સમગ્ર ભારત-પાકિસ્તાનની સરહદને પર્યટકનો માટે ખુલ્લી મુકવા ગુજરાત સરકારે શરૂ કરેલા વિશીષ્ટ સીમા દર્શન પ્રોજેકટની તૈયારીઓના નિરીક્ષણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીમા પર બનાસકાંઠા પાસે આવેલા નડ્ડાબેટની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકાર રૂા.125 કરોડના ખર્ચે સીમા દર્શન પ્રોજેકટ વિકસાવી રહી છે જે ભારતના સ્વાતંત્ર્ય દિન 15મી ઓગષ્ટના દિવસે જ પરિપૂર્ણ થશે અને આમ જનતા માટે સરહદી સફરનું નવલુ નઝરાણુ એ દિવસે ખુલ્લુ મુકવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત પ્રવાસન નિગમે નાદેશ્વરી માતા મંદિર પાસે સેલ્ટરની કામગીરી પરિપૂર્ણ કરી લીધી છે. પ્રવાસનને લગતી તમામ સુવિધાઓ અહીં ઉભી કરવામાં આવી રહી છે.
ભારત-પાકિસ્તાનની સરહદ પર વિખ્યાત નડ્ડાબેટની મુલાકાત લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
રૂા.125 કરોડના ખર્ચે શરૂ થયેલો સીમા દર્શન પ્રોજેકટ સ્વતંત્ર્તા દિને પરિપૂર્ણ થશે
ગુજરાત અને રાજ્યની જનતાને અનોખો લ્હાવો પ્રદાન કરતું સરકારનું નવલુ નઝરાણુ
મુખ્યમંત્રી રૂપાણીએ પ્રથમ તબક્કાની કામગીરી નિહાળી હતી. રૂા.23 કરોડના ખર્ચે પહેલા તબક્કાની કામગીરી પરિપૂર્ણ થશે. મુખ્યમંત્રીની સાથે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ પ્રવાસમાં જોડાયા હતા. રૂા.32 કરોડના ખર્ચે બીજા તબક્કાનું કામ પણ શરૂ થઈ રહ્યું છે. સીમા દર્શન એ ગુજરાત સરકાર તરફથી માત્ર ગુજરાત જ નહીં ભારતભરના પર્યટકો માટે એક અભૂતપૂર્વ અનુભૂતિ સમાન બની રહેશે તેવી રાજ્ય સરકાર આશા રાખે છે. મુલાકાત બાદ રૂપાણીએ જણાવ્યું હતું કે, નડ્ડાબેટ પર શરૂ થયેલો સીમા દર્શન પ્રોજેકટ વિશ્વના પ્રવાસન નકશામાં ગુજરાતની અનોખી ઓળખ ઉભી કરશે. સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત પહેલી વખત અહીં આવનાર પ્રવાસીઓને દેશની સુરક્ષા કરી રહેલા અને ઝીરો પોઈન્ટ પર રાત-દિવસ જાન હથેળી પર લઈને જાગતા પ્રહરી તરીકે સેવા બજાવતા સીમા સુરક્ષા દળની કામગીરી નિહાળવાનો રોમાંચક અનુભવ થશે.
મુખ્યમંત્રીએ ખુદ જણાવ્યું હતું કે, સીમા દર્શન માટે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષા દળોની જવામર્દી, રાષ્ટ્રપ્રેમની ભાવનાના ઈતિહાસથી ગૌરવાનવીત થશે. એટલું જ નહીં પ્રવાસન પ્રવૃતિમાં વધારો થતાં સ્થાનિક કક્ષાએ રોજગારીની તકોનું પણ સર્જન થશે. આ પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ રહ્યો છે. જેનાથી વિશ્વના પ્રવાસન નકશા પર ગુજરાતને અનોખુ સ્થાન પ્રાપ્ત થશે.
પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે તેમણે સરહદ પર ઝીરો પોઈન્ટ ખાતે સીમા દર્શન પ્રોજેકટનો વિચાર અમલમાં મુક્યો હતો. સમગ્ર સરહદી પટ્ટા પર પ્રવાસનની સુવિધા વિકસાવવામાં આવશે.
પ્રવાસન ક્ષેત્રે મોદીની જેમ મુખ્યમંત્રી રૂપાણીએ પણ આગવી કેળી કંડારી છે. વડાપ્રધાન મોદીએ તેમના ગુજરાત ખાતેના કાર્યકાળ દરમિયાન સાસણ ગીર, સાપુતારા, અંબાજી અને સફેદ રણ જેવા અનેક સ્થળોનો વિકાસ કરી દેશને પ્રવાસન નકશા પર મુકી દીધો હતો. હવે મુખ્યમંત્રી રૂપાણી પણ વડાપ્રધાન મોદીએ નિશ્ચિત કરેલા પથ પર ચાલીને પ્રવાસનનો વિકાસ કરી રહ્યાં છે.
ગુરૂવારે સવારે રૂપાણી નડ્ડાબેટ પહોંચ્યા હતા અને નડેશ્વરી માતાના ભાવપૂર્વક દર્શન-પૂજન કરી વિવિધ પ્રોજેકટની મુલાકાત શરૂ કરી હતી. અંદાજે રૂા.125 કરોડના ખર્ચે આ પ્રોજેકટ નિર્માણ પામી રહ્યો છે. માતાજીના મંદિર પાસે જ વિસામોની કામગીરી પરિપૂર્ણ થઈ ગઈ છે. મંદિરથી સીમા દર્શન માટેના ઝીરો પોઈન્ટ સુધી જવાના માર્ગ પર ટી-જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાઓની કામગીરી ચાર તબક્કામાં ચાલી રહી છે. અત્યારે ફેઈઝ-1નું કામ પૂર્ણ થવામાં અને ફેઈઝ-2 શરૂ થઈ રહ્યું છે. બીજા ફેઈઝ દરમિયાન અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબીશન સેન્ટર અને સરહદી સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઈટનું કામ ચાલી રહ્યું છે.