સુશાસનના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત આજે રોજગાર દિવસ નિમિતે 50 હજાર યુવાનોને નિમણુંક પત્રો અપાયા
સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જોડીને અનેકવિધ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રોજગાર દિવસ અંતર્ગત યુવાઓને રોજગારી પૂરી પાડવાનો પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે. આજે ‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ તેમજ સાંસદ સી.આર.પાટીલના હસ્તે રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ કરાયો હતો.
‘રોજગાર દિવસ’ નિમિતે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે 50 હજાર યુવાઓને નિમણૂંક પત્રો પણ એનાયત કરાયા હતાં. આ દિને ‘અનુબંધમ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ કર્યો હતો.છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ 17,05,003 ઉમેદવારોને રોજગારી 5ૂરી પાડવામાં આવી જે પૈકી 5394 રોજગારી ભરતીમેળાના આયોજન થકી 10,45,924 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
દેશના રક્ષણ કાજે ગુજરાતના નવયુવાનો વધુ પ્રમાણમાં લશ્કરમાં ભરતી થાય અને ફરજની સાથે સાથે રોજગારી પણ મેળવી શકે તે માટે આ વિભાગ મારફત 30 દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ફેબ્રુઆરી-2020 માં પ્રસિદ્ધ થયેલા‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-2018’ મુજબ રોજગાર કચેરીઓ મારફતે 2017ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે.
મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-2020માં બહાર પાડવામાં આવેલા પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર 15 થી 29 વર્ષની વયમર્યાદામાં થયેલા સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો એટલે કે 8.4 છે. ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢના વર્ષ 2015-16ના રિપોર્ટ અનુસાર સમગ્ર ભારતનો બેરોજગારીનો દર 50 (દર હજાર વ્યકિતએ) અંદાજવામાં આવ્યો છે જ્યારે ગુજરાતનો બેરોજગારીનો દર 9 (દર હજાર વ્યકિતએ) અંદાજાયેલ છે. જે સમગ્ર દેશના રાજયોમાં સૌથી નીચો દર છે.