- ખેલ મહાકુંભમાં પરિપાકરૂપે વિશ્ર્વકક્ષાનાં ખેલાડીઓ મળ્યા છે: ગૃહમંત્રી હર્ષ સંઘવી
- ખેલ મહાકુંભમાં જોમ-જુસ્સા સાથે ખેલાડીઓ મેદાને: વિવિધ અંતરની સ્પર્ધા, ઉંચી કુદ ગોળાફેંક સહિતની સ્પર્ધાઓમાં ખેલાડીઓનું પ્રદર્શન
રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.ઘનો રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા મંત્રીઓ કુવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા અને રજકોટ શહેરના ધારાસભ્યશ્રીઓ અને મેયર તથા પદાધિકારીઓની ઉપસ્થિતીમાં પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આગામી અઠવાડીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શરૂ થનારા મહાકુંભ પહેલા ગુજરાતમાં શરૂ થઈ રહેલા આ ખેલ મહાકુંભ 3.ઘને રમત-ગમતનો મહાકુંભ ગણાવ્યો હતો.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિશ્વાસ અને ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું છે તેના પરિણામે 2024નું વર્ષ ભારત માટે રમત-ગમત ક્ષેત્રે અનેક ઉપલબદ્ધીઓનું વર્ષ બન્યું છે.
પેરિસના પેરાલિમ્પિક્સમાં આપણા ખેલાડીઓનું રેકર્ડ બ્રેક પ્રદર્શન, ચેસની વિશ્વ રમતમા ઐતિહાસીક જીત અને મહિલા શક્તિની ખેલ-કૂદમાં વધુને વધુ ભાગીદારીએ નવા કિર્તીમાન સ્થાપ્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, 2036ના ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતને સજ્જ કરવાનું મિશન હવે વડાપ્રધાનશ્રીએ ઉપાડ્યું છે અને ગુજરાત પણ તેમના દિશાદર્શનમાં આ ઓલિમ્પિકના રન અપના ભાગરૂપે 2025, 2026 તથા 2029 એમ ત્રણ વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે.
ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટસ કલ્ચર ખીલ્યું છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2010માં ‘ખેલે તે ખીલે’ના મંત્ર સાથે શરૂ કરાવેલા ખેલ મહાકુંભથી છેવાડાના વિસ્તારથી લઈને મહાનગર સુધીના ખેલ કૌશલ્યને બહાર આવવાનું અને નિખરવાનું પ્લેટફોર્મ મળ્યું છે.
તેમણે ખેલ મહાકુંભને ઉત્તરોત્તર મળી રહેલા વ્યાપક પ્રતિસાદની વિગતો આપતાં કહ્યું કે, 2010માં પ્રથમ ખેલ મહાકુંભમાં 16 લાખ ખેલાડીઓ હતા તે આ વર્ષે રેકર્ડ બ્રેક 71 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને કુલ 45 કરોડ રૂપિયાના ઈનામોથી રાજ્ય સરકાર પ્રોત્સાહિત કરવાની છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના આ અમૃતકાળને વડાપ્રધાનશ્રીએ કર્તવ્યકાળ કહ્યો છે તેમ જણાવતાં યુવાનોને રમત-ગમત વિશ્વમાં દેશનું અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક આ કર્તવ્યકાળમાં છે તેવું આહવાન કર્યુ હતું.
રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ત્યારથી રાજ્યમાં ખૂણે ખૂણે રમત ગમત ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે. ખેલ મહાકુંભે રાજ્યના ખૂણે ખુણાના બાળકો-યુવાનોને રમત સાથે જોડવાનું કામ કર્યું છે. ડાંગના આદિવાસી વિસ્તારોથી લઈને કચ્છના સરહદી ગામડામાં વસતા બાળકો-યુવાનોને ખેલ મહાકુંભ થકી મોટો મંચ મળ્યો છે. ખેલ મહાકુંભ થકી ગુજરાતને અનેક નેશનલ-ઈન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રમત ગમત ક્ષેત્રે બદલાવ માટે અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. ઈન સ્કૂલ યોજનામાં 230 શાળાઓમાં 1,21,520 બાળકોને સરકારી ખર્ચે સ્પોર્ટસની તાલીમ અપાઈ રહી છે. હાલમાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.) થકી રાજ્યમાં 5500 ખેલાડીઓને તાલીમ અપાઈ રહી છે. એક ખેલાડી પાછળ સરકાર રૂ. 1.68 લાખનો ખર્ચ કરે છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા હાલમાં 629 એથ્લિટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અપાઈ રહી છે અને એક એથ્લિટ પાછળ સરકાર રૂ. ત્રણ લાખનો ખર્ચ કરવામાં આવે છે. ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના હેઠળ 55 એથ્લિટસને રૂ. 1.88 કરોડના ઈનામ આપવામાં આવ્યા છે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ એસ.ટી. વિભાગીય કચેરી, ગોંડલ એસ.ટી. વર્કશોપનું ઈ-લોકાર્પણ કરવા સાથે આઠ નવી હાઈટેક વોલ્વો બસને ફ્લેગઓફ પણ કરાવી હતી.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, ખેલ મહાકુંભે રાજ્યમાં અનોખી રમત-ગમત સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે. આ સાથે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.
આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરીયા, જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર નયનાબહેન પેઢડિયા, સુરતના મેયર દક્ષેશ માવાણી, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી તેમજ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. કમલસિંહ ડોડીયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નીનામા, જી.એસ.આર.ટી.સી.ના એમ.ડી. અનુપમા આનંદ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, અગ્રણી ભરતભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહાકુંભમાં બાળકોનો ઉત્સાહ વધી રહ્યો છે : વિરેન્દ્રસિંહ જાડેજા
ખેલ મહાકુંભ 3.0 લો ઝોન કક્ષાએ રમતોત્સવ નો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા રમત ગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ નું આયોજન ગુજરાત સરકારના રમત ગમત વિભાગ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ ઓથોરિટી ઓફ ગાંધીનગર દ્વારા 2010 થી ખેલ મહાકુંભનો આયોજન થઈ રહ્યું છે. તારીખ 4 ના રોજ મુખ્યમંત્રી તેમજ સ્પોર્ટ્સ મિનિસ્ટર ના હસ્તે રાજકોટ મુકામે થી ખેલ મહાકુંભ 3.જ્ઞ ને ખુલ્લો મુકાયો હતો. આજરોજ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ખેલ મહાકુંભનો ઝોન કક્ષા તેમજ તાલુકા કક્ષાએ સ્પર્ધા નો પ્રારંભ થયો છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 થી 5 ની જુદી જુદી શાળાઓના બાળકો જોડાયા હતા જેમાં અલગ અલગ વય ના અંડર 9,11,14,17 તેમજ ઓપન એઇજ ગ્રુપના ખેલાડીઓએ સ્પર્ધામાં ઉત્સાહ ભેર જોડાયા હતા.
લોકો રમત ગમત પ્રત્યે સજાગ થયા છે આગામી 20 તારીખ સુધી જિલ્લા કક્ષાની રમત નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિજેતા થનાર ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવે છે. ઝોન કક્ષાની રમત ઉત્સવમાં 30 મીટર, 50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500 મીટર, 3000 મીટર દોડ સહિત સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ , ગોળા ફેક , લાંબી કુદ, ઉંચી કુદ, ચક્ર ફેક સહિતની ઇવેન્ટ આજરોજ યોજાય હતી જેમાં વિજેતા થયેલ ખેલાડી જિલ્લા કક્ષાની હરિફાઈમાં ભાગ લેશે.
શાળાના કોચ રમત- ગમત માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા : આકાશ વાસાણી
મહાત્મા ગાંધી આદર્શ નિવાસી સ્કૂલના વિદ્યાર્થી વાસાણી આકાશ એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેલ મહાકુંભ 3.0 માં 200 મીટર દોડમાં ભાગ લીધો છે જેના માટે અમારી શાળાના કોચ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હતું. તેમજ અમારી શાળામાં યોજાતા રમતગમત મહોત્સવમાં હું પ્રથમ સ્થાને આવતો હતો જે બાદ ખેલ મહાકુંભ રમવાનું શરૂ કર્યું. અમારી શાળા ના કોચના માર્ગદર્શન મુજબ રોજ 2000 મીટર દોડની તૈયારી કરતો હતો.