સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં રાખી તમામ વર્ગનાં લોકોને રાજીના રેડ કરતું રૂપાણી સરકારનું ફૂલગુલાબી બજેટ: ગત
વર્ષ કરતા બજેટનાં કદમાં રૂ.૧૫ હજાર કરોડનો વધારો: ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીમાં ગુજરાતનું મોટુ યોગદાન રહેશે
અમરેલી, કેશોદ, રાજપીપળા અને મહેસાણાનાં એરપોર્ટને ડેવલોપ કરવા રૂા.૨૫ કરોડ અને મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેકટ માટે રૂા.૬૩ કરોડની જોગવાઈ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી-નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભામાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું રૂા.૨,૧૭,૨૮૭ કરોડનું બજેટ રજુ કર્યું હતું. કદની દ્રષ્ટીએ ઐતિહાસિક એવા બજેટમાં તમામ ક્ષેત્ર માટે માતબર નાણાની ફાળવણી કરવામાં આવી હોવા છતાં બજેટમાં રૂા.૬૦૫ કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. ચાલુ સાલ સનિક સ્વરાજયની ચુંટણી યોજાવાની હોય બજેટમાં તમામ વર્ગનાં લોકોને ધ્યાનમાં રાખી નાણાની ફાળવણી કરવામાં આવી છે. સૌનો સાથ, સૌના વિકાસને ધ્યાનમાં રાખી અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
આજે ગુજરાત વિધાનસભામાં બપોરે બજેટ સત્રનો આરંભ થયો હતો. પ્રમ એક કલાક પ્રશ્ર્નોતરીકાળમાં વિપક્ષ દ્વારા જબરો હંગામો મચાવ્યો હતો. બપોરે ૨:૧૦ કલાકે નાણામંત્રી નીતિનભાઈ પટેલે ૮મી વખત ગૃહમાં બજેટ રજુ કરી સૌથી વધુ બજેટ રજુ કરવાના વજુભાઈ વાળા બાદ બીજા ક્રમે સન હાંસલ કરી લીધું છે. ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૨,૧૭,૨૮૭ કરોડનું બજેટ ગૃહમાં રજુ કરવામાં આવ્યું છે જેમાં ખેડુતોના કલ્યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના હેઠળ રાજયનાં ૪૮ લાખ ખેડુતોને ૩૧૮૬ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ૪૩ ટકા સ્ટાર્ટઅપ ગુજરાતમાં થયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ૪૦ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ૫ ટ્રિલીયન ડોલરમાં ગુજરાતનું મોટુ યોગદાન રહેશે તેવો વિશ્ર્વાસ બજેટમાં રજુ કરાયો છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્ર્વાસને કેન્દ્રમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તમામ વર્ગના લોકો માટે માતબર ફાળવણી કરવામાં આવી છે. ખેડુતો પર સરકાર જાણે ઓળધોળ થઈ હોય તેવી રીતે અનેક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. વૃદ્ધો-દિવ્યાંગો માટે પણ બજેટમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. એમબીબીએસની સીટોમાં વધારો કરવામાં આવશે. ૩૨ નવી મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવશે. ૧૦૮ની સેવાને વધુ સરળ બનાવવા માટે નવી ૧૫૦ એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવશે. ૧૦ હજારની વસ્તી દીઠ રાજયમાં એક અર્બન હેલ્થ સેન્ટર ખુલ્લુ મુકવામાં આવશે. પોરબંદર, નવસારી અને રાજપીપળામાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોને ડેરીફાર્મ, પશુએકમો, બકરા એકમ સપવાની યોજના અંતર્ગત રૂા.૨૮૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજયમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવા માટે રૂા.૨૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેચ ગાયના સંવર્ધન માટે રૂા.૨૩૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર માટે રૂા.૮૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ જીવદયામાં ખુબ જ વિશ્ર્વાસ ધરાવે છે. મુંગા પશુ-પક્ષીઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે. વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણામાં આ સેવાને વધુ સુદ્રઢ બનાવવા માટે રૂા.૧૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વન પર્યાવરણ વિભાગ માટે રૂા.૧૯૮૧ કરોડની, વન સંરક્ષણ અને સંવર્ધન માટે રૂા.૨૮૧ કરોડની જોગવાઈ કરાઈ છે. દિપડાને રેડીયો કોલર લગાવવા માટે અને આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફુડ ઉછેર માટે ૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે. મહિલાઓની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેકટ માટે રૂા.૬૩ કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. પોલીસ આવાસ માટે પણ રૂા.૨૮૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજપીપળા, અમરેલી, કેશોદ અને મહેસાણાનાં એરપોર્ટને ડેવલોપ કરવા માટે રૂા.૨૫ કરોડ ફાળવવામાં આવ્યા છે.
