રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી સહભાગી કલેક્ટર અમિત અરોરા
સ્વાગત કાર્યક્રમનાં 20 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમને બે દાયકા પૂર્ણ થતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યુ હતુ અને સ્વાગત કાર્યક્રમની યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરજદાર ઓને રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં સાંભળ્યા હતા અને નાગરિકોની ફરિયાદો અને તેમના પ્રશ્નો સંદર્ભે નિરાકરણ આપ્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોઇ પણ આયોજન, વ્યવસ્થા જ્યારે તૈયાર થાય ત્યારે તેની પાછળ એક વિઝન અને નિયત હોય છે તે ભવિષ્યમાં કેવી પરિણામદાયી હશે તેના એન્ડ રિઝલ્ટ પણ આ વ્યવસ્થાઓ જ આપે તેવી દૂરંદેશીતા વાળી હોય છે.
વડાપ્રધાન એ ‘સ્વાગત’ની આ બે દાયકાની સફળતામાં નિષ્ઠાપૂર્વકનો પરિશ્રમ કરનારા અને પ્રજાપ્રશ્નોના નિવારણમાં સહયોગી બનેલા કર્મયોગીઓ સહિત સૌને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન એ આ તકે જણાવ્યું કે, સરકારનો વ્યવહાર એવો હોય કે સામાન્ય માનવી પોતાની વાત-રજૂઆત સહજતાથી સાંજા કરી શકે અને સરકારને દોસ્ત સમજે. ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્વાગત કાર્યક્રમોમાં આવતી રજુઆતોના નિવારણ સાથે રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીએ રાવ-ફરિયાદ કાને ધરવાની અને ત્વરિત નિરાકરણની જવાબદારી સંભાળી ‘સ્વાગત’ ને સૌ માટે સહજ બનાવ્યો છે તેની પણ વિશેષતાઓ વર્ણવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે, ‘સ્વાગત’ની રજૂઆતો પરથી એક મજબૂત ફિડબેક સિસ્ટમ ઊભી થઇ અને અંતિમ છૌરના વ્યક્તિને મળવાપાત્ર લાભ મળે છે કે કેમ, કોઇ પરેશાની કે કનડગત નથી ને, હક્કનું મળે છે કે કેમ તેવા ફિડબેક મળતા થયા.
એટલું જ નહિ, જન સામાન્યની તકલીફ, શિકાયતોની સીધી જાણકારી મુખ્યમંત્રી સ્તરે મળવાથી તેના નિવારણના કર્તવ્યપાલનની જવાબદારી પણ નિષ્ઠાપૂર્વક નિભાવી શકાઇ છે.
સ્વાગતે જન સામાન્યમાં એક વિશ્વાસ ઉભો કર્યો અને આ જ ‘સ્વાગત’ મોડેલની પરિપાટીએ હવે તેમણે ભારત સરકારમાં ‘પ્રગતિ’ કાર્યક્રમ શરૂ કર્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાન એ કહ્યું કે આ ‘પ્રગતિ’ કાર્યક્રમને પરિણામે પાછલા 9 વર્ષોમાં વિકાસ કામોની ગતિમાં પ્રગતિએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
સ્વાગતના બે દાયકા પૂર્ણ થવા અવસરે રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં યોજેલા સ્વાગત સપ્તાહને પણ વ્યાપક જનપ્રતિસાદ મળ્યો છે.
સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 43 હજાર ઉપરાંત રજૂઆતો મળી હતી તેમાંથી 93 ટકા એટલે કે 40 હજાર પાંચસો ઉપરાંત સમસ્યાઓનું નિવારણ આવ્યુછે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુરૂવાર તા.ર7 મી એપ્રિલે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો તેમાં મળેલી રજૂઆતો પણ મુખ્યમંત્રીએ કાને ધરીને સંબંધિત વિભાગોને-જિલ્લાઓને ત્વરિત નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતના રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, નિવાસ અધિક કલેક્ટર મિતેશ પંડ્યા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.