Abtak Media Google News

એકલા અમરેલી જિલ્લામાં બે વર્ષમાં અધધધ 400થી વધુ ભૂકંપના આંચકા, તુર્કીમાં સર્જાયેલી તબાહી અને ઉત્તરાખંડમાં મહાભૂકંપની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં આવતા આંચકાથી લોકોમાં ડરનો માહોલ

ગુજરાતની સ્થિતિ જાણે જાપાન જેવી થઈ ગઈ છે. વારંવાર ધરા ધ્રુજી રહી છે. જેનાથી લોકો અજંપાભરી સ્થિતિમાં મુકાઈ ગયા છે. એકલા અમરેલી જિલ્લામાં બે વર્ષમાં અધધધ 400થી વધુ ભૂકંપના આંચકા આવ્યા છે.  તુર્કીમાં સર્જાયેલી તબાહી અને ઉત્તરાખંડમાં મહાભૂકંપની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં આવતા આંચકાથી લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યા છે.

તુર્કી અને સીરિયામાં તાજેતરમાં આવેલા ભૂકંપે મહાવિનાશ સર્જયો છે. તેનાથી દેશ અને દુનિયાના લોકોમાં ભયનો માહોલ છે. ભૂકંપનો થોડો આંચકો પણ લોકોને ગંભીર રીતે ડરાવી જાય છે. આ દરમિયાન ભારતીય વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ગુજરાતનો અમરેલી જિલ્લો સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત વિસ્તાર છે. છેલ્લા બે વર્ષમાં અહીં 400 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ગુજરાતમા છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગુજરાતમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભૂકંપના આંચકાઓના અહેવાલો અવાર-નવાર જોવા મળતા હોય છે. મહત્વનું છે કે, અમરેલીમાં 24 કલાકમાં ભૂકંપના સાતેક જેટલા આંચકા નોંધાયા છે. એક રેકોર્ડ મુજબ 2021થી અમરેલીમાં ભૂકંપના આંચકામાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, આ વચ્ચે રાહતની વાત એ છે કે, આ આંચકા ઓછી તીવ્રતાના છે. માત્ર 5 જેટલાં આંચકાની તીવ્રતા 3થી વધારે નોંધાઈ છે.

ગત મધરાત્રે અમરેલીમાં વધુ એક આંચકો

ગત મોડીરાત્રે અમરેલી જિલ્લામાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા. વારંવાર આવતા ભૂકંપને પગલે હાલ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.માહિતી મુજબ મોડી રાત્રે 1:42 મિનીટે આંચકો અનુભવાયો હતો.ખાંભાના ભાડ, વકીયા, સાકરપરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમા ભૂકંપનો આંચકો અનુભવાયો.આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

કચ્છ-પાકિસ્તાન સરહદે ગઈકાલે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

રાજકોટથી 270 કિમી દૂર કચ્છ-પાકિસ્તાન સરહદે નોર્થવેસ્ટમાં ગઈકાલે 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર 10 કિમી ઊંડે કેન્દ્રબિંદુ હતું. બપોરે 3.21 મિનિટે ભૂકંપનો આંચકો આવતા લોકો બિલ્ડિંગોમાંથી બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી 270 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જોકે આ ભૂકંપના આંચકાથી કોઈપણ જાનમાલને નુકસાન થયું નથી.

હિમાલયની પ્લેટ સાથે ઈન્ડિયન પ્લેટ ટકરાતાં અમરેલીમાં આવી રહ્યો છે ભૂકંપ

સીસ્મોલોજી વિભાગના ડાયરેક્ટર જનરલ સુમેર ચોપરાએ અમરેલીના ભૂકંપના કારણો વિશે જણાવ્યું કે, હિમાલયની પ્લેટ સાથે ઈન્ડિયન પ્લેટ ટકરાતાં અમરેલીમાં ભૂકંપના આંચકા આવે છે. સૌરાષ્ટ્રમાં સિઝનલ એક્ટિવિટી આ આંચકા આવ્યા કરે છે. અમરેલીમાં આવેલા તમામ આંચકામાં 80 ટકા આંચકા એવા હતા, જેની તીવ્રતા 2 મેગ્નટ્યૂટથી ઓછી હતી. 13 ટકા કેસમાં 2 થી 2.2 ની તીવ્રતા હતી. તો 400 માંથી 5 આંચકા એવા છે જેની તીવ્રતા વધુ હતી. તેમાં પણ સૌથી વધુ તીવ્રતા 3.4 રેકોર્ડ થઈ છે. આમ, 86 ટકા આંચકા 2 થી ઓછી તીવ્રતાનો છે. તેથી તેમાં ચિંતાજનક કંઈ નથી. તેમણે કહ્યુંક કે, ઈન્ડિયન પ્લેટમાં હલચલ થઈ રહી છે. તે હિમાલયની પ્લેટ સાથે ટકરાઈ રહી છે.

આ કારણે પ્લેટ પર દબાણ રહે છે. ક્રિટીકલ દબાણનું મતલબ એ છે કે તે તૂટવાના કગાર પર છે. તો તેના પર થોડો પણ લોડ આવે તો, જે ટેકનોલોજી કે અન્ય કોઈ કારણોસર હોઈ શકે છે, તો નાનામોટા ભૂકંપના આંચકા આવતા રહે છે. તેથી આ કારણોસર ભૂકંપના આંચકા આવ્યા કરે છે. પરંતું આ એક્ટિવિટી સીઝનલ જેવી છે. તે બારેય મહિના રહેતી નથી. ઓગસ્ટ, સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી તેની અસર રહે છે. ગરમીઓમાં આંચકા ઓછા આવે છે. સીઝનલ હાઈડ્રોલોજિકલ લોડિંગને કારણે અસર થાય છે. પ્લેટ પર દબાણ થાય છે તેથી નાના મોટા આંચકા આવતા રહે છે. જે ખાસ કરીને ચોમાસું અને તેની બાદની સીઝનમાં હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.