જામનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના 2.0 સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ
રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિને ગરીબોની બેલી સરકાર થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે જામનગર શહેરના ટાઉનહોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-2.0, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભાર્થીઓને કીટ તેમજ પ્રમાણપત્ર વિતરણ અને સ્વચ્છતા અનુલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર સરપંચોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે કહ્યું હતું કે, પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ અર્પણ કરી આ દિનને સેવા દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.સાથે જ કોરોનાકાળ દરમિયાન અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી સરકાર તેઓના વડીલ બની છે. સરકાર દ્વારા સૌની યોજના થકી સૌરાષ્ટ્રને પાણીદાર બનાવાયું, તો સેવા ભાવના સાથે જ સંવેદનાના સમન્વયથી લોક ઉત્થાનની કામગીરીમાં ગુજરાત સરકાર સતત આગળ વધી છે. ઉજજવલા યોજના 2.0 અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રવાસી શ્રમિકો, ગરીબી રેખા હેઠળના 150 લાભાર્થીઓને ગેસકીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી પ્રથમ ગેસ બોટલ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
વધુમાં કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનામાં વાલી ગુમાવનાર બાળકોને પણ સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં કાર્યક્રમમાં વર્ચ્યુલી ઉપસ્થિત રહેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે લાભાર્થી બાળકોના ખાતામાં ઑનલાઇન સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં જામનગર જિલ્લાના 20 બાળકોને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ગ્રામીણ કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાની ખાવડી, વરણા, બાદનપર અને લીંબુડા ગામના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. સ્વાગત પ્રવચન ડી.આર.ડી.એ.ના નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદાએ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, પ્રભારી સચિવ નલીનભાઈ ઉપાધ્યાય, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, કમિશનર વિજય ખરાડી વગેરે પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની પુરની સ્થિતી અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની પુરની સ્થિતી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી સચિવ નલીન ઉપાધ્યાય, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી સહિતના હોદ્દેદારો જોડાયા હતા.બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લામાં પુરની સ્થિતી તથા હાથ ધરાયેલ તંત્ર દ્વારા કામગીરી અંગેની વિગતો મેળવી હતી.
મંત્રીએ ઘરવખરી સહાય ચુકવણી, કેશડોલ, ચુકવવામાં આવેલ સહાય તથા ચુકવવામાં આવનાર સહાય, પાણી-ઘાસ-અનાજ-વિજળી-રોડ રસ્તા વગેરેની સ્થિતી ખેતી તથા ઘરોમાં નુકશાન વગેરે બાબતોની સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.મંત્રીએ આ તકે જિલ્લામાં રોગચાળો ન ફાટે તે માટે આરોગ્ય તંત્રને સચેત બની કામગીરી કરવા, ધોવાયેલા રસ્તાઓનુ તાકીદે સમારકામ કરવા, અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલીક ધોરણે અનાજ, પાણી, ધાસ સહિતની મદદ પુરી પાડવા તાકીદ કરતા જણાવ્યું હતુ કે અસરગ્રસ્તોને મહત્તમ લાભો ચુકવાય તે માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સ્થાનીક કક્ષાએથી પણ માનવીય અભિગમ દાખવી જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરાય તે જરૂરી છે.