વિધાનસભાના ચૂંટણી વર્ષમાં નવા કરબોજ વિહોણુ ફૂલ ગુલાબી બજેટ: તમામ વર્ગને સાચવી લેવાયા: શહેરોના વિકાસ માટે ખાસ જોગવાઇ
અબતક-રાજકોટ
ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ-2022/23નું બજેટ નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. રૂ 2.40 લાખ કરોડથી વધુના કદના આ બજેટમાં ગુજરાતની જનતા પર નવો એકપણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો નથી. વિધાનસભાના ચૂંટણી વર્ષમાં તમામ વર્ગને આવરી લેવામાં આવ્યા છે. વિજળી બીલ અને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ રાહત આપવામાં આવે તેવી સંભાવના રહેલી છે. ગુજરાત બે વર્ષ બાદ કોરોનામાંથી બહાર નીકળી રહ્યું છે. ત્યારે ફરી રાજ્યનાં વિકાસને વેગવંતો બનાવવા માટે શહેરો માટે ખાસ નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે.
સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિત આખુ મંત્રીમંડળ નવુ રચાયું છે. ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારનું પ્રથમ અને 14મી વિધાનસભાનું અંતિમ બજેટ આજે બપોરે 12 કલાકે રાજ્ય સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા બજેટમાં ગુજરાતની જનતા પર નવો એકપણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો નથી. ઉલ્ટાની વધારાની રાહત આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે બજેટને સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી ટચ આપવામાં આવ્યો છે. મહિલા, યુવાનો, સિનિયર સિટીઝનો, ગામડા, નાના શહેરો, મહાપાલિકા તમામને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચૂંટણીલક્ષી બજેટમાં “મત” સાચવવાના ભરપુર પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું વિવિધ જોગવાઇઓ પરથી ફલીત થાય છે.
છેલ્લા બે વર્ષથી રાજ્યમાં કોરોના કારણે વિકાસ પર અસર પડી છે. હવે જ્યારે સ્થિતિ થાળે પડી રહી છે ત્યારે ગુજરાત ફરી વિકાસના ટ્રેક પર દોડતું થાય તેવા પ્રયાસો બજેટમાં કરવામાં આવ્યા છે. નગરપાલિકા અને મહાનગર પાલિકાઓને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં માતબર વધારો કરવામાં આવ્યો છે. મહાપાલિકાઓ માટે વિવિધ પ્રોજેક્ટ માટે ખાસ નાણાની જોગવાઇઓ કરવામાં આવી છે અનેક રાહતકારી યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે.
ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારના પ્રથમ અને વર્તમાન ટર્મના અંતિમ બજેટમાં તમામ વર્ગને સાચવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંકમાં મત લણવા માટે યોજનાકીય વાવેતર કરી દેવામાં આવ્યું છે. બજેટનું કદ રૂ 2.40 લાખ કરોડથી વધુ છે. મહિલાઓ માટે ખાસ કેટલીક યોજનાઓ જાહેરાત કરવામાં આવી છે. યુવાનોનો રોજગારીનું નિર્માણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડિલો માટે તીર્થયાત્રા સહિતના યોજનાઓ મુકવામાં આવી છે.
સૌની યોજનાના કામને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને કરોડો રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતોને પણ સાચવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જગતાતને ઝીરો વ્યાજ લોન આપવા સહિતની યોજનાઓ મુકવામાં આવી છે.