સી.યુ.શાહ યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ યોજાયો: 892 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત સી.યુ.શાહ યુનિવર્સિટીનો આઠમો વાર્ષિક પદવીદાન સમારોહ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 892 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમાજ, કુટુંબ અને ગુરુજનોની અપેક્ષાઓ અને ભાર વચ્ચે આજે પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ અલગ-અલગ ક્ષેત્રોમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી દેશના વિકાસમાં સહભાગી બનશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં લોકભાગીદારી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સૌથી વધુ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, માટે ગુજરાત સમગ્ર વિશ્વમાં શિક્ષિત સમાજ તરીકે ઉભરી આવ્યુ છે.વધુમાં તેમણે કહ્યું કે,આજે ગુજરાતમાં ક્વોલિફાઇડ શિક્ષકો સાથે અને માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાઓ જોવા મળી રહી છે.શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ ભરી છે અને દેશમાં રાજ્યનું નામ રોશન કર્યું છે.
આજે નકારાત્મકતા છોડીને સકારાત્મકતાની એક દુનિયા ઉભી થઇ છે, માટે સકારાત્મક વિચારો સાથે દેશ અને ગુજરાતનું નામ રોશન કરી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને મંત્રી એ આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સી.યુ.શાહ યુનિવર્સિટીના પદવી પ્રાપ્ત કરનાર 892 વિદ્યાર્થીઓ પૈકી 47 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 41 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ તેમજ 40 વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી.
આ સમારોહમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, અગ્રણીઓ સવ જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, જિતેન્દ્રભાઈ સંઘવી, કિરણ મહેતા, હેમંતભાઈ શાહ, સી.યુ.શાહ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નીમિતભાઈ શાહ તેમજ કોલેજના અધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.