કમ્પ્યુટર, મોબાઈલ હેન્ડસેટ,ટેલિવિઝન સેટ, ફ્રીજ,એરકન્ડિશનર અને એવી અસંખ્ય ઇલેક્ટ્રૂોનિક્સ ચીજોનું વેચાણ વધી રહ્યું છે, એવી મતલબના સમાચારો આવતા રહેતા હોય છે. આ બધી ચીજોનું આયુષ્ય પૂરું થાય ત્યારે ભંગારમાં જતી ઇલેક્ટ્રોનિક ચીજો (ઈ-વેસ્ટ)નો નિકાલ કરવાની આપણે ત્યાં કોઈ નિયત પ્રણાલી નથી. પરિણામે ભારત જગત માટે ઇ-વેસ્ટ ઠાલવવાનું ગોડાઉન બની રહ્યું છે.સૌથી વધુ ઈ-વેસ્ટ કરતું હોય તેવા રાજ્યોમાં 8.8% સાથે ગુજરાત છઠ્ઠા અને તામિલનાડુ 13% સાથે ટોચના સ્થાને છે.
ધ એસોસિયેટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા (એસોચેમ) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અનુસાર 2016 સુધી સમગ્ર દેશમાં 2 મિલિયન મેટ્રિક ટન ઈ-વેસ્ટનું પ્રોડક્શન થયું હતું. જેની સરખામણીમાં વર્ષ 2020 સુધીમાં ઈ-વેસ્ટ પ્રોડક્શન 5.2 મિલિયન મેટ્રિક ટન થઇ શકે છે. સામાજિક-આર્થિક વિકાસ, ટેક્નોલોજીમાં થઇ રહેલી હરણફાળ જેવા પરિબળોથી ઈ-વેસ્ટમાં સતત વધારો થઇ રહ્યો છે. અનેક વિકસીત દેશો તેમના ઈ-વેસ્ટને પછાત દેશોમાં ઠાલવી રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં 2016ના વર્ષમાં ઈ-વેસ્ટનું પ્રમાણ 44.70 મિલિયન મેટ્રિક ટન હતું અને તે વર્ષ 2021 સુધીમાં 52.20 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઈ-વેસ્ટ દ્વારા લીડ, કેડમિમમ, ક્રોનિયમ, મર્ક્યુરી, પોલવિનિલ ક્લોરાઇડ્સ જેવા ઝેરી કેમિકલ્સ-ધાતુ બહાર આવે છે. જેનાથી શ્વાચ્છોશ્વાસ, કિડની અને હાડકામાં ખામી સર્જાઇ શકે છે.