જ્યાં જ્યાં વસે છે ગુજરાતી, ત્યાં ત્યાં તેમને સુરક્ષીત રાખવા રાજ્ય સરકારની કવાયત: ખાસ હેલ્પલાઈનનો પ્રારંભ
૨૧ દિવસના લોકડાઉન દરમિયાન ગુજરાતમાં ગરીબ, મધ્યમ વર્ગને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટેના પગલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર લઈ રહી છે. ગુજરાતમાં લોકોનું સ્વાસ્થ્ય બગડે નહીં તે માટેના પ્રયાસો થઈ રહ્યાં છે. અલબત આ પ્રયાસો માત્ર ગુજરાત પુરતા જ નથી. જ્યાં-જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં ગુજરાત સરકારે ગુજરાતીઓને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટેના પગલા લીધા જ છે. સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે તમામ ગુજરાતીઓની સુરક્ષાની જવાબદારી બખુબી ઉપાડવામાં આવી રહી છે.
સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ જે ગુજરાતીઓ અન્ય રાજ્યોમાં સ્થળાંતરીત છે તેઓને ખોરાક, આશ્રય સ્થાન સહિતની સુવિધાઓ મળે તે માટે રાજ્ય સરકારે પ્રયત્નો શરૂ કરી દીધા છે. ગુજરાતી સમાજ સાથે રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે. અન્ય રાજ્યોમાં રહેલા ગુજરાતી મુસાફરોને રહેવા-જમવાની સુવિધા મળે તે માટે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને હેલ્પલાઈન નંબર-૧૦૭૦ સતત એક્ટિવ છે.
ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના નાગરિકો માટે પણ સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીએ અનેક રાહત કાર્યોને વેગ આપ્યો છે. લોકડાઉન દરમિયાન ગુજરાતમાં સ્થળાંતરીત થયેલો અન્ય રાજ્યનો નાગરિક ભુખ્યો સુવે નહીં તે માટે જિલ્લા કક્ષાએ વહીવટી તંત્રને સુચનાઓ અપાઈ ચૂકી છે. સ્વૈચ્છીક સંસ્થાઓ પણ તેમના સંપર્કમાં છે. આવા લોકો પણ હેલ્પલાઈન ૧૦૭૭નો સંપર્ક કરી શકે છે. કોરોના વાયરસના કહેર વચ્ચે તમામ લોકોને સાથે રાખીને તેમની સુરક્ષા જાળવી રાખવાનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા સતત થઈ રહ્યો છે. કપરી પરિસ્થિતિમાં સુરક્ષીત ગણાતા ગુજરાતમાં ગરીબ વર્ગ ભુખ્યો સુવે નહીં તેની ખાસ તકેદારી રૂપાણી સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે.
જેના અનુસંધાને અંત્યોદય યોજના હેઠળ અનાજ સહિતની વસ્તુઓ ગરીબોને હવે ઓફલાઈન પદ્ધતિ પણ મળશે. આગામી એપ્રિલ મહિનાના અંત સુધી બાયોમેટ્રિક સીસ્ટમની અમલવારી કરવામાં આવશે નહીં. એક મહિનાનું અનાજ ગરીબ પરિવારોને આપવાનો નિર્ણય લેવાયો છે. વર્તમાન સમયે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું છે. આવા સંજોગોમાં લોકો ભીડભાડવાળી જગ્યાએ ન જાય તે હેતુથી ઘરના આંગણા સુધી જીવન જરૂરિયાતની વસ્તુ સરકાર પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. વેપારીઓ, ફેરીયાઓ, શાકભાજીના વિક્રેતા સહિતનાઓને મામલતદાર દ્વારા પાસ આપવામાં આવ્યા છે. જેઓ લોકો ઘર સુધી જઈ માલ-સામાન વેંચી રહ્યાં છે.
બજારમાં જરૂરી માલ-સામાનનો જથ્થો જળવાઈ રહે તેની તકેદારી પણ રાખવામાં આવે છે. વર્તમાન સમયે દરરોજ સવારે ૫૧.૩૦ લાખ લીટર દૂધ, ૮૫૧૩૩ ક્વીન્ટલ શાકભાજી, ૭૪૭ કવીન્ટલ કેળા, ૭૦૫ કવીન્ટલ સફરજન અને ૮૩૩૬ કવીન્ટલ વિવિધ પ્રકારની ફૂટ મળી રહ્યાં છે. તાજેતરમાં સરકારે કોર કમીટીની રચના કરી હતી. જે હવે બીયારણ, ફર્ટીલાઈઝર અને જંતુનાશક દવાઓની સપ્લાય પણ જળવાઈ રહે તે સુનિશ્ર્ચિત કરી રહી છે.