ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો છે: જીતુભાઈ વાઘાણી
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસના અમીત ચાવડાના બાલીશ અને હાસ્યાસ્પદ આક્ષેપો સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, માત્ર મીડિયામાં ચમકવા માટે ભાજપા સરકાર પર બેબુનિયાદ આક્ષેપો કરતાં પહેલાં કોંગ્રેસે પોતાનો ભૂતકાળ તપાસવો જોઈએ.
ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં ચારેબાજુ દારૂના ધંધાર્થીઓ અને હપ્તાખોરો ફૂલ્યા-ફાલ્યા હતા. કોંગ્રેસના નેતાઓ અને મંત્રીઓના બંગલાઓ અસામાજીક તત્વો અને બુટલેગરોના આશ્રયસ્થાન બન્યા હતા. તે સમયે ગુજરાતમાં છાશવારે થતાં લઠ્ઠાકાંડોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. દારૂના ધંધાર્થીઓને સાથ આપી ગુજરાતની પ્રગતિ રોકવાના પાપે જ આજે ગુજરાત કોંગ્રેસ ખાડે ગઈ છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, દારૂબંધી એ ગુજરાત માટે આશીર્વાદરૂપ છે. ગુજરાતની શાંતિ, સલામતી તથા સમૃદ્ધિ માટે કટિબદ્ધ ભાજપા સરકારે સુકાન સંભાળ્યા પછી ગુજરાતમાં દારૂબંધીનો કડકમાં કડક અમલ થઇ રહ્યો છે. હપ્તાખોરો અને બુટલેગરોની દુકાન બંધ થઇ ગઈ છે. લઠ્ઠાકાંડો બંધ થયા છે. ગુજરાતનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવ્યો છે તેમજ હુક્કાબાર અને ઈ-સિગારેટ પર પણ પ્રતિબંધ મૂકી ગુજરાત સંપૂર્ણ નશામુક્ત બને અને ગુજરાતના યુવાનો વ્યાસનમુક્ત રહે અને દેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપે તે પ્રકારનાં ઉતમ વાતાવરણનું નિર્માણ થયું છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં ગુંડાઓના ત્રાસથી ગામડું થર થર ધ્રુજતું હતું. લતીફ અને મહમદ સુરતી જેવા ગુંડાઓ બેફામ બન્યા હતા. ગુજરાતમાં ભયનો માહોલ હતો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પણ બુલેટપ્રૂફ વ્યસ્થાઓ હેઠળ કાઢવી પડતી હતી. કોંગ્રેસની અસામાજીક તત્વોને છાવરવાની કુનીતિને લીધે ગુજરાતમાં ચારેતરફ અસલામતી અને અરાજકતાનો માહોલ હતો. ગુજરાતમાં ભાજપના શાસનમાં ગામડું સલામત, સમૃદ્ધ અને સુવિધાયુક્ત બન્યું છે. ગુંડાઓ અને અસામાજીક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરી ગુંડારાજ નાબુદ થયું છે.