નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરાઈ જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એન્ટી ઇન્કમબન્સીના ભયથી ભાજપ સરકાર દ્વારા આજે રાજ્યના વિદ્યાસહાયકોને ચૂંટણીલક્ષી દિવાળી Gift (ભેટ) આપતી જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેમાં તેમણે ગુજરાતના વિદ્યાસહાયકોના પગારમાં વધારો કરીને રૂ. ૨૫ હજાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર રાજ્યમાં લોકો અને વિપક્ષ દ્વારા ચલાવાઈ રહેલા ‘વિકાસ ગાંડો થયો છે’ના સૂત્રથી ભારે પરેશાન થઈ ગઈ છે. રાજ્યમાં પ્રચલિત બનેલા ‘વિકાસ ગાંડો થયો છે’ના સૂત્ર અંગે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતમાં આવીને તેના જવાબ આપવા પડી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘વિકાસ ગાંડો થયો છે’ની અસર ના પડે તે માટે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ વારંવાર ગુજરાતમાં આવીને ‘વિકાસ’ને લઈને લોકોને સમજાવવા પડી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યના લોકોને રાજી કરવા માટે ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા અમલી બની જાય તે પૂર્વે ગુજરાત સરકાર દ્વારા એક બાદ એક જાહેરાત કરીને લોકોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રયાસો અંતર્ગત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે રાજ્યમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોનો સરકારી પગારને વધારીને રૂપિયા ૨૫ હજાર કરી દીધો હતો. આ અગાઉ વિદ્યાસહાયકોનો આ પગાર રૂપિયા ૧૬,૫૦૦/નો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે જે જાહેરાતો કરવામાં આવી છે, તેમાં શિક્ષણ સહાયકનો પગાર રૂ. ૧૬,૫૦૦થી વધારીને રૂ. ૨૫ હજાર કરવાની, સાથી સહાયકોનો પગાર રૂ. ૧૦,૫૦૦થી વધારીને ૧૯,૫૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ‘માં અમૃતમ યોજના’ની મર્યાદાને વધારીને રૂપિયા ૨.૫ લાખ કરી દેવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.