો પ્રસ્તાવ વિધાનસભા સમક્ષ કોંગ્રેસ પક્ષ દ્વારા મૂકવામાં આવ્યો હતો પરંતુ સંવેદનશીલતાનું માત્ર મહોરૂં પહેરનાર ભાજપ સરકાર આવા પ્રસ્તાવમાં સંમત થઈ ન હતી. પ્રજાહિતમાં મૂકાયેલ પ્રસ્તાવનો અસ્વીકાર થતા વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસ પક્ષે વોકઆઉટ કર્યો હતો.
વિધાનસભા ગૃહમાં સન 2001નું વિધેયક ક્રમાંક-21-સન 2001નું ગુજરાત ખાનગી યુનિવર્સિટી (દ્વિતીય સુધારા) વિધેયક રજૂ થયું હતું. વિધેયકની ચર્ચામાં ભાગ લેતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં એવી સ્થિતિ પેદા થઈ છે કે, સરકારે પોતે જ કરેલા નિર્ણયોને ફરી પાછા સુધારવા પડે છે. રાજ્યમાં શૈક્ષણિક વ્યવસ્થાનું ખાનગીકરણ થઈ રહ્યું છે.
રાજ્યમાં અગાઉ 15 જેટલી સરકારી યુનિવર્સિટીઓ હતી, જે ભાજપના રાજમાં 92 કરતાં વધુ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ મારફત ગુજરાતના ગરીબ-મધ્યમવર્ગીય પરિવારનું બાળક મોંઘી ફી ભરવા મજબુર બન્યું છે. શિક્ષણમાં વેપારીકરણનું રાજ ઉભું થયું છે.ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-રરમાં તમામ ખાનગી શાળા-કોલેજોની સંપૂર્ણ ફી માફ કરવા, ખાનગી શાળા-કોલેજોને પગાર વગેરે આનુષંગિક ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવા વિધાનસભા ગૃહમાં નિર્ણય કરવાની માંગણી પરેશભાઈ ધાનાણીએ કરી હતી.