ગાંધીનગર નજીક અમૂલ ફેડ ડેરીના 415 કરોડના ખર્ચે નવનિર્મિત ચાર પ્લાન્ટનું લોકાર્પણ કરતા ગહ અને સરકાર મંત્રી: અમિતભાઇ શાહ
ગુજરાતે દેશને આપેલું સહકારિતાનું મોડલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું શ્રેષ્ઠ મોડલ છે: મુખ્યમંત્રી
અબતક, રાજકોટ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે સવાસો કરોડ જેવી વિશાળ જનસંખ્યા ધરાવતા દેશમાં સર્વગ્રાહી સર્વસ્પર્શી અને સર્વ સમાવેશી વિકાસમાં જન-જનને જોડવાનું સહકારીતાનુ શ્રેષ્ઠ મોડલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે*.
વિશ્વમાં વિકાસના ઘણા મોડલ આવ્યા પરંતુ આર્થિક સક્ષમતા સાથે સૌને વિકાસની- ઉન્નતિની તક આપતું સહકારિતાનું મોડલ આઝાદીનાં 75 વર્ષ પછી કોઈ પ્રધાનમંત્રીએ સરકારમાં પૂર્ણ પણે સહકારિતા વિભાગ શરૂ કરીને આપ્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ગાંધીનગર નજીક અમૂલ ફેડ ડેરીના ચાર અત્યાધુનિક નવા પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.
અમિતભાઈ શાહે કહ્યું કે ,અમૂલે 75 વર્ષ પહેલાં 21 ગામોમાં શરૂ કરાવેલી સહકારી દૂધ ઉત્પાદન વેચાણ ની ચળવળમાં આજે 18 હજાર ગામો ના 36 લાખ લોકો જોડાયા છે અને સહકારીતાનું જનઆંદોલન ગુજરાતે શ્રેષ્ઠતા પૂર્વક પ્રસ્થાપિત કર્યું છે.
વિશ્વમાં વુમન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણની ચર્ચા કરનાર લોકો ગુજરાતની ગ્રામીણ નારીશક્તિની ક્ષમતાના ઉત્કૃષ્ઠ અમૂલ પેટર્નનો અભ્યાસ કરી લે
અમૂલ વગર ભારતની દૂધ ઉત્પાદન અને ખપત જરૂરિયાત પૂરી કરવી અસંભવ છે તેવી લાગણી વ્યકત કરતાં , આઝાદી ના 100 વર્ષ આપણે જ્યારે ઉજવીએ ત્યારે અમૂલને કયા સ્થાને લઈ જવી છે તેની બ્લુ પ્રિન્ટનું આયોજન કરી તે સંકલ્પ સિદ્ધ કરવા સૌ સાથે મળી અત્યારથી જ કાર્યરત થાય.
તેમણે આ નવા કાર્યરત થયેલા ચાર પ્લાન્ટ દૂધ સહકારી ક્ષેત્રના ત્રણ અંગો એવા દૂધ ઉત્પાદન શક્તિ, ઉપભોક્તા સુધી વિવિધ પ્રોડક્ટ પહોંચાડવાની કેપેસિટી અને વિતરણ માર્કેટિંગ વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશ અને દુનિયા હવે પ્રાકૃતિક ખેતી – નેચરલ ફાર્મીંગ ઓર્ગેનીક ફાર્મીંગ તરફ વળી છે. પ્રગતિશીલ કિસાનોએ તેનો સ્વીકાર કરીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો પણ શરૂ કર્યા છે. આવા ઉત્પાદનોને યોગ્ય બજાર અને ભાવ મળે તે માટે અમૂલ પોતાની માર્કેટિંગ બજાર વિતરણ વ્યવસ્થાની મહારથનો વિનિયોગ કરે અને કોઈ નક્કર કાર્ય યોજના બનાવે તેવું આહવાન તેમણે કર્યું હતું .
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમૂલના આ સહકારિતા મોડેલને સસ્ટેનેબલ અને લાંબાગાળાના સર્વગ્રાહી વિકાસનું શ્રેષ્ઠ મોડેલ ગણાવ્યું હતું*
અમૂલ વર્લ્ડ બ્રાન્ડ બની છે, અને અબાલ-વૃદ્ધ સૌ કોઇ ’અમુલ દુધ પીતા હૈ ઇન્ડિયા’થી ભલી ભાંતિ પરિચિત થઈ ગયા છે.
અમુલનાના ચેરમેન શામળભાઇ પટેલે કહ્યું કે, અમૂલ વાર્ષિક 53 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. ભવિષ્યમાં એક લાખ કરોડનું ટર્નઓવર થાય એવા લક્ષ્યાંક સાથે અમૂલ આગળ વધી રહ્યું છે. 257 કરોડ રૂપિયાના મૂડી રોકાણથી તૈયાર થયેલ આ નવો મિલ્ક પાવડર પ્લાન્ટ દૈનિક 150 ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે જે એશિયાનો સૌથી મોટો મિલ્ક પાવડર પ્લાન્ટ છે. 85 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા બટર પ્લાન્ટથી બટર ઉત્પન્ન કરવાની ક્ષમતા 40 મે. ટનથી વધી 130 મે. ટન થશે. નવા ફુલ્લી ઓટોમેટિક સ્ટોરેજ પ્લાન્ટથી પેકેજીંગ સ્વરૂપે 50 લાખ લીટર લોંગ લાઇફ મિલ્કનો સંગ્રહ કરી શકાશે તથા નવા પોલીફિલ્મ પેકેજીંગ પ્લાન્ટના કાર્યરત થવાથી ઉત્તમ પોલીફિલ્મનો જથ્થો પૂરો પાડવામાં સહાયતા રહેશે.
અમુલના વાઇસ ચેરમેન વાલમભાઈએ આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, અમૂલ હવે ફ્રૂટ અને શાકભાજી ઉત્પાદિત કરતા ખેડૂતો માટે પણ સહભાગી થશે. ઓર્ગેનિક દૂધ અને ઓર્ગેનિક ખેત પેદાશોના ઉત્પાદન સંદર્ભે સૂચવેલા કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સૂચનોનો અમૂલ સત્વરે અમલ કરાવી તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણની દિશામાં એક પગલું ભરશે.