આ તમામ લોકોને એક માસનો એડવાન્સ પગાર આપવાની સરકારની રજૂઆત
વૈશ્વિક મહામારી એટલે કે કોરોનાએ વિશ્ર્વ આખાને હંફાવી નાખ્યું છે જે રીતે કોરોનાનો સાર્વત્રિક કહેર વરસી રહ્યો છે ત્યારે આ સમયમાં પણ મેડિકલ, પેરા મેડિકલ તથા પોલીસનાં જવાનો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને કોરોનાને નાથવા માટે અહમ ભૂમિકા પણ ભજવી રહ્યા છે. આ તકે આ તમામ લોકોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ રીતે વિચારણા પણ કરવામાં આવી રહી છે. આ તકે રાજય સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં લડી રહેલા યોદ્ધાઓને નાણાકિય સહાય એટલે કે પ્રોત્સાહન આપવા વિચારણા પણ કરવામાં આવી રહી છે. આ તમામ યોદ્ધાઓમાં ડોકટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ તથા પોલીસ જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યોદ્ધાઓને પ્રોત્સાહિત કરવા માટે સરકાર એક માસની એડવાન્સ સેલેરી આપીને આ તમામને પ્રોત્સાહિત કરે તેવું પણ માનવામાં આવે છે. સ્ટેટ હેલ્થ અને ફેમિલિ વેલફેર વિભાગનાં આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ સરકાર કોરોના સામે લડી રહેલા યોદ્ધાઓને દિન-પ્રતિદિન પડતી મુશ્કેલીઓની માહિતી પણ સરકારને પહોંચાડી રહી છે ત્યારે સરકાર આ તમામ માટે સ્વાસ્થ્યવર્ધક ખોરાક, યોગા ફેસેલીટી, મનોરંજન અને સાયકોલોજીકલ કાઉન્સીલીંગ પણ આપી રહ્યું છે ત્યારે આ તમામ યોદ્ધાઓનાં આત્મવિશ્ર્વાસમાં વધારો થાય તે જોતા નાણાકિય સહાય આપવાનું હાલ સરકાર વિચાર કરી રહ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે. આ અંગેનું પ્રપોઝલ રાજય સરકાર સુધી પણ પહોંચાડવામાં આવ્યું છે. જયારે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ કયાંકને કયાંક આ પ્રકારનું પ્રોત્સાહન આપવા વિચારણા કરી રહ્યું છે ત્યારે રાજય સરકાર પણ કેન્દ્ર સરકાર તરફથી મળતા દિશા-નિર્દેશ માટે સમયની રાહ જોવે તો નવાઈ નહીં. આ તકે જો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં મોડુ થાય તો રાજય સરકાર તેનો નિર્ણય યથાવત રાખી થોડા સમયમાં જ આ તમામ લોકોને પ્રોત્સાહિત કરશે.