ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના વધતા જતા આ કેસોને કારણે ગુજરાત હાઇકોર્ટને ચાર દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાઇકોર્ટ બંધ રાખવાનો નિર્ણય ચીફ જસ્ટિસ વિક્રમનાથે લીધો છે. કોર્ટ 16 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.આ રજા દરમિયાન કોર્ટના સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે અને કોર્ટ કેમ્પસની સફાઇ કરી સેનેટાઈઝ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના આખા કેમ્પસ, રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર,ઓફિસ વગેરેની સફાઇ કરાશે અને સેનેટાઈઝ કરવામાં આવશે. આ સમય દરમિયાન કોર્ટ સંબંધિત તમામ કામગીરી બંધ રહેશે. જે કેસોની સુનાવણી 16 થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાવાની હતી તે હવે આવતા મંગળવારથી શરૂ થશે.
હાઇકોર્ટમાં આવેલી તમામ કચેરીઓ પણ બંધ રહેશે. તાજેતરમાં મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથે એક પરિપત્ર બહાર પાડીને કહ્યું છે કે એડવોકેટ જનરલ અને સરકારના એડવોકેટથી લઈને કોર્ટના તમામ કર્મચારીઓને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, હાઇકોર્ટમાં સ્થિત એસબીઆઈ બેંક, એટીએમ, પોસ્ટ ઓફિસ વગેરે બધું બંધ રહેશે અને સ્વચ્છતા પ્રકિયા હાથ ધરવામાં આવશે.