મુખ્યમંત્રીએ સેન્ટ્રલ લાઇટીંગ સિસ્ટમ તથા ભૂગર્ભ ગટર યોજનાના લોકાર્પણ તથા બ્રીજ અને આવાસ યોજના ખાતમુહૂર્ત કરાવ્યા, આવાસ યોજનાનો ડ્રો તથા બાંધકામ આવાસ સહાયના ચેકનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દશેરાના પાવન પર્વ પ્રસંગે રાજકોટ શહેર ખાતે કુલ રૂપિયા ૨૨૯.૭૫ કરોડના વિકાસકામોના શુભારંભ કરાવ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે રાજ્યની જનતાને વિજયાદશમીના ઉત્સવની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વિજયાદશમી એ દૈવી શક્તિના અનિષ્ટ તત્ત્વો પરના વિજયનું પ્રતીક છે, આથી આ તહેવારની ઉજવણી પૂર્ણ ઉમંગ સાથે સમગ્ર જનસમાજ દ્વારા કરવામાં આવે છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોની મનોકામનાઓનો પડઘો પાડતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિક માટે ઘરનું ઘર એ જીવનનો હાશકારો છે. આજે આવાસ મેળવનારા બડભાગી લાભાર્થીઓના જીવનમાં આજનો દિવસ સીમાચિન્હ પુરવાર થશે, એવો ભાવ મુખ્યમંત્રીએ આ પ્રસંગે રજૂ કર્યો હતો.
મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્ય સરકારની નીતિઓના ચિતાર વર્ણવતા કહ્યું હતું કે રોટી-કપડા-મકાન જેવી રાજ્યના નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ રાજ્ય સરકાર માટે સદૈવ પ્રથમ પ્રાથમિકતા રહી છે, જેને સત્વરે સાકાર કરવા માટે રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો કરી છૂટશે. મુખ્યમંત્રી વિજયભાઇએ રાજ્યનો હેપીનેસ ઇન્ડેકસ વધારવાની રાજ્ય સરકારની નેમ આ પ્રસંગે સ્પષ્ટપણે વ્યકત કરી હતી તથા આવાસ, બગીચા, રિવરફ્રન્ટ, ઓવરબ્રિજ, ટાઉનહોલ વગેરેના નિર્માણથી રાજ્ય સરકાર આ પથ પર મક્કમપણે પ્રગતિ કરી રહી છે, એમ પણ ઉમેર્યું હતું
રાજયના પ્રત્યેક જરૂરતમંદ નાગરિકોને તેમની માલિકીનું ઘર પૂરૂં પાડવાની મુખ્યમંત્રી વિજયભાઇએ આ તકે ખાતરી ઉચ્ચારી હતી. તથા ગરીબ નાગરિકોને પાકા સરનામાવાળા ઘરની ઓળખથી બુલંદ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થશે, એમ પણ જણાવ્યું હતું. સમગ્ર વિશ્વના દસ વિકસતા શહેરોમાં રાજકોટની ગણના થતી હોવાનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ શહેરને વર્તમાન સરકાર દ્વારા અપાયેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવું બસ પોર્ટ, અઇમ્સ, કોર્ટનું નવું બિલ્ડીંગ, નવું રેસકોર્સ, અત્યાધુનિક સરકારી હોસ્પિટલ, વગેરે સુવિધાઓની ટૂંકી વિગતો આલેખી હતી.
રાજયના નાગરિકોને ઘરઆંગણે રોજગાર તથા સામાન્ય સવલતો મળે, તે માટે રાજય સરકાર સૌનો સાથ-સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારતના નિર્માણમાં અગ્રેસર રહી છે, તે બાબત પણ વિજયભાઇએ તેમના વકતવ્યમાં વિશેષ રીતે વણી લીધી હતી. મુખ્યમંત્રીએ સભાસ્થળે આવતાં પહેલાં મહાનગરપાલિકા અને રૂડા દ્વારા બનાવાયેલા આવાસોની મુલાકાત લીધી હતી, અને નાગરિકોને કોઇ પણ પ્રકારની અગવડ ન પડે, તે જોવા અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચના આપી હતી.
મુખ્યમંત્રીએ રૂડા દ્વારા રૂ. ૪.૧૦ કરોડના ખર્ચે માધાપરથી ચોકથી માલિયાસણ ચોક સુધી નાખવામાં આવેલ એલ.ઇ.ડી. લાઇટીંગ સીસ્ટમ અને રૂ. ૧૨.૬૨ કરોડના ખર્ચે વાવડી વિસ્તારની ભૂગર્ભ ગટર યોજનાનું લોકાર્પણ તથા રૂ. ૪૪.૭૫ કરોડના ખર્ચે મોટા મવામાં બનનારા ૧૯૨ આવાસો અને રૈયા ખાતે બનનારા ૧૨૮ આવાસોનું ડિજિટલી ખાતમુહૂર્ત કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ૨૧૭૬ આવાસો અને શોપિંગ સેન્ટરનું પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ તમામ આવાસો માટેનો કમ્પ્યુટરાઇઝડ ડ્રો પણ કરાવ્યો હતો. તથા આવાસ બાંધકામ યોજનાની સહાયના ચેકનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સદગત અનિલભાઇ કેશવલાલ સંઘવીના નિધન પ્રસંગે તેમના નિવાસસ્થાને જઇને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
મેયર બીનાબેન આચાર્યએ સ્વાગત પ્રવચનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરાઇ રહેલા વિવિધ વિકાસકામોની રૂપરેખા આપી હતી. જયારે મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે મુખ્યમંત્રીના હસ્તે આજે લોકાર્પણ કરાયેલા લોક-કલ્યાણલક્ષી કામોની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે પ્રાસંગિક ઉદબોધનમાં આજના કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી.
આ પ્રસંગે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, અગ્રણીઓ નીતિનભાઈ ભારદ્વાજ , ડો.જૈમન ભાઈ ઉપાધ્યાય, ભાનુબેન બાબરીયા, કલેકટર રેમ્યા મોહન, પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડેપ્યુટી કમિશ્નર ચેતનભાઇ ગણાત્રા, પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.