ટચુકડા એવા કોરોના વાયરસે સમયાંતરે પોતાનો “કલર” બદલતા નવું નવું જોખમ ઊભું થઈ રહ્યું છે. વિશ્વમાં હાલ ઘણા દેશો બીજી તો ઘણા દેશો ત્રીજી લહેરમાં સપડાયા છે. ત્યારે હાલ ભારતની વાત કરીએ તો દેશમાં બીજી લહેર હવે અંત તરફ છે. ગુજરાત સહિતના ઘણાં રાજયોમાં કેસ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ હવે ગ્રાફ નીચે સરકી રહ્યો છે. એમાં પણ ગુજરાતમાં સૌથી વધુ કેસ ઘટાડો તો સામે વધુ રિકવરી રેટ નોંધાઈ રહ્યો છે. ગુજરાત હવે બીજી લહેરમાંથી બહાર નીકળી રહ્યુ છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કહ્યું હતું કે દેશમાં બીજી લહેરમાંથી ઉગરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. બીજી લહેરમાં પ્રાણવાયુ, પથારી, ઈન્જેકશન સહિતની સુવિધા સામે પડકારો ઉભા થતા જે મુશ્કેલ સ્થિતી ઉભી હતી તે હવે કેસ ઘટતા નિયંત્રણમાં આવી છે. પરંતુ હવે રાહત માની બેસી જવાની જરૂર નથી કારણ કે આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી રહ્યાનું મોટું સંકટ ઊભું થયું છે. બીજી લહેરમાં તો ઠીક જે સ્થિતિ ઊભી થઇ હતી તે હતી પરંતુ હવે ત્રીજી લહેરમાં ગુજરાત મજબૂતાઈભેર લડત આપી મહામારીમાંથી ઉગરે તે માટે રૂપાણી સરકાર યુદ્ધના ધોરણે તૈયારીઓમાં જૂટાઈ ગઈ છે. તંત્રને સજ્જ કરવાની કવાયત રૂપાણી સરકારે શરૂ કરી દીધી છે.
સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર માસમાં આવનારી કોરોનાની ત્રીજી લહેર સામે મજબુતાઈભેર લડત આપવા મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ત્રણ કલાક મંથન ચાલ્યું!!
ત્રીજી લહેરનો સામનો કરવા માટે એક્શન પ્લાન ઘડવાના ભાગરૂપે ગઇકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને કોવિડ ટાસ્ક ફોર્સ મિટીંગ મળી હતી. જેમાં 3 કલાક મંથન ચાલ્યું હતું. આ બેઠકમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ સાથે કોરોનાની સાથે વકરી રહેલી મ્યુકરમાયકોસિસની બીમારી અને તેની સારવાર તેમજ વ્યવસ્થા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને હજુ આગામી બેથી ત્રણ દિવસમાં વિસ્તૃત રણનીતિ પણ તૈયાર થઇ જશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો જોડાયા હતા. આ ઉપરાંત ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. રાજ્યના 9 જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડો. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડો. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડો. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ ક્ધસલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડો. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલોજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડો. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે. જેમની સાથે ટ્રીટમેન્ટ, પ્લાનિંગ અને મેડિસિનથી માંડીને અન્ય આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમયબદ્ધ પ્લાનિંગ માટે આ બેઠકમાં તજજ્ઞો સહિત સૌ સાથે પરામર્શ વિમર્શ કર્યો હતો.