એક તરફ જયાં દેશમાં લેસ્બિયન ગે બાયસેકશુઅલ ટ્રાન્સજેન્ડર કવીર (એલજીબીટીકયુ) અધિકારો માટે આંદોલનો થઈ રહ્યા છે ત્યાં જ ગે પ્રિન્સ અને એલજીબીલીટીકયુ અધિકારોના કાર્યકર્તા માનવેન્દ્રસિંહ ગોહિલે આ સમુદાય વિશેષ પર દક્ષિણ એશિયામાં પહેલુ શૈક્ષણિક મોડયુલ રજુ કર્યું છે. જેનું નામ તેમણે પ્રોકિટવીટી ઓફ જેન્ડર: સોશિયલ-લીગલ એપ્રોચ ટુ એલજીબીલીટીકયુ કમ્યુનિટી આપ્યું છે. આ એક ખુબ જ રસપ્રદ વિષય છે જેને અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના લો એન્ડ લિબરલ સ્ટડીઝના અન્ડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ આ વિષય ભણશે. આ ઉપરાંત ૬૦થી વધારે ઉચ્ચતર માધ્યમિક સ્કુલો અને પીએચડી સ્કોલર્સ પણ આ કોર્સનો ભાગ બનશે. આ વિષયને અભ્યાસમાં સમાવવા અંગે માનવેન્દ્રએ જણાવ્યું કે, આની પાછળનો હેતુ સંયુકત શિક્ષણ વધુ અને થર્ડ જેંડરને સામાજીક સ્વિકૃતિ મળે તે છે.
આ કોર્સમાં ભારતમાં એલજીબીટીકયુ અધિકાર આંદોલનનો ઈતિહાસ તેની શરૂ આત કેવી રીતે થઈ, આંદોલનોનું આંતરરાષ્ટ્રીય સંદર્ભ, કાનુની અધિકાર આઈપીસીની કલમ ૩૭૭ અને સમુદાયના સામાજિક તેમજ સાંસ્કૃતિક દરજજા વગેરે સામેલ થશે. માનવેન્દ્રસિંહે કહ્યું કે, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, એચઆઈવી મેડિકલ અને ઉમર સંબંધી બિમારીઓ પણ આ કોર્ષમાં સામેલ થશે. તેમના જણાવ્યાનુસાર આ કોર્ષ દ્વારા અમે અમારા સમુદાયને તથ્યો સાથે રજુ કરીશું જેની મદદથી વિદ્યાર્થીઓ આ સમુદાયને સારી રીતે સમજી શકે.
તજજ્ઞોનું માનવું છે કે, ‘માતા-પિતા, પરિવાર, મિત્રો અને સામાજીક સ્થિતિ સહિત અલગ-અલગ સ્તર પર સ્વીકૃતિ નથી મળતી તે એક ખુબ જ સંવેદનશીલ મુદ્દો છે જે હંમેશા ભેદભાવ સર્જે છે અને કયારેક આ ભેદભાવ હિંસાજનક અને અપમાનજનક રૂપ લે છે.
યુનિવર્સિટીમાં આ કોર્સને ભણાવનાર પ્રોફેસર શ્રુત બ્રહ્મભટ્ટ કહે છે ‘એલજીબીટીકયુ લોકો સામે સમાજમાં ભેદભાવ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમને પાયાની સુવિધાઓ જેવી કે હેલ્થકેર, પ્રોપટીમાં હિસ્સો અને કેટલાય અન્ય અધિકારોથી વંચિત કરવામાં આવે છે એટલા માટે જ એલજીબીટીકયુ સમુદાય અંગેનો અભ્યાસ શિક્ષણમાં જોડતા વિદ્યાર્થીઓ પણ આવા સદસ્યો પ્રત્યે સંવેદનશીલ બનશે.