લાખો લોકોની ધાર્મિક લાગણી અને કરોડો લોકોના આરોગ્યને એકસાથે સાચવવા પડકાર સમાન!!

કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગત વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારે આ વર્ષે અનેક ધાર્મિક અને સામાજિક સંગઠનો તેમજ સાધુ-સંતોએ આ વર્ષે અમદાવાદમાં રથયાત્રાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. લાખો લોકોની માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે રથયાત્રા કાઢવાની મંજૂરી તો આપી દીધી છે પણ હજુ રાજ્ય સરકાર ‘અવઢવ’માં છે. કોરોના સંક્રમણ અને ત્રીજી લહેરની ભીતિ વચ્ચે મંજૂરી તો આપી દેવામાં આવી છે પણ ક્યાંક રથયાત્રામાં ભીડ એકત્રિત થાય અને કોરોનાનો કહેર ફાટી નીકળે તો ચોક્કસ પરિસ્થિતિ બેકાબુ બની શકે છે.

ત્યારે એકતરફ લાખો લોકોની ધાર્મિક લાગણીનો પ્રશ્ન છે અને બીજી બાજુ કરોડો લોકોના આરોગ્યનો પણ સવાલ છે ત્યારે રાજ્ય સરકારે બે ધારી તલવાર પર ચાલવા જેવી સ્થિતિ ઉદ્ભવી છે. અધૂરામાં પૂરું ૨૧મી જુલાઈએ બકરીઇદનો પણ તહેવાર છે જેમાં મુસ્લિમ બિરાદરો એકસાથે ઇદગાહમાં એકઠા થઈને નમાઝ અદા કરતા હોય છે જેને ગત વર્ષે મંજૂરી આપવામાં આવી ન હતી પણ રથયાત્રાને મંજૂરી અપાઈ તો ઇદ નિમિતે એકસાથે નમાઝ અદા કરવાની મંજૂરી પણ આપવી પડે તેવી સ્થિતિ ઉદ્ભવશે.

તમિલનાડુમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવા માટેની અરજી મદ્રાસ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે મામલે મદ્રાસ હાઇકોર્ટે આકરું વલણ દાખવી અરજી નામંજૂર કરી છે. મદ્રાસ હાઇકોર્ટે નિર્ણય આપતા કહ્યું છે કે, જીવન જીવવાનો અધિકાર ધર્મની સાપેક્ષે ક્યાંય મોટો છે. ફક્ત ધર્મને ધ્યાને રાખીને કોઈનો જીવ જોખમમાં મૂકી શકાય નહીં જેથી હાલ ધાર્મિક સ્થળો ખોલવા માટેની મંજૂરી ત્રીજી લાહેરની ભીતિ વચ્ચે આપી શકાય નહીં.

મદ્રાસ હાઇકોર્ટે આપેલો નિર્ણય ગુજરાત સરકારને પણ પરોક્ષ રીતે લાગુ તો પડે જ છે. ગુજરાત સરકારની પરિસ્થિતિ પણ હાલ કઈક એવી જ છે. રથયાત્રા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જો રાજ્ય સરકાર રથયાત્રાને મંજૂરી ન આપે તો વિપક્ષો ચૂંટણી સરઘસને મંજરી અપાઈ તો ભગવાન જગન્નાથજીની નગરચર્યાને કેમ નહીં? તે મુદ્દો ઉઠાવી વિરોધ શરૂ કરી દેશે અને લોકોની ધાર્મિક લાગણી દુભાઈ શકે છે જેના કારણે રાજ્ય સરકારે ભારે વિરોધનો સામનો કરવો પડે તો પણ નવાઈ નહીં.

બીજી બાજુ જો રથયાત્રા નીકળે અને ‘ન કરે નારાયણ’ કોરોનાની ત્રીજી લહેરને નોતરું મળે તો પરિસ્થિતિ જોયા જેવી થઈ શકે છે. બીજી લહેરમાંથી માંડ માંડ નીકળ્યા બાદ ત્રીજી લહેરમાં લોકોના મોત નીપજે તેવું રાજ્ય સરકાર ક્યારેય ઈચ્છે નહીં ત્યારે જો રથયાત્રામાં લોકોની ભીડ ઊમટતા સંક્રમણ ફેલાય તો પણ રાજ્ય સરકારની સ્થિતિ કફોળી બનશે.

ઉપરાંત બકરીઇદમાં મુસ્લિમ બિરાદરો ઇદગાહ ખાતે એકત્રિત થઈને સામુહિક નમાઝ અદા કરતા હોય છે ત્યારે ગત વર્ષે સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને રથયાત્રા માફક સામુહિક નમાઝને પણ મંજૂરી અપાઈ ન હતી પરંતુ આ વર્ષે રથયાત્રાને મંજૂરી અપાય તો સામુહિક નમાઝને પણ મંજૂરી આપવી જ પડશે.  આ તમામ બાબતોને કારણે રાજ્ય સરકાર અવઢવમાં મુકાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.