રાજયમાં સૌથી વધુ દાણચોરી આ બંને વસ્તુની જ થાય છે
ગુજરાત એટલે સીગારેટ અને સોનાની દાણચોરીનું હબ જી હા, રાજયમાં સૌથી વધુ દાણચોરી આ બંને વસ્તુઓની જ થાય છે. વિદેશી સીગારેટ જેમ કે રોયલ ચેલેન્જર, ચેમ્બેસેદ, બેન્સન એન્ડ હેજીસ વિગેરેની જબરી ડીમાન્ડ છે.જે રીતે દેશમાં દાણચોરી અને નકલી વસ્તુઓનું માર્કેટ વધી રહ્યું છે તે જોતાં આગામી દિવસોમાં આ દૂષણ દેશના અર્થતંત્રને ભારે નુકસાન કરી શકે છે. જો આ દૂષણને અટકાવવામાં નહિ આવે તો તે રાષ્ટ્રીય હિત માટે ખતરા સમાન સાબિત થઇ શકે છે. નકલી પ્રોડક્ટ્સ અને દાણચોરી સામે લડત માટે ફિક્કી કાસ્કેડની જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. જેના અંતર્ગત અમદાવાદ ખાતે યોજાયેલા સેમિનારમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે મેન્યુફેક્ચરિંગના સાત જ એકમોમાં નકલી વસ્તુઓના માર્કેટને લઇને સરકારને વર્ષ ૨૦૧૪માં રૂપિયા ૩૯,૨૩૯ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સાત પ્રોડક્ટ પૈકી તમાકુના ગેરકાયદેસર વ્યાપારથી ૯,૧૩૯ કરોડ, મોબાઇલના ગેરકાયદેસર વ્યાપારથી ૬૭૦૫ કરોડ રૂપિયા અને આલ્કોહોલયુકત પીણાના ગેરકાયદેસર વ્યાપારથી ૬૩૦૯ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.નકલી પ્રોડક્ટસના ગેરકાયદેસર વ્યાપાર અને દાણચોરી માટે જવાબદાર કારણોમાં ઊંચા દર જવાબદાર હોવાનું બહાર આવી રહ્યું છે. બ્રાન્ડેડ વસ્તુઓના દર ખૂબ જ ઊંચા હોય છે. માટે જ તેની નકલ કે જે ખૂબ જ સસ્તા ભાવે મળતી હોવાથી બજારમાં તેની માગ ખૂબ જ વધી જતી હોય છે. સાથે સાથે દાણચોરીથી આવતી વસ્તુઓની માગ પણ વધી રહી છે. દાણચોરી અટકાવવા માટે સેન્ટ્રલ એજન્સીઓ પ્રયાસ કરી રહી છે. તેમ છતાં તેમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતના પોર્ટ પરથી દાણચોરીની સિગારેટ, સોનું, સોપારી અને અન્ય વસ્તુઓ રાજ્યના જે તે વેપારીને ત્યાં પહોંચી ગયા બાદ પણ સેન્ટ્રલ એજન્સીઓએ દરોડા પાડીને તે કબજે લીધી હતી. સેમિનારમાં સીઆઇડી ક્રાઇમના ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે તેમની ટીમે તાજેતરમાં જ નકલી માલ ઝડપી લેવાની કવાયત કરી પાંચ કોરોડનો નકલી માલ ઝડપી લીધો છે. જે કવાયત આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે અને આવા તત્વો સામે કડક પગલાં પણ લેવાશે. આઇપીએસ અધિકારી નરસિમ્હા કોમરે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. ઉછઈંના ડે. ડાયરેક્ટર અરવિંદ ચોરસીયાએ પણ દાણચોરીનું દૂષણ અટકાવવા માટે ઉછઈં કટીબદ્ધ હોવાનું જણાવ્યું હતું. રાજીવ વસ્તુપાલે જણાવ્યું હતું કે આ દૂષણ અટકાવવા માટે સમાજે જાગૃત થઇને બિલ લેવાનો આગ્રહ રાખવો જોઇએ. જ્યારે પી.સી. ઝાએ આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૌએ કટીબદ્ધ થવાની જરૂર હોવાનું કહ્યું હતું.