માંડવીના દરિયાકાંઠે ઉતારાયેલું ૧૦૦ કિલો હેરોઈન ટ્રક મારફતે પંજાબ પહોંચાડાયું હતું: સલાયાથી ૫ કિલો હેરોઈન ઝડપાયા બાદ વધુ એક ખુલાસો

તાજેતરમાં સલાયા ખાતેથી ઝડપાયેલા ૩૦૦ કરોડના હેરોઈન બાદ એટીએસ દ્વારા આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને ગુજરાત હેરોઈનનું પીઠ્ઠુ બની ગયું હોવાનું બહાર આવ્યું છે. એટીએસની પુછપરછમાં ડ્રગ માફીયાઓએ પાકિસ્તાનથી માંડવી બંદરે ઉતારવામાં આવેલું ૧૦૦ કિલો હેરોઈન ટ્રક મારફતે પંજાબ મોકલ્યાનો ખુલાસો થયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓ દ્વારા ભારતના દરિયામાર્ગનો ઉપયોગ કરી નશીલા હેરોઈનની ખરીદ ફરોકત કરાતી હોવાનો ખુલાસો સલાયાથી ઝડપાયેલા ૩૦૦ કરોડના હેરોઈન બાદ થયો છે. આ તપાસ દરમિયાન અગાઉ પણ ભારતના દરિયાકાંઠાનો ઉપયોગ કરી વિદેશમાં મોટાપાયે હેરોઈનનો જથ્થો ધકેલવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. દરમિયાન સલાયાથી ઝડપાયેલા આરોપીઓએ એટીએસ સમક્ષ વધુ એક ખુલાસો કર્યો હતો.

એટીએસના સુત્રોના જણાવ્યા મુજબ અગાઉ પાકિસ્તાનથી મોકલાવામાં આવેલું ૧૦૦ કિલો હેરોઈન કચ્છના માંડવી બંદરે ઉતારાયા બાદ ટ્રાન્સપોર્ટર રફીક સુમરાએ ૧૦૦ કિલો હેરોઈનનો જથ્થો ઉંઝાથી જીરુના ટ્રક મારફતે પંજાબ મોકલવામાં આવ્યો હતો અને આ મામલે રફીક સુમરાને ઝડપી લેવાયો હોવાનું પણ બહાર આવ્યું છે.

વધુમાં ટ્રાન્સપોર્ટર રફીક સુમરાએ કબુલાત આપતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી દરિયામાર્ગે ૧૫૦ નોટીકલ માઈલ દુર હેરોઈનનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો બાદમાં આ જથ્થાને કચ્છથી મહેસાણા જિલ્લાના ઉંઝામાં મોકલાયો હતો અને નાની-નાની બેગમાં પેક કરી જીરુના ટ્રકમાં હેરોઈનનો જથ્થો છુપાવી આ જથ્થો પંજાબમાં મોકલી અપાયો હતો.

આમ સલાયામાંથી ઝડપાયેલા હેરોઈન બાદ તપાસનીશ એજન્સીએ એક પછી એક રહસ્યો ખોલી નાખ્યા છે અને ગુજરાત હેરોઈનનું પીઠ્ઠુ બન્યું હોય ઉડતા પંજાબની જેમ હવે નશીલા પદાર્થોની હેરફેર મામલે ગુજરાત પણ ઉડતા ગુજરાત બન્યું હોવાનું જણાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.