બેનમૂન પુરાતત્વીય મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે અનેકતા માં એકતા ની આપણી ભારતીય સંસ્કૃતિ તો પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓના માધ્યમથી પરસ્પર જોડાયેલી છે. અનેક ભાષા-પ્રાંત-બોલીઓ, પહેરવેશ અને સંસ્કૃતિ હોવા છતાં એક ભારત શ્રેષ્ઠ ભારત એ જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે .
વિજય ભાઈ રૂપાણી મોઢેરા સૂર્ય મંદિર પરિસર સમીપે આયોજીત ઉતરાર્ધ મહોત્સવ નો આરંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
અંબાજીથી આસન સોલ અને દ્વારકાથી દિબ્રુગઢ સુધીના ભારતના બધા જ પ્રાંત-પ્રદેશો રાજ્યો એકબીજા સાથે સાંસ્કૃતિક તાદાત્મ્યથી જોડાયેલા છે તેવું જણાવીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પશ્ચિમ ભારતના આ મોઢેરા સુર્યમંદિરના ઉત્તરાર્ધ ઉત્સવ જેમજ પૂર્વમાં કોર્ણાક સૂર્યમંદિરમાં ડાન્સ ફેસ્ટીવલ યોજાય છે. શકિત સ્વરૂપા આદ્યશકિતનો ઉત્સવ નવરાત્રિ ગુજરાતની વૈશ્વિક પહેચાન છે તો બંગાળનો દુર્ગાપૂજા શકિત આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે. પોરબંદરના મોહનદાસ ગાંધીને મહાત્માનું બિરૂદ પણ બિહારના ચંપારણ્ય સત્યાગ્રહ અપાવેલુ છે. દ્વારિકા ના મોહન ના અરુણાચલ પ્રદેશ ના રુકમણી વિવાહ પણ એ ઐતીહાસીક ધરોહર ના ઉત્તમ ઉદાહરણ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, આધુનિક અને વિકસતા યુગમાં સૂર્ય ઉપાસના માટે સૂર્યશકિતના મહત્તમ વિનિયોગ માટે સૌર ઊર્જા સોલાર એનર્જીનું હબ હવે ગુજરાત બન્યું છે. અને એ સૂર્ય પ્રકાશ ને સૌર ઊર્જા સોલાર એનર્જીમાં રૂપાંતરિત કરીને ગુજરાતે બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત વિકસાવ્યા છે.
આ જિલ્લાની સમીપે આવેલું ચારણકા તો એશિયાના સૌથી મોટા સોલાર પાર્કનું ગૌરવ ધરાવે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
સૌરઊર્જા એટલે કે સૂર્યની શકિતઓથી માનવજીવનમાં ઋતુચક્ર મુજબ શારીરિક માનસિક આધ્યાત્મિક ઊર્જાનો સંપર્ક પણ થતો હોય છે તેવું જણાવી મુખ્યમંત્રી શ્રીએ કહ્યું કે, શિયાળાની ઠંડીમાં સૂર્યના કિરણોનો સ્પર્શ તાજગી સાથે હૂંફનો પણ અહેસાસ કરાવે છે. ઉત્તરાયણ પછી સૂર્યનારાયણ જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે ત્યારે શિયાળાના અંત અને વસંતના આરંભની શરૂઆત ઉત્સવ રૂપે નવી ચેતનાનો અનુભવ આપણને કરાવે છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ પણ એવી જ નવી ચેતના-નવા જોમ નવી શકિતનો ઉદ્દીપક બન્યો છે.