મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકુમાર કોલેજ ખાતે 153મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજકોટની ઔતિહાસિક રાજકુમાર કોલેજ ખાતે 153મો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ અવસરે મુખ્યમંત્રી એ રાજયભરના નાગરિકોને અક્ષયતૃતીયાના પાવન પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના પાયામાં પંચામૃત શક્તિના બીજ રોપ્યા છે. જેમાં જ્ઞાન શકિત, ઊર્જા શક્તિ, જન શકિત, રક્ષા શક્તિ સમાવિષ્ટ છે. ગુજરાતે નવતર પરંપરા બનાવીને વિકાસના પાયામાં જ્ઞાન શક્તિનો દબદબો સાર્થક કર્યો છે, જેના થકી શિક્ષણ શેત્રે એન્જિન હબ બનવાનું સામર્થ્ય ગુજરાત ધરાવી શકયું છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને રાજ્ય બહાર જવું ન પડે તે માટે આંતર રાષ્ટ્રીય જોડાણ કરીને ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની ડિકન યુનિવર્સિટી કેમ્પસ શરૂ કરી કરી રહી છે. નયા ભારતના નિર્માણમાં અગ્રીમ યુવાને સમૃદ્ધ બનાવીને વિકસિત ગુજરાતથી વિકસીત ભારત બનાવીએ તેમ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 1870માં રજવાડાઓ દ્વારા સ્થપાયેલી આ શાળામાં હાલમાં ધોરણ 1 થી 12માં 1950 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં વર્ષભરમાં શિક્ષણ, રમત ગમત સહિતની સ્પર્ધાઓ અને પ્રવૃત્તિમાં વિજેતા થયેલા 140 જેટલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે શિલ્ડ – ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. શાળાના બેન્ડ દ્વારા જ મુખ્યમંત્રીશ્રી અને પધારેલ મહાનુભાવોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદો મોહનભાઈ કુંડારિયા અને રામભાઈ મોકરિયા,ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, પ્રદ્યુમનભાઈ વાજા, દર્શિતાબહેન શાહ અને રીવાબા જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, મેયર ડો. પ્રદીપભાઈ ડવ, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આનંદકુમાર પટેલ, રાજકોટના પૂર્વ રાજવી સર્વ જયદીપસિંહ, ધ્રોલના રાજવી પદ્મરાજસિંહ, ચૂડાના રાજવી કૃષ્ણકુમારસિંહ, લાઠીના રાજવી કીર્તિકુમારસિંહ, રાજકુમાર કોલેજ ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ યશ સક્સેના તેમજ બરસર ચાકો થોમસ તથા વિદ્યાર્થીઓ, વાલીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકુમાર કોલેજે તેના સ્થાપના કાળથી શિક્ષણ અને જ્ઞાનની પરંપરા સ્થાપિત કરી છે: મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, 1870માં રાજવીઓના શિક્ષણ માટે બનેલી રાજકુમાર કોલેજે તેના સ્થાપના કાળથી જ શિક્ષણ અને જ્ઞાનની ઉચ્ચ પરંપરા સ્થાપિત કરી છે. આ સંસ્થાએ કલાપી, જામ રણજીસિંહ, ગુમાનસિંહ , કિશોર રાણા, ભગવતસિંહજી જેવા અનેક લેખકો, ક્રિકેટરો સહિતના વિવિધ ક્ષેત્રે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવો આપ્યા છે. કવિ નાનાલાલ, વિદ્વાન સાહિત્યકાર બળવંતસિંહ ઠાકોરે અહીં જ્ઞાનની સરવાણી વહેવડાવી છે. સંસ્કારોના સિંચન સાથે આધુનિકતાને પણ અપનાવી છે, એ જ આ સંસ્થાની વિશેષતા છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણની ગંગોત્રીને જ્ઞાન ગંગા રૂપે પૂરા ભારતભરમાં વહી રહી છે. ભારત દેશ યુવાઓનો દેશ છે. યુવા શક્તિમાં સમાયેલી મહત્મ ક્ષમત્તાઓનો ઉપયોગ કરીને ભારતને વિશ્વ ગુરુ બનાવવાની નેમ વડાપ્રધાન એ સેવી છે. યુવા શક્તિને “ન્યૂ એજ વોટર” નહી પરંતુ “ન્યૂ એજ ઓફ પાવર” તરીકે કેળવવાની હિમાયત વડાપ્રધાન એ કરી છે. આજે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ આપતી 103 જેટલી યુનિવર્સિટીઓ સાકાર કરવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યું છે.
મુખ્યમંત્રી ગુજરાતની વિકાસયાત્રાને અવિરત આગળ ધપાવી રહ્યા છે: રાજવી માંધાતાસિંહજી જાડેજા
આ તકે રાજકુમાર કોલેજના પ્રેસિડેન્ટ રાજવી માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે ભારતવર્ષની ધરા ઉપર સુશાસનના પાઠ ભણાવતી જાજરમાન ઇતિહાસ, ભવ્ય ભૂતકાળ અને વિશિષ્ટ વર્તમાન ધરાવતી પ્રથમ રાજકુમાર કોલેજે દેશને સમર્પિત એવા રાજવીઓ આપ્યા છે. એટલું જ નહીં, રાજનીતિજ્ઞો, ક્રિકેટરો, કવિઓ, લેખકો અને માનવીય મૂલ્યો ધરાવતા નાગરિકો આ સંસ્થાની દેન છે. મૃદુ અને મક્કમ તથા પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતની વિકાસયાત્રાને અવિરત આગળ ધપાવી રહ્યા છે. તેમજ નેશનલથી ગ્લોબલ લીડર એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ દેશ હરણફાળ ગતિએ વિકાસ સાધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેનૃત્વ હેઠળ ગુજરાત અને ભારત અનેક સિદ્ધિઓના આયામો સર કરી રહ્યું છે.