સિંચાઇ માટે ૫૦ ટકાના રાહત દરે પાણી
ખેડૂતો ખેતીમાં સિંચાઇ માટે પાણી માગે ત્યારે ખેડૂતો સામુહિક રીતે ડીપ ઇરીગેશનનો ઉપયોગ કરે તો તેમને પ૦ ટકાના રાહત દરે સિંચાઇનું પાણી આપવાની પણ સરકારે જોગવાઇ કરી છે.
સૌની યોજના માટે ૧૭૧૦ કરોડ ફાળવાયા
રાજયમાં જળ સંચય પ્રવૃતિ વેગ પકડે અને લોકો પાણી બચાવતા થાય તે માટે સરકારે જળ સંચયના કામો માટે રૂા ૭૨૧૦ કરોડની ફાળવણી કરી છે. સૌની યોજના માટે સરકારે ૧૭૧૦ કરોડની ફાળવણી કરી છે.
જીવદયાપ્રેમી રૂપાણી સરકાર ગાય દીઠ પશુપાલકને માસિક રૂ.૯૦૦ આપશે
ખેડુત કલ્યાણ માટે ૭૪૨૩ કરોડની માતબર જોગવાઈ: ટ્રેકટર ખરીદવા માટે જગતાતને ૪૫ હજારથી ૬૦ હજાર સુધીની મદદ કરાશે
નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે ગુજરાત સરકારનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રજુ કર્યું હતું. ફુલ ગુલાબી એવા બજેટમાં ખેડુતો માટે માતબર જોગવાઈ કરવામાં આવી છે. જીવદયાપ્રેમી રૂપાણી સરકારે રાજયમાં પશુપાલકોને ગાય દીઠ માસિક રૂા.૯૦૦ અને વાર્ષિક રૂા.૧૦,૮૦૦ની સહાય ચુકવવામાં આવશે તેવી જાહેરાત બજેટમાં કરતા જીવદયાપ્રેમીઓમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
આજે જાહેર કરવામાં આવેલા બજેટમાં ખેડુત કલ્યાણ માટે રૂા.૭૪૨૩ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ખેડુતોને ટ્રેકટર ખરીદવા માટે રાજય સરકાર દ્વારા ટ્રેકટર દીઠ રૂા.૪૫ હજારી લઈ ૬૦ હજાર સુધીની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. જયારે ખેડુતોને ૦ ટકા વ્યાજ દરે ધિરાણ અપાશે. પાંજરાપોળમાં શેડ-ગોડાઉન બાંધવા, સોલાર રૂફટોપ માટે અને સ્પ્રીકલ માટે પણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. પાક વિમાના પ્રિમીયમ માટે રૂા.૧૧૯૦ કરોડની જોગવાઈ કરાઈ છે. ખેડુતોને નાના ગોડાઉન બાંધવા માટે એકમ દીઠ રૂા.૩૦ હજારની સહાય કરવામાં આવશે. જો ખેડુતો પોતાના ખેતરમાં જ ઓન ફાર્મ સ્ટોરેજ બનાવશે તો તેને એનઓસી લેવાની જરૂર પડશે નહીં. સરકારે પાક સંગ્રહ માટે પણ ૩૦૦ કરોડની યોજના જાહેર કરી છે જેનો ૩૨,૦૦૦ ખેડુતોને લાભ મળશે. કિસાનો માટે પશુ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે સાથો સાથ પાંજરાપોળને પણ પશુ દીઠ પશુધન માટે સહાય કરવામાં આવશે. પાક વિમા યોજનાને સ્વૈચ્છિક બનાવવામાં આવી છે. વર્ષ ૧૯૬૦થી અત્યાર સુધી રાજયમાં ખેડુતોને કયારેય ન મળી હોય તેટલી રકમની ફાળવણી ચાલુ સાલનાં બજેટમાં કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી તરફ સરકારે વધુ પ્રાધાન્ય આપ્યું છે. ગાય દીઠ માસિક રૂા.૯૦૦ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જયારે હિંમતનગરમાં ૪૩ કરોડના ખર્ચે વેટરનરી કોલેજ બાંધવામાં આવશે. પાંજરાપોળ માટે પણ મુખ્યમંત્રી પશુધન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. કિસાન પરિવાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નાના માછીમારોને એન્જીન ખરીદવા માટે પણ સહાય અપાશે. એપીએમસીને ગોડાઉન બનાવવા માટે અને ખેતપેદાશોના રક્ષણ માટે પણ સહાય કરવામાં આવશે. ભુગર્ભ જળનું સ્તર ઉંચુ લાવવા માટે સરકારે જળ યોજનાની જાહેરાત કરી છે અને જળ સંપદા વિભાગ માટે રૂા.૭૨૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સૌની યોજના માટે રૂા.૧૭૧૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. અટલ ભુજળ યોજના માટે ઉતર ગુજરાત માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે. રાદી સીપુ ડેમ સુધી પાઈપલાઈન નાખવામાં આવશે.
