ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર રાજ્યમાં અંદાજે 1800 ઓટોમેટીક વેધર સ્ટેશનની સ્થાપના કરાશે
વાવણીથી વેચાણ સુધીની વિવિધ યોજનાઓ અમલી બનાવી ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર બનાવવાનો રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: કૃષિ મંત્રી આર.સી. ફળદુ
ગુજરાત વિધાનસભા ખાતે અંદાજપત્ર સત્ર દરમિયાન માંગણીઓ પર ની ચર્ચામાં સહભાગી થતાં કૃષિમંત્રી આર. સી. ફળદુએ કહ્યું હતું કે, ખેડુતોને આર્થિક રીતે વધુ સધ્ધર કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માન. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને માન.નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કૃષિ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે.
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડુતોની પડખે રહી છે અને રહેશે. વિશ્વમાં ફકત ખેતી એજ એક એવો ઉધોગ છે કે, જે કુદરતી રીતે ઉપલબ્ધ સંસાધનોમાંથી અનેકગણું ઉત્પાદન આપે છે. બધીજ ઔધોગિક પેદાશ આપણી જરૂરીયાત અને અનુકૂળતા મુજબ કારખાનાઓમાં ઉત્પન્ન કરી શકાય છે, પણ કૃષિ ઉત્પાદન તો જમીન અને આબોહવાના અનિયંત્રિત કુદરતી પરિબળોનો સમન્વય કરીને કરવું પડે છે.
મંત્રીએ કૃષિક્ષેત્રની પૂરક શકિતઓ વિશે જણાવતાં કહ્યું હતું કે, જળસિંચન માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ હેક્ટર હતો,જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં પિયત સુવિધાઓ માટે થયેલ પ્રયત્નોને કારણે કૃષિ ક્ષેત્રે વધુ ને વધુ વિસ્તાર એક થી વધુ વખત વાવેતર હેઠળ આવતો થયો છે. સુક્ષ્મ સિંચાઇ માટે વર્ષ 2020-21માં 675 કરોડની સહાય ખેડૂતોને કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું હતું કે, ઘનિષ્ઠ કૃષિ થકી ખેડૂતો ઓછા સમયમાં વધુ કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે અને વધુ ને વધુ આવક રળી શકે તે માટે રાજ્ય સરકારે કૃષિ યાંત્રિકીકરણ ક્ષેત્રે ક્યારેય ન અપાયો હોય એવો લાભ આપવાનો શરૂ કર્યો છે. કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં નાના-સીમાંત ખેડૂતોને અનુરૂપ સાધનોથી લઇ આધુનિક મોટા સાધનો ખેડૂતોને સહાયથી આપવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્ય સરકાર ધ્વારા કૃષિ યાંત્રિકીકરણ ક્ષેત્રે ટ્રેકટર સહિત વિવિધ સાધનોમાં છ લાખથી વધુ ખેડૂતોને રૂ.1800 કરોડ જેટલી સહાય પૂરી પાડી છે. વર્ષ 2020-21 માં જાન્યુ-21 અંતિત 26,770 ખેડૂતોને ટ્રેકટર ખરીદી માટે રૂ.126.85 કરોડની સહાય આપવામાં આવી છે. આમ કૃષિ યાંત્રિકીકરણ અન્વયે જાન્યુ-21 અંતિત 48,924 ખેડૂતોને રૂ.191.90 કરોડની સહાય આપવામાં આવી છે.
કૃષિ ક્ષેત્રે ગુજરાતની સફળતાની વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા ચીંધી છે. દેશની વસ્તીના 4.99 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થું ઉત્પાદનમાં લગભગ 7.9 ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના વર્ષોમાં વરસાદની પ્રતિકૂળ અસર હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષોમાં રાજયના અર્થતંત્રએ સતત વૃધ્ધિ દર્શાવી છે. ભૌગોલિક દ્રષ્ટિએ આપણો દેશ વિશ્વના કુલ વિસ્તારના 2.4 ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. પરંતુ વિશ્વની 17.5 ટકા વસ્તીનો સમાવેશ કરે છે. ગુજરાત રાજય દેશના કુલ ભૌગોલિક વિસ્તારનાં માત્ર 6 ટકા જેટલો હિસ્સો ધરાવે છે, તેમ છતાં દેશના અગત્યનાં પાકો જેવા કે કપાસ, મગફળી, દિવેલા, તલ, જીરૂ, ઈસબગુલ તેમજ દુધ ઉત્પાદનમાં પ્રથમ હરોળમાં હોવાનું ગૌરવ અનુભવે છે. ગુજરાતમાં વર્ષ 2019-20 દરમ્યાન અનાજનું કુલ ઉત્પાદન 93.28 લાખ ટન,કપાસનું ઉત્પાદન 88.01 લાખ ગાંસડી, મગફળીનું ઉત્પાદન 46.43 લાખ ટન અને તેલીબીયાનું ઉત્પાદન 66.64 લાખ ટન થયું છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિશ્વકક્ષાએ કેળા, જીરૂ, ઈસબગુલ, વરિયાળી અને દિવેલાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત કપાસમાં 36 ટકા, મગફળીમાં 42 ટકા, દિવેલામાં 80 ટકા, વરીયાળીમાં 70 ટકા અને જીરૂમાં 60 ટકા ફાળો ધરાવે છે. ગુજરાતમાં બટાટાની ઉત્પાદકતા 31 ટન અને ચણાની 1663 કિલો/હે. છે, જે રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ છે. ગુજરાત રાજ્યમાં વાવેતર હેઠળ કુલ 98 લાખ હેક્ટર વિસ્તાર છે તે પૈકી બાગાયતી પાકો હેઠળનો વાવેતર વિસ્તાર 16.16 ટકા જેવો છે.