ઊર્જા વિભાગ દ્વારા વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ સંદર્ભે મોરબી ખાતે કાર્યક્રમ યોજાયો
અબતક,ઋષી મહેતા, મોરબી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઊર્જા મંત્રાલય દ્વારા વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ 2047 સુધીની અપેક્ષાઓ સંદર્ભે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી પાવર સેક્ટરની મુખ્ય સિદ્ધિઓને પ્રકાશિત કરવા માટે ઉજ્જવલ ભારત-ઉજ્જવલ ભવિષ્ય કાર્યક્રમનું આયોજન શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી સીરામીક ઉદ્યોગનું હબ છે ત્યારે ઉદ્યોગ ક્ષેત્રે વીજળીની ખૂબ જ જરૂરિયાત છે ત્યારે મોરબીને સુલભ રીતે જરૂરિયાત મુજબનો વીજ પુરવઠો મળી રહે છે. ગુજરાત પાવર સેક્ટરની સિદ્ધિઓ વર્ણવતાં તેમને જણાવ્યું હતું કે, આજે ગુજરાત પાવર લોસ નહીં પરંતુ પાવર પ્લસ બન્યું છે. સૌર ઊર્જા તેમજ રિન્યુએબલ ઊર્જાને પ્રાધાન્ય આપતા તેમણે વીજળીનો વ્યય ન થાય તે તરફ પણ લોકોને વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી.
આ તકે મંત્રી મેરજાએ પીજીવીસીએલ વિભાગ તેમજ મોરબી નગરપાલિકાને સંયુક્ત રીતે મોરબીના સર્કલ્સ પર આવેલા વીજળીના થાંભલા અન્વયે સરકારની યોજના થકી ત્યાં ભૂગર્ભ વીજ લાઈન થઈ શકે તેવું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું. આ પ્રસંગે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા તેમજ આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, મોરબી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભવાનભાઇ ભાગીયા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરીયા, જયુભા જાડેજા, નિલેશભાઈ જેતપરિયા અરવિંદભાઈ વાંસદડીયા, રમેશભાઈ રાઠોડ, પ્રભુભાઈ, કિરીટભાઈ, કિશોરભાઈ ચીખલીયા, કે.કે.પરમાર, મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ તેમજ જિલ્લાના પદાધિકારી/અધિકારીઓ પીજીવીસીએલ તેમજ જેટકોના અધિકારીઓ/ કર્મચારીઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.