કૃષ્ણનગરી દ્વારકાનાં વિકાસ માટે રૂ.૯૬૨ કરોડ ફાળવાયા
સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરાશે
દેશ-વિદેશમાં કરોડો ભાવિકોનાં આસના પ્રતિક એવા કૃષ્ણનગરી દ્વારકાનાં વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા માતબર રૂા.૯૬૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દર્શર્નાીઓ સોમનાથ મહાદેવ અને દ્વારકામાં કાળીયા ઠાકોરના એક જ દિવસમાં દર્શન કરી શકે તે માટે વિમાનની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે બજેટમાં રૂા.૧ કરોડ ફાળવવામાં આવ્યા છે. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૧૩૯૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉડાન યોજના અંતર્ગત પોરબંદર, મુદ્રા, ભાવનગર અને જામનગરની એર કનેકટીવીટી તથા કેવડીયા સાબરમતી અને શેત્રુંજયને વોટરડ્રોમી જોડવા માટે રૂા.૪૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજપીપળા, અમરેલી, કેશોદ અને મહેસાણાનાં એરપોર્ટને ડેવલોપ કરવા માટે રૂા.૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. સુપોષણ ગુજરાત માટે પણ રૂા.૧ કરોડની ફાળવણી કરાઈ છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે ૧૩,૯૧૭ કરોડ ફાળવવામાં આવ્યા છે.
રાજયમાં પ૦૦ શાળાઓને સ્કૂલ ઓફ એકસેલન્સ બનાવાશે
રાજયમાં શિક્ષણના વિસ્તાર માટે સરકારે ૩૧૯૮૫ કરોડની ફાળવણી કરી છે. રાજયના પ૦૦ શાળાઓને સ્કુલ ઓફ એકસેલન્સ તરીકે વિકસાવવામાં આવશે. રાજયની પ્રાથમીક શાળાઓમાં ૭ હજાર નવા વર્ગ ખંડો બનાવવામાં આવશે. શિક્ષણના સુધારા મભાટે શાળાઓમાં ઓનલાઇન મોનીટરીય સિસ્ટમ કાર્યરત કરાશે.
અટલ ભૂજલ યોજના: કચ્છના ગામોને મળશે લાભ
સરકારે પાણીના બચાવ માટે અટલ ભુજલ યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત ઉતર ગુજરાત તથા કચ્છના ર૪ તાલુકાઓને તેનો લાભ મળશે.
પ્રવાસન વિકસાવવા ૪૮૦ કરોડની જોગવાઇ
રાજયના પ્રવાસનનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા થતી જોગવાઇની રકમ સતત વધતી જાય છે. દરમિયાન આજે વિધાનસભા બજેટના સત્રના રાજય સરકારે પ્રવાસન માટે રૂ ૪૮૦ કરોડની જોગવાઇ કરી હતી. આ સાથે જ કુષિ, શિક્ષણ અને ઉદ્યોગો માટે વિવિધ જોગવાઇ થઇ હતી.
૭૫ વર્ષી વધુ ઉંમરના વૃદ્ધોને હવે રૂ.૭૫૦ના બદલે ૧૦૦૦ સહાય ચુકવાશે
૮૦ ટકાથી વધુ માનસિક વિકલાંગતા ધરાવતા વ્યકિતને ૬૦૦ને બદલે ૧૦૦૦ રૂપિયા ચુકવવાની જાહેરાત
રૂપાણી સરકાર ફુલગુલાબી બજેટમાં તમામ વર્ગના લોકો પર મન મુકીને વરસી છે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૭૫ વર્ષી વધુ વયના વૃદ્ધોને માનસિક રૂા.૭૫૦ના બદલે રૂા.૧૦૦૦ ચુકવવામાં આવશે. ૮૦ ટકાથી વધુ માનસિક વિકલાંગતા ધરાવતા વ્યકિતને માસિક રૂા.૬૦૦ને બદલે ૧૦૦૦ની સહાય ચુકવાશે. વૃદ્ધાશ્રમની નિભાવ ગ્રાન્ટ પણ માસિક રૂા.૧૫૦૦થી વધારી રૂા.૨૧૬૦ કરવામાં આવી છે. કલાયમેન્ટ ચેન્જ માટે રૂા.૧૦૧૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મહિલા બાળ વિકાસ માટે રૂા.૩૧૫૦ કરોડની, ઉધોગ અને ખાણ માટે રૂા.૭૦૧૭ કરોડની, પાણી પુરવઠા માટે રૂા.૪૩૧૭ કરોડની, માનવ કલ્યાણ યોજના અંતર્ગત નાના અને નબળા વર્ગનાં લોકો માટે રૂા.૪૮ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ માટે રૂા.૧૪૭ કરોડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે ૧૩,૪૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કૃષ્ણનગરી દ્વારકાનાં વિકાસ માટે રૂા.૯૬૨ કરોડ ફાળવવામાં આવ્યા છે.