રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી રહી છે, નવા કેસ ઘટ્યા, રીક્વરી રેટ વધ્યો:
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
કોરોનાએ “કલર” બદલતા સમગ્ર વિશ્વ પર મોટું જોખમ ઉભું થઈ રહ્યું છે. ઘણા દેશો વાયરસની બીજી તો ઘણા દેશો ત્રીજી લહેરમાં સપડાયા છે. તેમાં પણ સૌથી વધુ યુવા વસ્તી ધરાવતા ભારતમાં બીજી લહેરએ ખાસ યુવાઓને ઝપેટમાં લઈ લેતા મોટુ જોખમ ઉભુ થયું છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેસ ખતરનાક ગતિએ વધતા મૃત્યુદર પણ વધ્યો છે. પરંતુ હવે ઘાતકી સાબિત થયેલી આ કોરોના વાયરસની બીજી લહેર નિયંત્રણમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સહિત અન્ય કેટલાક રાજ્યોમાં કેસ ઘટવા લાગ્યા છે એમાં પણ ગુજરાત અવલ્લ નંબરે છે. આ બાબતને મહત્ત્વની ગણાવી તાજેતરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પણ “વિજય” વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાત બીજી લહેરને ભગાડવામાં પ્રથમ રાજ્ય બનશે.
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ સારી, મહામારીમાંથી મુક્ત થવા
સરકાર શક્ય તમામ પગલાં લેવા કટિબદ્ધ: મુખ્યમંત્રી
કોરોનાના બીજા તબક્કા સામે ગુજરાતે “વિજય” મેળવી લીધો હોય તેમ મુખ્યમંત્રીએ જણાવતા કહ્યું કે આગામી ટૂંક સમયમાં વાયરસની ઘાતકી બીજી લહેરમાંથી ગુજરાત સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. અને આ ફતેહ મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હશે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યોમાં કેસ ઘટી રહ્યા છે તો સામે રિકવરી રેટ પણ વધ્યો છે. સીએમ વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવતા કહ્યું કે રાજ્યને કોરોના મુક્ત બનાવી મહામારીમાંથી ઉગારવા સરકાર શક્ય એટલા તમામ પગલાઓ ભરવા કટિબદ્ધ છે.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડોદરા જિલ્લામાં ચાર ઓક્સિજન પ્લાન્ટ્સને સમર્પિત કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે કોવિડ દર્દીઓનો દર ઘટી રહ્યો છે. અમે સતત પ્રયત્નશીલ છીએ કે રાજ્યમાં કોઈ પણ દર્દીને ઓક્સિજનની અછતને કારણે પોતાનો જીવ ગુમાવવો ન પડે. અમે હોસ્પિટલોમાં ઓક્સિજનનો અવિરત પુરવઠો પૂરો પાડીએ છીએ. આ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામે રાજ્યવ્યાપી ’મારુ ગમ, કોરોના મુક્ત ગમ’ અભિયાન અંતર્ગત સ્થાપિત કોવિડ કેર સેન્ટરોની મુલાકાત પણ લીધી હતી. જ્યાં તેમણે દર્દીઓના પરિજનો સાથે મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા અને કોરોનાથી ડરવાની નહિ પણ તેની સામે સાવચેતીથી લડવાની જરૂર છે તેમ જણાવી લોકોને હકારાત્મકતા તરફ પ્રેરયા હતા.
મારૂ ગામ, કોરોના મુક્ત ગામ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
સાણંદના ચેખલા ગામની મુલાકાતે: સ્થિતિની સમીક્ષા કરી
મારું ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાણંદ તાલુકાના ચેખલા ગામની મુલાકાત લીધી હતી. આ વેળાએ મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યું કે મારું ગામ કોરોના મુક્ત ગામનું આયોજન સાચી દિશામાં અને સાચી નિયત સાથે શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ મંત્રીઓ ધારાસભ્ય આ અભિયાનને સફળ બનાવવા માટે કામે લાગેલા છે. રાજ્યના 16 હજાર ગામોમાં આ અભિયાન ચાલી રહ્યું છે. તેમાં 50 લાખથી વધારે લોકોનું સર્વે કરવામાં આવ્યા છે. ગ્રામ્ય લેવલે દવાઓનો યોગ્ય જથ્થો તૈયાર કરીને પહોંચાડવામાં આવ્યો છે જેથી કોરોનાને આગળ વધતો અટકાવી શકાય. રાજ્ય સરકાર રોજના સરેરાશ 1 લાખ 40 હજાર ટેસ્ટ કરે છે. ગ્રામ્ય લેવલે પણ ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં ઓક્સીજનના અભાવે તકલીફ નથી. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, ગ્રામ ગૃહ વિકાસ કમિશનર વિજય નહેરા, ડીડીઓ અરુણ મહેશ બાબુ ચેખલા ગામે આવ્યા.
મુખ્યમંત્રીએ ચેખલા ગામના 20 બેડની ક્ષમતા ધરાવતા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી અને ચેખલા ગ્રામ પંચાયત તેમજ આરોગ્ય કર્મીઓ સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી.