કોરોના કાબુમાં આવી જશે તો રાજય સરકાર દ્વારા ઓકટોબરમાં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ-2021 યોજવાની તૈયારી
વિશ્ર્વભરનાં રોકારકારોને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે આકર્ષિત કરવા માટે રાજય સરકાર દ્વારા દર બે વર્ષ વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ કોરોનાનું સંક્રમણ ચરમસીમા પર હોવાના કારણે જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ સમિટ મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન જો કોરોના કાબૂમાં આવી જશે તો આગામી ઓકટોબર માસમાં વાયબ્રન્ટ સમિટ યોજાઈ તેવી સંભાવના જણાય રહી છે.
ગુજરાતમાં માર્ચ માસના આરંભથી જ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. વિશ્ર્વભરના રોકાણકારોને ગુજરાતમાં મૂડી રોકાણ માટે આકર્ષિત કરવા માટે રાજય સરકાર દ્વારા દર બે વર્ષ વાયબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે. જેમાં અબજો રૂપીયાના મૂડી રોકાણ માટેના એમઓયુ થતા હોય છે. આ વર્ષ જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2021 યોજવાની હતી પરંતુ કોરોનાના સતત વધતા સંક્રમણ અને સ્થાનીક સ્વરાજયની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે રાજય સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ મૂલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન હવે સરકાર દ્વારા સંબંધિત વિભાગોને વાયબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ શરૂ કરી દેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. જો રાજયમાં કોરોના કાબૂમાં આવી જશે તો આગામી ઓકટોબર માસમાં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2021નું આયોજન કરવાની તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વાયબ્રન્ટ ઈન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કરવામાં આવી હતી. જેના પછી રાજયમાં દેશ-વિદેશમાંથી અબજો રૂપીયાનું મૂડી રોકાણ આવ્યું હતુ. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે સત્તારૂઢ થયા બાદ રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ત્યારબાદ વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ દર બે વર્ષ વાયબ્રન્ટ સમિટ યોજવાની પરંપરા જાળવી રાખી છે.