રૂપાણી સરકારનું શ્રેષ્ઠ શાસન
સ્કોચ એવોર્ડ ૨૨ જેટલાં પરિમાણોને ધ્યાનમાં લઈ ને અપાય છે, ગુજરાતે તમામ રાજ્યોને પાછળ છોડ્યા
શ્રેષ્ઠ શાસન, સુશાસન, ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, ડિજિટલાઈઝેશન, આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલાં ક્રાંતિકારી પગલાંઓને લીધે ગુજરાત હવે ભારતનું પ્રથમ ક્રમનું સુશાસિત રાજ્ય બન્યું છે. “સ્કોચ રેન્કિંગ”માં ગુજરાતને પ્રથમ ક્રમાંક અપાયો છે. સ્કોચ રેન્કિંગ અત્યંત પ્રતિષ્ઠિત રેન્કિંગ એજન્સી છે. ૨૦૦૩થી કાર્યરત આ સંસ્થાના રેન્કિંગ આધારભૂત ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની મા અમૃતમ યોજનાની પ્રશંસા દેશભરમાં થઈ રહી છે, વિવિધ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવા બાબતે, સ્વચ્છતામાં અને શહેરોના વિકાસ બાબતે ગુજરાતે હરણફાળ ભરી છે. દેશ-દુનિયાનાં સૌથી ઝડપભેર વિકસતા શહેરોમાં ગુજરાતનાં એક કરતાં વધુ શહેરોની ગણના થાય છે.
હજુ થોડાં દિવસ પહેલાં જ સી.એમ. રૂપાણીએ રાજ્યના મહાનગરો અને નગરોનાં વિકાસ માટે મોટી રકમ ફાળવી છે. આવી બધી સકારાત્મક બાબતોને પગલે જ ગુજરાત દેશનું નંબર-વન રાજ્ય બન્યું છે. સ્કોચ એવોર્ડ ૨૨ મુદ્દાઓને ધ્યાને રાખી અપાય છે. રાજ્યના લોકોની સુખાકારી, આર્થિક તથા સામાજિક સ્થિતિ, ટેક્નોલોજીનો ઉપયોગ, પ્રજાનું સશક્તિકરણ, આરોગ્ય, સ્વચ્છતા, ઔદ્યોગિક વિકાસ, માળખાગત સુવિધાઓ જેવી અનેક બાબતોમાં રાજ્યે સાધેલી પ્રગતિને તેમાં ધ્યાને લેવાય છે. આ તમામ ક્ષેત્રોમાં રાજ્ય સરકારે કરેલી જોરદાર કામગીરીને વધુ એક વખત સમર્થન અને સ્વીકૃતિ મળ્યાં છે.